સમાજસેવક ભુલાભાઈ પટેલ પંચમહાભૂતમાં વિલીન; અંતિમયાત્રામાં મહિલાઓની સહભાગિતાથી સામાજિક સમાનતાનો પ્રેરક સંદેશ

 

સમાજસેવક ભુલાભાઈ પટેલ પંચમહાભૂતમાં વિલીન; અંતિમયાત્રામાં મહિલાઓની સહભાગિતાથી સામાજિક સમાનતાનો પ્રેરક સંદેશ.

અંતિમ સંસ્કાર: 18/11/2026

દુલસાડ ખાતે હજારો લોકોની ઉપસ્થિતિમાં અંતિમ વિદાય; પુત્ર ડો. નિરવ પટેલે રૂઢિચુસ્ત પરંપરાને બદલે સ્ત્રી-પુરુષ સમાનતાને આપ્યું પ્રાધાન્ય

વલસાડ (દુલસાડ): વલસાડ જીવન વીમા નિગમ (LIC)માં અધિકારી તરીકે સેવા આપી નિવૃત્ત થયેલા અને સાદગીપૂર્ણ જીવનશૈલી તથા સમાજસેવા માટે જાણીતા ભુલાભાઈ પટેલનું તીવ્ર હૃદયરોગના હુમલાને કારણે દુઃખદ અવસાન થતાં દુલસાડ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે. તેઓ દક્ષિણ ગુજરાતના જાણીતા યુવા આગેવાન ડો. નિરવ ભુલાભાઈ પટેલના પિતાશ્રી હતા.

સ્વર્ગસ્થ ભુલાભાઈ પટેલની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, પરિવારજનો, સામાજિક આગેવાનો અને શુભેચ્છકો જોડાયા હતા. ભારે હૈયે નીકળેલી આ અંતિમયાત્રા દરમિયાન એક સામાજિક પહેલ વિશેષ ચર્ચાનું કેન્દ્ર બની હતી.

પરંપરાગત માન્યતાઓથી અલગ વિચાર રજૂ કરતાં ડો. નિરવ પટેલે પરિવારની મહિલાઓને પણ અંતિમયાત્રામાં સામેલ કરી હતી. એટલું જ નહીં, સ્મશાનભૂમિ ખાતે યોજાયેલી અંતિમવિધિમાં પણ મહિલાઓને સક્રિય સહભાગી બનાવી હતી. આ પહેલ દ્વારા તેમણે સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ તથા જીવનની દરેક મહત્વપૂર્ણ જવાબદારીમાં મહિલાઓને સમાન સ્થાન મળવું જોઈએ તેવો સંદેશ આપ્યો હતો.

સામાજિક પરિવર્તન માત્ર વિચારોમાં નહીં, પરંતુ વ્યવહારમાં પણ દેખાવું જોઈએ તેનું આ એક પ્રેરક ઉદાહરણ બન્યું છે. અંતિમ વિદાયના પ્રસંગને સામાજિક સમાનતાના સંદેશ સાથે જોડવાની આ પહેલની પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

પિતાની વિદાયથી પરિવાર પર આવી પડેલા દુઃખ અંગે ડો. નિરવ પટેલે જણાવ્યું હતું કે પરિવાર માટે આ આઘાત સહન કરવો અત્યંત મુશ્કેલ છે, પરંતુ કુદરતના નિયમ સામે સૌ નિઃસહાય છે.

પરિવાર દ્વારા સ્વર્ગસ્થની આત્માની શાંતિ અર્થે આગામી તા. ૨૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા અનુસાર 'દિહાડો'ની વિધિ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ભુલાભાઈ પટેલની વિદાયથી પરિવારે એક વડીલનું માર્ગદર્શન ગુમાવ્યું છે, જ્યારે તેમની અંતિમયાત્રામાં મહિલાઓની સહભાગિતાએ સમાજને સમાનતા અને પરિવર્તનનો એક વિચારપ્રેરક સંદેશ આપ્યો છે.

Comments

Popular posts from this blog

ખેરગામ બીઆરસી ભવન ખાતે ધોરણ ૧ થી ૮ માટે શારીરિક શિક્ષણ અને ‘આનંદદાયી શનિવાર’ શિક્ષક તાલીમ યોજાઈ

ખેરગામ તોરણવેરાના ઢાકવાદકોની લોકપરંપરા રાષ્ટ્રીય મંચ પર ગુંજી ઉઠી.

વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ‘રંગોત્સવ-૨૦૨૬’નો ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો.