વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ‘રંગોત્સવ-૨૦૨૬’નો ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો.

SB KHERGAM
0

વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ‘રંગોત્સવ-૨૦૨૬’નો ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો.

  

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં આવેલી વાડ મુખ્ય પ્રાથમિક શાળા હંમેશા તેના શૈક્ષણિક સ્તર અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જાણીતી રહી છે. શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત ન રહેતા, બાળકની આંતરિક શક્તિઓ ખીલે તે હેતુથી તારીખ ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ શાળામાં 'રંગોત્સવ' નામના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 


વસંતના આ ગાળામાં યોજાયેલા આ ઉત્સવે સમગ્ર વાડ ગામમાં એક અનેરો ઉત્સાહ અને આનંદ ભરી દીધો હતો.  કોઈપણ શુભ કાર્યની શરૂઆત ઈશ્વરની આરાધનાથી થાય છે. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના પટાંગણમાં મંચ પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

 આ પ્રસંગે એસ.એમ.સી. (SMC) ના અધ્યક્ષ શ્રી દિનેશભાઇ, તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતિ જશોદાબેન, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનિષભાઇ કે. પરમાર, બીટ નિરીક્ષક શ્રી પ્રશાંતભાઇ તેમજ ઘટક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશભાઇએ દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમની માંગલિક શરૂઆત કરાવી હતી.દીપ પ્રાગટ્ય બાદ શાળાની બાળાઓ દ્વારા સુમધુર સ્વરે 'પ્રાર્થના' અને 'સ્વાગત ગીત' રજૂ કરવામાં આવ્યું હતું, 


જેણે સમગ્ર વાતાવરણને ભક્તિમય અને પવિત્ર બનાવી દીધું હતું. શાળાના આચાર્યશ્રી કિરિટભાઇએ ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ અને શબ્દોથી ભાવભીનું સ્વાગત કર્યું હતું. પોતાના પ્રવચનમાં તેમણે 'રંગોત્સવ' પાછળની ભાવના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "બાળક એ માટીનો પિંડ છે, તેને યોગ્ય આકાર આપવાનું કામ માત્ર વર્ગખંડમાં જ નહીં, પણ આવા સાંસ્કૃતિક મંચ પર પણ થાય છે." તેમણે શાળાની પ્રગતિની ઝાંખી કરાવી હતી અને વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ સમાન ૧૬ સાંસ્કૃતિક કૃતિઓએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દરેક કૃતિમાં બાળકોની મહેનત અને શિક્ષકોનું માર્ગદર્શન સ્પષ્ટપણે દેખાતું હતું:

બાલવાટિકા અને પ્રાથમિક વિભાગ: બાલવાટિકાના ભૂલકાઓએ 'ટાક ધીના ધન ટાક ધીના ધન (ઢોલકી વાગે)' પર ખૂબ જ ક્યૂટ ડાન્સ રજૂ કર્યો હતો. ત્યારબાદ ધોરણ ૨ ના બાળકોએ 'એક બિલાડી જાડી તેણે પહેરી સાડી' કૃતિ રજૂ કરી પ્રેક્ષકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. ધોરણ ૧ ના બાળકોએ યે તો સચ હે કી ભગવાન હે... ગીત પર ડાંસ કર્યો હતો...


લોક સંસ્કૃતિ અને ભક્તિ: 'સોનાનો ગરબો મારે રૂપાની ઇંઢોણી' અને 'દ્વારિકાનો નાથ' જેવી કૃતિઓ દ્વારા ગુજરાતની ભાતીગળ લોકસંસ્કૃતિના દર્શન થયા હતા. ખાસ કરીને ડાંગી નૃત્ય એ તો સૌનું મન મોહી લીધું હતું. ડાંગની પરંપરાગત શૈલીમાં થયેલા આ નૃત્યને પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું.

દેશભક્તિના રંગ: આજના યુગમાં બાળકોમાં રાષ્ટ્રપ્રેમ જાગે તે હેતુથી દેશભક્તિ ગીતોનો સુંદર સમન્વય કરવામાં આવ્યો હતો. જેમાં 'એ વતન વતન મેરે આઝાદ રહે તું', 'કહતે હૈ હમકો પ્યાર સે ઇન્ડિયા વાલે' અને 'એ મેરે વતન કે લોગો' જેવી કૃતિઓએ શહીદોની યાદ અપાવી સૌની આંખો ભીની કરી દીધી હતી.



વૈવિધ્ય અને મનોરંજન: 'મેરા અસી કલી કા લહેંગા' જેવા રાજસ્થાની નૃત્ય અને 'ડીજે કેસરી કે લાલ' જેવી ફાસ્ટ બીટ કૃતિઓએ કાર્યક્રમમાં જોશ ભરી દીધો હતો. ધોરણ ૭ અને ૮ ના છોકરાઓએ 'વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે' રાસ રજૂ કરી ગોકુલ જેવું વાતાવરણ સર્જ્યું હતું.


 કાર્યક્રમનો એક મહત્વનો હિસ્સો 'પારિતોષિક વિતરણ' હતો. વર્ષ દરમિયાન શૈક્ષણિક સ્પર્ધાઓ, રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શાળાના 'તેજસ્વી તારલાઓ' કે જેઓએ  પરીક્ષાઓ કે અન્ય સ્તરે શાળાનું નામ રોશન કર્યું હતું, તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. 


આ સન્માન જોઈ અન્ય બાળકોમાં પણ આગળ વધવાની પ્રેરણા જગી હતી. સાથે આ શાળામાં ભણીને ગયેલ એવા નિવૃત કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું.તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનિષભાઇ પરમારે જણાવ્યું કે, વાડ શાળામાં જે રીતે શૈક્ષણિક કાર્યની સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થાય છે તે ખરેખર અનુકરણીય છે. 

એસ.એમ.સી. અધ્યક્ષ દિનેશભાઇએ વાલીઓને અપીલ કરી કે તેઓ પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલે અને શાળાના વિકાસમાં સહભાગી બને.કાર્યક્રમના અંતે આભારવિધિ કરવામાં આવી હતી. શાળાના તમામ સ્ટાફ ગણ, ગ્રામજનો, ભોજનદાતા અને વાલીઓનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.


 આ ભવ્ય આયોજનને સફળ બનાવવામાં શાળાના શિક્ષકો શ્રી બાબુભાઇ અને શ્રી ગોવિંદભાઇનો મહત્વનો ફાળો રહ્યો હતો. ખાસ કરીને બાળકોને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ માટે તૈયાર કરવામાં શાળાની શિક્ષિકાબહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ અને રસપ્રદ સંચાલન શાળાના શિક્ષક શ્રી ધર્મેશકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે પ્રેક્ષકોને અંત સુધી જકડી રાખ્યા હતા.અંતમાં સમૂહમાં 'રાષ્ટ્રગીત' ગાઈને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. અંતે સૌએ સ્વરૂચી ભોજન લીધુ.......

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top