ખેરગામ બીઆરસી ભવન ખાતે ધોરણ ૧ થી ૮ માટે શારીરિક શિક્ષણ અને ‘આનંદદાયી શનિવાર’ શિક્ષક તાલીમ યોજાઈ.
તારીખ ૧૬/૧૨/૨૦૨૫ થી ૧૮/૧૨/૨૦૨૫ દરમ્યાન ખેરગામ બીઆરસી ભવન ખાતે ધોરણ ૧ થી ૮ના શિક્ષકો માટે શારીરિક શિક્ષણ તથા ‘આનંદદાયી શનિવાર (Joyful Saturday)’ વિષયક ત્રણ દિવસીય તાલીમ સફળતાપૂર્વક યોજાઈ.
આ તાલીમમાં તજજ્ઞશ્રીઓ તરીકે ધર્મેશભાઈ પટેલ (પહાડ ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામ), ભાવિતાબેન પટેલ (વાડ મુખ્ય શાળા), દક્ષાબેન પટેલ (ગૌરી પ્રાથમિક શાળા) તેમજ માસ્ટર ટ્રેનર દિગ્વિજયસિંહ પરમાર (ડેબરપાડા પ્રાથમિક શાળા) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ તાલીમ દરમિયાન ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ અને ખેરગામ બીઆરસી શ્રી વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહી શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ત્રણ દિવસીય તાલીમ દરમિયાન યૌગિક ક્રિયાઓ, આસન, પ્રાણાયામ, ધ્યાન, મુદ્રા, સૂર્યનમસ્કાર, માસ પી.ટી., બેઠકના દાવ, ડંબેલ્સ, ઘાટી લેજિમ, વિવિધ રમતો, ચિત્રકલા-ક્રાફ્ટ, સંગીત વગેરે વિષયોમાં પ્રેક્ટિકલ આધારિત તાલીમ આપવામાં આવી.
‘આનંદદાયી શનિવાર’ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતી મહત્વપૂર્ણ પહેલ છે. તેનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકોને પ્રવૃત્તિઆધારિત, આનંદદાયક અને અનુભવાત્મક શિક્ષણ અમલમાં મૂકવા માટે માર્ગદર્શન આપવાનો છે. શિક્ષણ માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતું ન રહી, પરંતુ બાળકના શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક અને ભાવાત્મક વિકાસને આવરી લે — તે વિચાર સાથે આ પહેલ અમલમાં મુકાઈ છે.
આ અંતર્ગત બાલસભા, સમૂહ કવાયત, રમતો, યોગ, સંગીત, ચિત્રકલા તેમજ વિવિધ સર્જનાત્મક અને પ્રોજેક્ટ આધારિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. શારીરિક શિક્ષણને શિક્ષણની અભિન્ન પ્રક્રિયા તરીકે રજૂ કરીને જવાબદાર નાગરિક ઘડવાનો હેતુ ધરાવવામાં આવ્યો છે.
યોગ વિજ્ઞાન દ્વારા વ્યક્તિગત તથા સામાજિક જીવનમાં સુખ, શાંતિ અને સંતુલન સ્થાપિત થાય છે. નિયમિત યોગાભ્યાસથી માનસિક આરોગ્ય મજબૂત બને છે અને બુદ્ધિ, સ્મૃતિ તથા વિચારશક્તિનો વિકાસ થાય છે. બાળાવસ્થાથી યોગ અને રમતોના સંસ્કારો વિકસે તે હેતુથી આ તાલીમ શિક્ષકો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ.
રમતાં રમતાં ભણવાની પ્રક્રિયા દ્વારા શાળાને આનંદધામ, વિદ્યાધામ અને સંસ્કારધામ બનાવવાની દિશામાં આ તાલીમ એક મહત્વપૂર્ણ પગલું બની છે.







