ખેરગામના ભૈરવી ગામે રૂ. ૩૫ લાખના ખર્ચે નિર્મિત પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ
ખેરગામના ભૈરવી ગામે રૂ. ૩૫ લાખના ખર્ચે નિર્મિત પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ
આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ; ૧૫૦ લોકો માટે બેસવાની વ્યવસ્થા સહિત વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ
ભૈરવી, ખેરગામ : નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ભૈરવી ગામે શનિદેવ મંદિરના પ્રાંગણમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અંદાજે રૂ. ૩૫ લાખના ખર્ચે નિર્મિત પંચવટી વિકાસ કેન્દ્રનું આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રના નિર્માણથી ગ્રામજનોને સામાજિક, ધાર્મિક અને સામૂહિક કાર્યક્રમોના આયોજન માટે સુવિધાસભર સ્થળ ઉપલબ્ધ બન્યું છે.
પંચવટી વિકાસ કેન્દ્રમાં અંદાજે ૧૫૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, સામૂહિક કાર્યક્રમો દરમિયાન ઉપયોગી થઈ શકે તે માટે વાસણ કીટ અને ખુરશીઓ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્ર ગામના સામાજિક પ્રસંગો, મેળાવડા અને વિવિધ જાહેર કાર્યક્રમો માટે ઉપયોગી બનશે.
લોકાર્પણ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે પર્યાવરણનું જતન કરવા માટે માત્ર વૃક્ષારોપણ કરવું પૂરતું નથી, પરંતુ વાવેલાં વૃક્ષોનું સંરક્ષણ અને સંવર્ધન કરવું પણ એટલું જ જરૂરી છે. વૃક્ષો માનવજીવન અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી દરેક વ્યક્તિએ પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી સમજીને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેમનું જતન કરવા આગળ આવવું જોઈએ.
મંત્રીશ્રીએ ગ્રામજનોને જાહેર સ્થળો તથા આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ ઊભું કરવા માટે જનભાગીદારી અનિવાર્ય હોવાનું જણાવી તેમણે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા અંગે લોકજાગૃતિ કેળવવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન શનિદેવ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મંત્રીશ્રી નરેશભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા વાતાવરણનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી ઉર્વશી પ્રજાપતિ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પટેલ, હેતલબેન, શનિદેવ મંદિરના ટ્રસ્ટીઓ, ગ્રામજનો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સામાજિક વનીકરણ વિભાગની આ પહેલથી ભૈરવી ગામમાં સામૂહિક કાર્યક્રમો માટેની સુવિધાઓમાં વધારો થવાની સાથે વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા અંગે જનજાગૃતિને પણ પ્રોત્સાહન મળશે.





Comments
Post a Comment