માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લા પ્રશાસનની માનવતાસભર કામગીરીને બિરદાવી

માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લા પ્રશાસનની માનવતાસભર કામગીરીને બિરદાવી

૧૩ એસેસમેન્ટ કેમ્પ દ્વારા ૭,૦૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોને સહાય; ૩૦,૦૦૦થી વધુ સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવાની કામગીરીની પ્રશંસા.

નવસારી, તા. ૧૯ ઓક્ટોબર, ૨૦૨૬: સમાજના છેવાડાના નાગરિકો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાના ઉદ્દેશથી નવસારી જિલ્લા પ્રશાસન દ્વારા વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનો માટે હાથ ધરવામાં આવેલી કલ્યાણકારી કામગીરીની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશંસા કરી છે. આ અંગે તેમણે જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીને પત્ર લખીને અભિનંદન પાઠવ્યા છે.

જિલ્લા મિનરલ ફાઉન્ડેશન ગ્રાન્ટ, ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અને ADIP યોજનાના સંકલનથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧૩ વિશાળ એસેસમેન્ટ કેમ્પ યોજવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ૭,૦૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોની શારીરિક તપાસ કરીને તેમની જરૂરિયાત મુજબ વ્હીલચેર, મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ, શ્રવણયંત્ર સહિત ૩૦,૦૦૦થી વધુ સહાયક સાધનો અને સાધન-સહાય ઉપલબ્ધ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ પહેલને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના વિઝન તથા સંવેદનશીલ અને સમાવેશી સુશાસનનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.


આ ઉપરાંત, નવસારી ખાતે ભારત સરકારના ઉપક્રમ ALIMCOના સહયોગથી ‘પ્રધાનમંત્રી દિવ્યશા વયોશ્રી કેન્દ્ર’ની કાયમી સ્થાપના કરવાના પ્રસ્તાવને પણ તેમણે આવકાર્યો હતો. આ કેન્દ્ર કાર્યરત થવાથી દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને વર્ષ દરમિયાન જરૂરિયાત મુજબ સહાયક સાધનો મેળવવામાં સરળતા રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાની અને સમગ્ર જિલ્લા પ્રશાસનની લોકાભિમુખ કાર્યશૈલી, વહીવટી કુશળતા અને સેવાભાવને બિરદાવી ભવિષ્યમાં પણ આવા જનકલ્યાણકારી કાર્યો સતત આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Comments

Popular posts from this blog

ખેરગામ બીઆરસી ભવન ખાતે ધોરણ ૧ થી ૮ માટે શારીરિક શિક્ષણ અને ‘આનંદદાયી શનિવાર’ શિક્ષક તાલીમ યોજાઈ

ખેરગામ તોરણવેરાના ઢાકવાદકોની લોકપરંપરા રાષ્ટ્રીય મંચ પર ગુંજી ઉઠી.

વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ‘રંગોત્સવ-૨૦૨૬’નો ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો.