આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ચીખલી તાલુકાનાં વિવિધ ગામોમાં રૂ. ૯.૧૯ કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ચીખલી તાલુકાનાં વિવિધ ગામોમાં રૂ. ૯.૧૯ કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત.
મુખ્યમંત્રી હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના સહિત વિવિધ યોજનાઓ હેઠળ રસ્તા, પુલ, ગ્રામ પંચાયત ભવન, આંગણવાડી અને શાળાના નવા બાંધકામનો પ્રારંભ
નવસારી : નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં તલાવચોરા, ઘેજ, ચરી અને સોલધરા ગામોમાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના હસ્તે કુલ રૂ. ૯.૧૯ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના સહિત વિવિધ સરકારી યોજનાઓ હેઠળ હાથ ધરાનારા આ વિકાસકાર્યોથી ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ, શિક્ષણ, બાળપોષણ અને પાયાની માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનશે.
આ પ્રસંગે મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગામડાંના નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે હેતુથી રસ્તા, પુલ, ગ્રામ પંચાયત ભવન, આંગણવાડી કેન્દ્રો અને શૈક્ષણિક સુવિધાઓના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
વિવિધ ગામોમાં વિકાસકાર્યોનો પ્રારંભ
તલાવચોરા ગામ: કાવેરી નદીના પુલની બાજુમાં તથા તલાવચોરા-ભુડરવાડ રોડ સહિતના માર્ગોનાં કામો, તલાવચોરા સોલંકીવાસથી હળપતિવાસ થઈ ચીખલી-તલાવચોરા એમ.ડી.આર. રોડને જોડતા માર્ગ અને નવા ગ્રામ પંચાયત ભવનના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ઘેજ ગામ: નાના ડુંભરીયા-મોટા ડુંભરીયા રોડ પર કોઝવેના સ્થાને નવા બ્રિજનું નિર્માણ, વાંઝરી ફળિયાથી ઝાડી ફળિયા થઈ ખેરગામ-વાવ રોડને જોડતો માર્ગ, વાંઝરી ફળિયાથી ચરી ખુશાલ પ્રાથમિક શાળા સુધીનો માર્ગ તથા ઘેજ ગામતળ ખાતે નવી આંગણવાડીના મકાનનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઘેજ ખુશાલ ફળિયા પ્રાથમિક શાળામાં નવા ઓરડાના બાંધકામ અને ઝાડી ફળિયા કોલવાડ કોઝવે પાસેના વિકાસકાર્યનો પણ પ્રારંભ કરાયો હતો.
સોલધરા ગામ: દુધીયા ફળિયા-પેલાડ નાયકીવાડને ચીખલી-ખેરગામ રોડ સાથે જોડતા બાકી લંબાઈના માર્ગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ વડ ફળિયા ખાતે ચાઇલ્ડ-ફ્રેન્ડલી કોન્સેપ્ટ આધારિત નવી આંગણવાડીના મકાનના બાંધકામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ગ્રામ્ય વિકાસને મળશે નવી ગતિ
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ વિકાસકાર્યો પૂર્ણ થતાં ગામોમાં માર્ગ સુવિધાઓ સુધરશે, પરિવહન વધુ સરળ બનશે અને બાળકોને આધુનિક તથા બાળમૈત્રીપૂર્ણ આંગણવાડી કેન્દ્રોનો લાભ મળશે. ગ્રામ પંચાયત અને શૈક્ષણિક માળખાને વધુ સક્ષમ બનાવતા આ કાર્યો ગ્રામજનોના જીવનમાં સુવિધાઓ અને વિકાસની નવી તકો ઊભી કરશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિરાલીબેન નાયક, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રશ્મિકાબેન પટેલ, સરપંચશ્રીઓ, અન્ય પદાધિકારીઓ, સંબંધિત અધિકારીઓ, ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ વિકાસકાર્યો દ્વારા ચીખલી તાલુકાનાં આદિજાતિ વિસ્તારોમાં પાયાની સુવિધાઓના વિસ્તરણ અને ગ્રામ્ય વિકાસને વધુ વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.


Comments
Post a Comment