ખેરગામ ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો.
ખેરગામ ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો.
ખેરગામ, તા. 07 ઓક્ટોબર 2026:
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરની પ્રેરણા હેઠળ તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા ખેરગામની જનતા માધ્યમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2026-27 યોજાયો હતો.
આ કાર્યક્રમનું આયોજન શ્રી વિજયકુમાર સી. પટેલ, મામલતદારશ્રી અને કાર્યપાલક મેજિસ્ટ્રેટ, ખેરગામના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી પ્રકાશભાઈ આર. પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ખેરગામ તથા શ્રીમતી હંસાબેન એમ. પટેલ, પ્રમુખશ્રી, તાલુકા પંચાયત ખેરગામ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી અરવિંદભાઈ પટેલ, પ્રમુખશ્રી, જનતા કેળવણી મંડળ, ખેરગામ, આમંત્રિત મહેમાન શ્રીમતી ઝરણાબેન પટેલ, સરપંચશ્રી, ખેરગામ, શ્રીમતી જીજ્ઞાબેન પટેલ, અધ્યક્ષશ્રી, તાલુકા પંચાયત ખેરગામ, સભ્યશ્રી શ્રીમતી રશ્મિબેન ટેલર, શ્રી મનીષભાઈ પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, ખેરગામ તથા પત્રકાર શ્રી દિપકભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કલા મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાએથી પધારેલા સ્પર્ધાના નિર્ણાયકશ્રીઓ દ્વારા નિબંધ, ચિત્રકલા, ભરતનાટ્યમ, ગરબા-લોકનૃત્ય, એકપાત્રીય અભિનય સહિતની વિવિધ કલાત્મક સ્પર્ધાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવ્યા હતા.
આ કલા મહાકુંભમાં પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા આશરે 240 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ કલાઓ દ્વારા પોતાની સર્જનાત્મકતા, પ્રતિભા અને સાંસ્કૃતિક અભિવ્યક્તિનું સુંદર પ્રદર્શન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન જનતા માધ્યમિક શાળા, ખેરગામના શાળા પરિવાર દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલ શ્રી જનતા કેળવણી મંડળ, ખેરગામ દ્વારા શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
કલા, સંસ્કૃતિ અને વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રોત્સાહન આપતા આ કાર્યક્રમથી ખેરગામ તાલુકાના યુવા કલાકારોને પોતાની કળા રજૂ કરવા માટે સુંદર મંચ મળ્યો હતો.


Comments
Post a Comment