પારડીમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી, શ્રેષ્ઠ શિક્ષકો અને આચાર્યોનું સન્માન

 

પારડીમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી, શ્રેષ્ઠ શિક્ષકો અને આચાર્યોનું સન્માન



વલસાડ, 5 સપ્ટેમ્બર:
પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે શિક્ષક દિન નિમિત્તે જિલ્લા કક્ષાનો સન્માન સમારોહ યોજાયો હતો. રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર શિક્ષકો અને આચાર્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા કક્ષાના 4 અને તાલુકા કક્ષાના 5 શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સંબંધિત શાળાના 9 આચાર્યો તેમજ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં સતત 100 ટકા પરિણામ મેળવનાર 38 વિષય શિક્ષકોને પણ પ્રશસ્તિ આપી સન્માનિત કરાયા હતા.


આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ શિક્ષકની ભૂમિકા અને સમાજમાં ગુરુના સ્થાન અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ભારતીય પરંપરામાં શિક્ષકનું સ્થાન હંમેશાં મહત્વપૂર્ણ રહ્યું છે. તેમણે શિક્ષણ ક્ષેત્રે રહેલા પ્રશ્નોના ઉકેલ માટે સરકાર તરફથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. નવી શિક્ષણ નીતિમાં ભારતીય મૂલ્યો સાથે કૌશલ્ય આધારિત શિક્ષણને પણ મહત્વ આપવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન જે. પટેલે વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ અને ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓની કદર કરવાની ભાવના વિકસાવવા શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.


જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને પોતાના શિક્ષણકાળનો અનુભવ રજૂ કરી શિક્ષક દ્વારા આપવામાં આવતું માર્ગદર્શન વિદ્યાર્થીના સમગ્ર જીવનમાં કેટલું ઉપયોગી બની શકે છે તે સમજાવ્યું હતું. તેમણે શિક્ષકોને શિક્ષણને માત્ર નોકરી નહીં પરંતુ એક જવાબદારી અને મિશન તરીકે લઈને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં વલસાડ અને કપરાડાના ધારાસભ્યો ભરતભાઈ પટેલ તથા જીતુભાઈ ચૌધરી સહિત વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં શિક્ષકગણ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજેશ્રી ટંડેલે સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી. વસાવાએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન શિક્ષક તારેશ સોની અને અવની પટેલે કર્યું હતું.


જિલ્લા કક્ષાના સન્માનિત શિક્ષકો

  1. રાકેશચંદ્ર આર. સુથાર – સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, મગોદડુંગરી, વલસાડ
  2. દીપાલી પી. ચુડાસમા – મોડલ સ્કૂલ, માલનપાડા, ધરમપુર
  3. જયેશકુમાર ટી. ટંડેલ – બલિઠા મુખ્ય શાળા, વાપી
  4. સંજયકુમાર બી. મકવાણા – બી.આર.સી. કો-ઓર્ડિનેટર, કપરાડા


તાલુકા કક્ષાના સન્માનિત શિક્ષકો

  1. કિન્નરી વી. દેસાઈ – સંસ્કાર વિદ્યા મંદિર, ખોખરા પ્રા. શાળા, વલસાડ
  2. બાલકૃષ્ણ ટી. ટંડેલ – નામધા પ્રા. શાળા, વાપી
  3. વિભૂતિબેન આર. પટેલ – ગુ. પ્રાથમિક શાળા, તલવાડા (પારસીપાડા), ઉમરગામ
  4. ગણેશભાઈ એલ. જાદવ – બાબરખડક પ્રા. શાળા, કપરાડા
  5. ભવિકકુમાર બી. પટેલ – પ્રાથમિક શાળા, કપરાડા

Comments

Popular posts from this blog

ખેરગામ બીઆરસી ભવન ખાતે ધોરણ ૧ થી ૮ માટે શારીરિક શિક્ષણ અને ‘આનંદદાયી શનિવાર’ શિક્ષક તાલીમ યોજાઈ

ખેરગામ તોરણવેરાના ઢાકવાદકોની લોકપરંપરા રાષ્ટ્રીય મંચ પર ગુંજી ઉઠી.

વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ‘રંગોત્સવ-૨૦૨૬’નો ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો.