વાડ મુખ્ય પ્રાથમિક શાળા PM SHRI ખાતે સંસ્કૃત શબ્દજ્ઞાનનું અનોખું પ્રદર્શન
વાડ મુખ્ય પ્રાથમિક શાળા PM SHRI ખાતે સંસ્કૃત શબ્દજ્ઞાનનું અનોખું પ્રદર્શન.
ખેરગામ, તા. ૨૭/૦૮/૨૦૨૬: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા PM SHRI – ગુજરાત ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ માટે જ્ઞાનપ્રદ અને સર્જનાત્મક સંસ્કૃત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા સાથે સહજ રીતે જોડવા તથા રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી વસ્તુઓના સંસ્કૃત નામથી પરિચિત કરાવવાના હેતુસર યોજાયેલા આ કાર્યક્રમમાં બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
પ્રદર્શનની વિશેષતા એ હતી કે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ અને સર્જનાત્મકતાના આધારે વિવિધ શૈક્ષણિક વિભાગો તૈયાર કરી સંસ્કૃત શબ્દભંડોળને સરળ રીતે રજૂ કર્યું હતું. ઘરેલુ વસ્તુઓ, વાસણો, શાળા સામગ્રી, ફળો, ફૂલો, શાકભાજી, શરીરના અંગો, સગાં-સંબંધીઓ, પ્રાણીઓ, વિવિધ ક્રિયાઓ, વારના નામ અને સમય જેવા વિષયોને સંસ્કૃત શબ્દો સાથે જોડીને રજૂ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર અને દીપ પ્રાગટ્યથી થયો હતો. શાળાના મુખ્યાધ્યાપક શ્રી કિરીટભાઈ બી. પટેલના હસ્તે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સંસ્કૃત શબ્દોના ઉચ્ચારણ તથા તેમના અર્થ વિશે મુલાકાતીઓને માહિતી આપી હતી.
શાળાના ઉપશિક્ષક શ્રી ધર્મેશકુમાર એસ. પટેલના માર્ગદર્શન હેઠળ પ્રદર્શનની પૂર્વ તૈયારી, ચાર્ટ નિર્માણ અને સમગ્ર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકગણે પણ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને સહયોગ આપ્યો હતો.
આ પ્રસંગે મુખ્યાધ્યાપક શ્રી કિરીટભાઈ બી. પટેલે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા આપણા જ્ઞાન અને સાંસ્કૃતિક વારસાનો મહત્વપૂર્ણ ભાગ છે. તેને માત્ર પાઠ્યવિષય તરીકે નહીં પરંતુ દૈનિક જીવનની પ્રવૃત્તિઓ સાથે જોડીને શીખવવામાં આવે તો વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે વધુ રસ અને આત્મવિશ્વાસ વિકસે છે.
પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓની રજૂઆત, સંસ્કૃત શબ્દોના ઉચ્ચારણ અને વિવિધ શૈક્ષણિક મોડેલોએ ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સમગ્ર આયોજન દ્વારા “શીખવું, સમજવું અને રજૂ કરવું” એ અભિગમને પ્રોત્સાહન મળ્યું હતું.
દિવસભર ચાલેલા કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનતને બિરદાવવામાં આવી હતી. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.



Comments
Post a Comment