નવસારીમાં ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન હેઠળ ૪,૦૭૩ ડ્રોપઆઉટ બાળકો ફરી શિક્ષણ સાથે જોડાયા.
નવસારીમાં ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન હેઠળ ૪,૦૭૩ ડ્રોપઆઉટ બાળકો ફરી શિક્ષણ સાથે જોડાયા.
૧,૨૦૦થી વધુ યુવાનો ITI અને કૌશલ્ય આધારિત અભ્યાસક્રમોમાં જોડાયા; શૂન્ય ડ્રોપઆઉટના લક્ષ્ય તરફ જિલ્લા તંત્રની કામગીરી
નવસારી, તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬:
નવસારી જિલ્લામાં કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શાળા છોડી ચૂકેલા બાળકોને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવામાં આવે તે હેતુથી ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. એસ.એસ. અગ્રવાલ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાણા અને શહેરી વિકાસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને તથા આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અભિયાનની કામગીરીની સમીક્ષા અને સફળતાઓ રજૂ કરવામાં આવી હતી.
કાર્યક્રમને સંબોધતા નાણા અને શહેરી વિકાસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, બાળકનું શિક્ષણ સતત ચાલુ રહે તે માટે પરિવાર, શિક્ષકો અને વહીવટી તંત્ર વચ્ચે સંકલન અત્યંત જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા વિવિધ સહાય અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના લાંબા ગાળાના પ્રયાસોથી શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, પરિવારનું સ્થળાંતર, ઋતુઆધારિત રોજગારી તથા અન્ય સામાજિક-આર્થિક કારણોસર કેટલાક બાળકોનો અભ્યાસ અધૂરો રહી જાય છે. આવા બાળકોની ઓળખ કરી તેમને ફરી શિક્ષણ સાથે જોડવાનું કાર્ય તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. નવસારી જિલ્લાને સંપૂર્ણ સાક્ષરતા તરફ આગળ લઈ જવા તેમજ ડ્રોપઆઉટ દરને શૂન્ય સુધી પહોંચાડવા સામૂહિક પ્રયાસો જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એ.એમ. અગ્રવાલે અભિયાનની પ્રગતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, છેલ્લા ચારથી પાંચ મહિનામાં વિવિધ વિભાગોના સંકલિત પ્રયાસોથી નવસારી જિલ્લાના ૪,૦૭૩ બાળકોને પુનઃ શાળામાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ૧,૨૦૦થી વધુ યુવાનોને ITI તથા વિવિધ કૌશલ્ય આધારિત અભ્યાસક્રમો સાથે જોડવામાં આવ્યા છે. બાકી રહેલા બાળકો સુધી પહોંચવા માટે આગામી તબક્કામાં ઘર-ઘર સંપર્ક અને વિશેષ પ્રવેશ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન પુનઃ શિક્ષણ સાથે જોડાયેલા બાળકોને મંત્રીશ્રીઓ તથા મહાનુભાવોના હસ્તે સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ડ્રોપઆઉટ બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવામાં મહત્વપૂર્ણ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિથી અસરગ્રસ્ત શાળાઓમાં થયેલા નુકસાન અંગે પણ કાર્યક્રમમાં ચર્ચા કરવામાં આવી હતી. શાળાઓમાં પાઠ્યપુસ્તકો, કમ્પ્યુટર લેબ સહિતની સુવિધાઓ ઝડપથી પુનઃ કાર્યરત થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કામગીરીનું અનુસરણ કરવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના મેયર શ્રી અશોકભાઈ ધોરાચિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિરાલીબેન, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર શ્રી મનિષ ગુરવાની, મ્યુનિસિપલ કમિશનર શ્રી જયેશ ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી, પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Comments
Post a Comment