ગુણોત્સવ 2.0 : ખેરગામના 62 આચાર્યોને સ્વ-મૂલ્યાંકન અને પોર્ટલ કામગીરી અંગે તાલીમ
ગુણોત્સવ 2.0 : ખેરગામના 62 આચાર્યોને સ્વ-મૂલ્યાંકન અને પોર્ટલ કામગીરી અંગે તાલીમ.
ખેરગામ, તા. 11 ઓગસ્ટ, 2026: શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શૈક્ષણિક વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે ગુણોત્સવ 2.0 અંતર્ગત ખેરગામ ખાતે આચાર્યો માટે માર્ગદર્શક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અરુણકુમાર અગ્રવાલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકાની સરકારી, ગ્રાન્ટેડ તથા આશ્રમશાળાના કુલ 62 આચાર્યોએ ભાગ લીધો હતો.
તાલુકા શિક્ષણાધિકારી કચેરી અને BRC ભવન, ખેરગામના સંયુક્ત આયોજનથી યોજાયેલી તાલીમમાં શાળાના સ્વ-મૂલ્યાંકન દરમિયાન ધ્યાનમાં લેવાની બાબતો, જરૂરી માહિતીનું સંકલન અને ગુણવત્તા સુધારણા માટેના વિવિધ પાસાં અંગે સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત GSQAC-SQAAF પોર્ટલ પર શાળાકીય વિગતો અને આધારભૂત માહિતી દાખલ તથા અપલોડ કરવાની પ્રક્રિયા અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોર્ટલના ઉપયોગ દરમિયાન આવતી સામાન્ય મુશ્કેલીઓ અને તેના ઉકેલો પણ તાલીમાર્થીઓને સમજાવવામાં આવ્યા હતા.
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર અને BRC શ્રી વિજયભાઈ પટેલે શાળાના સર્વાંગી વિકાસ તથા ગુણવત્તાસભર શિક્ષણ માટે સ્વ-મૂલ્યાંકનની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
તાલીમમાં હર્ષવીબેન પટેલ, જિજ્ઞાસાબેન પટેલ અને શિવાલીબેન પટેલે તજજ્ઞ તરીકે કામગીરી કરી હતી. અંતે યોજાયેલા ડાઉટ ક્લિયરિંગ સેશનમાં આચાર્યોના પ્રશ્નો અને પોર્ટલ સંબંધિત મૂંઝવણોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન BRC ખેરગામ દ્વારા કરવામાં આવ્યું હતું. તાલીમથી આચાર્યોને ગુણોત્સવ 2.0ની કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે હાથ ધરવા માટે જરૂરી વ્યવહારુ સમજ અને માર્ગદર્શન મળ્યું હતું.





Comments
Post a Comment