ભટ્ટાઈ ક્લસ્ટરની શાળાઓમાં પ્રવેશોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી.
શિક્ષણ એ સપનાઓને સાકાર કરવાનું સશક્ત માધ્યમ : આઈએએસ સુશ્રી ક્ષિપ્રા આગ્રે
નવસારી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ, ૨૨૩ નવપ્રવેશી વિદ્યાર્થીઓનું સ્વાગત
નવસારી, તા. ૨૩ જૂન ૨૦૨૬: રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ–૨૦૨૬' અંતર્ગત પ્રથમ દિવસે એમએસએમઇ કમિશનર આઈએએસ સુશ્રી ક્ષિપ્રા આગ્રેએ ભટ્ટાઈ ક્લસ્ટરની વિવિધ શાળાઓની મુલાકાત લઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું.
સુશ્રી આગ્રેએ મોલધરા પ્રાથમિક શાળા (સ્કૂલ ઓફ એક્સેલન્સ), મિડલ મિશ્ર ભટ્ટાઈ પ્રાથમિક શાળા તથા ભટ્ટાઈ વિભાગ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પ્રાથમિક વિભાગમાં ૫૪ તથા માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૧૬૯ એમ કુલ ૨૨૩ નવપ્રવેશી વિદ્યાર્થીઓને શાળા પરિવારે કંકુ તિલક, મોં મીઠું કરાવી અને શૈક્ષણિક કીટ અર્પણ કરીને ઉષ્માભેર આવકાર્યા હતા.
પ્રવેશોત્સવ પ્રસંગે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને સંબોધતા સુશ્રી ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું હતું કે, “શિક્ષણ એ જીવનના સપનાઓને સાકાર કરવાનું સૌથી સશક્ત માધ્યમ છે. સાચી સફળતા આંકડાઓમાં નહીં, પરંતુ વિદ્યાર્થીઓની સિદ્ધિઓ અને તેમના પરિવારના સપનાઓ પૂર્ણ કરવામાં સમાયેલી છે.”
તેમણે વિદ્યાર્થીઓને જીવનના પડકારો સામે મક્કમતાથી લડીને સખત પરિશ્રમ કરવા તથા સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા આધુનિક શૈક્ષણિક સાધનો અને સુવિધાઓનો મહત્તમ લાભ લેવા પ્રેરિત કર્યા હતા.
શાળા પ્રવેશોત્સવ માત્ર પ્રવેશ પ્રક્રિયા નહીં પરંતુ શત-પ્રતિશત નામાંકન, ડ્રોપઆઉટ દરમાં ઘટાડો અને દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાના રાજ્ય સરકારના સંકલ્પનું પ્રતિબિંબ હોવાનું તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, વાલીઓ, ગ્રામજનો અને શિક્ષકોની ઉત્સાહભેર ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર કાર્યક્રમ ગરિમામય અને પ્રેરણાદાયી માહોલમાં સંપન્ન થયો હતો.






