Narmda(Rajpipla): સફળ થવાની જીદે સરફરાજ દેસાઈને સફળતાના શિખરે પહોંચાડયો.

SB KHERGAM
0

 

Narmda(Rajpipala): સફળ થવાની જીદે સરફરાજ દેસાઈને સફળતાના શિખરે પહોંચાડયો.

  • નર્મદા જિલ્લાના એક માત્ર રાઈફલ શુટિંગ પ્લેયર સરફરાજ દેસાઈની શાનદાર સફર.
  • એનસીસી કેમ્પ થકી રાઈફલ શુટિંગથી પરિચિત થયા : પેશનથી બન્યા પ્રોફેશનલ પ્લેયર
  • સરફરાજ દેસાઈ નર્મદા જિલ્લાના બાળકો, નવયુવાનો માટે આઈડલ.
  • જિલ્લાના બાળકો, નવયુવાનો ખેલકૂદ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરે તે માટે ટીમ નર્મદા કટિબદ્ધ
  • રમતવીરોની પ્રતિભાને નિખારવા સ્પોર્ટ્સ સંકુલ રાજપીપલા શાનદાર પ્લેટફોર્મ : જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી વિષ્ણુભાઈ વસાવા

 નર્મદા જિલ્લાના એક માત્ર ૫૦ મીટર રાઈફલ શુટિંગ પ્લેયર શ્રી સરફરાજ દેસાઈની કહાની રોચક છે. સરફરાજ દેસાઈની જીદે તેમને સફળતાના શિખર સુધી પહોંચાડયો છે. તેઓની રાઈફલ શુટિંગની સફર ધો. ૮ માં એનસીસી થકી થઈ હતી. કોલેજ દરમિયાન નેશનલ કેડેટ કોર્પ્સનો હિસ્સો બનીને થલ સેના કેમ્પમાં રાઈફલ શુટિંગમાં તેમણે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો.

રાઈફલ શુટિંગ એક પ્રોફેશનલ રમત છે, જેમાં કારકિર્દી ઘડવા માટે માનસિક સ્થિરતા, અનુશાસન અને સતત અભ્યાસ જરૂરી છે. શુટિંગને પેશન અને પ્રોફેશન બનાવવા માટે શ્રી દેસાઈને તેમના માતા-પિતા અને મામાએ પ્રોત્સાહિત કર્યા હતા. વડોદરા રાઈફલ ક્લબમાં તાલીમ લીધા બાદ તેઓએ પ્રથમ વાર જિલ્લાકક્ષાની ઓપન સાઈડ સ્પર્ધામાં ભાગ લીધો હતો. પરંતુ ઓલ્મપિકમાં પીપ સાઈડને પ્રોત્સાહન આપવામાં આવે છે. જેની તાલીમ લીધા બાદ શ્રી દેસાઈએ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં હિસ્સો લીધો હતો.

પીપ સાઈડ સ્પર્ધામાં ભાગ લીધા બાદ સ્ટેટ કક્ષાની સ્પર્ધામાં ઓલઓવર સાતમો ક્રમ હાંસલ કરનાર શ્રી દેસાઈ જણાવે છે કે, સારા પ્રદર્શન બાદ મારી ઝોનકક્ષાએ પસંદગી થઈ હતી. ત્યારબાદ આર્મી માર્સમેનશીપ યુનિટમાં પણ મેં દસમી વેસ્ટ ઝોન સ્પર્ધામાં હિસ્સો લઈને ૫૬૨ સ્કોર કર્યો હતો. આ સન્માનજનક સ્કોર સાથે નેશનલ માટે ક્વાલિફાઈ થયા બાદ કેરલામાં યોજાયેલી ૬૫ માં શુટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 

વધુમાં શ્રી દેસાઈ ઉમેર્યુ કે, વિવિધ સ્પર્ધાઓના અનુભવ બાદ જિલ્લાકક્ષા તેમજ અમદાવાદ ખાતે યોજાયેલી શુટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કરવામાં મને સફળતા મળી હતી. ૨૦૨૩ માં સ્ટેટમાં આઈએસએસએફ સ્પર્ધામાં ગુજરાતના ટોપ શુટર્સ સાથે સ્પર્ધા કરીને ૫૭૧ સ્કોર કર્યો અને ૮ મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, શ્રી દેસાઈની સિધ્ધીઓના પરિણામ સ્વરૂપ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તેઓનું નર્મદા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર તથા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. રાઈફલ શુટિંગમાં ફિટનેસને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે, જે માટે જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી વિષ્ણુભાઈ વસાવાએ પણ શ્રી સરફરાજ દેસાઈને સતત માર્ગદર્શન પુરુ પાડ્યું છે. શ્રી વસાવા પણ જિલ્લાના રમતવીરોને સતત પ્રોત્સાહન આપી રહ્યાં છે. આ તકે શ્રી દેસાઈ તેઓનો આભાર વ્યક્ત કરે છે.

આ વેળાએ નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી વિષ્ણુભાઈ વસાવા જણાવે છે કે, જિલ્લાના બાળકો, યુવાનો માટે નર્મદા જિલ્લાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર રમતવીરો માટે એક શાનદાર પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મના માધ્યમ થકી નર્મદા જિલ્લાના રમતવીરો ખેલકૂદ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત શકે છે. 

નર્મદા જિલ્લામાંથી તેજસ્વી તારલાઓ રમતક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડે અને જિલ્લા સહિત રાજ્ય અને રાષ્ટ્રને ગૌરવાન્વિત થવાનો અવસર પ્રદાન કરે તેવા આશય સાથે નર્મદા વહિવટી તંત્ર તેમજ રમત-ગમત વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. રમતવીરો માટે વિકસાવવામાં આવેલા ધાબા ગ્રાઉન્ડનો વધુમાં વધુ લાભ લેવા માટે શ્રી વસાવાએ જિલ્લાના બાળકો, નવયુવાનોને અનુરોધ કર્યો હતો. 


નર્મદા જિલ્લાના રાઈફલ શુટિંગના સરતાજ એવા સરફરાજ દેસાઈની સિધ્ધિઓ.

૧. સ્ટેટ કક્ષાની રાઈફલ શુટિંગ સ્પર્ધામાં સાતમો ક્રમ.

૨. જિલ્લાકક્ષા તેમજ અમદાવાદ ખાતે યોજાયેલી રાઈફલ શુટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ.

૩. આઈએસએસએફ સ્પર્ધામાં ગુજરાતના ટોપ શુટર્સ સાથે સ્પર્ધા કરવાની સુવર્ણ તક ઝીલી

૪. સન્માન જનક સ્કોર સાથે ઝોન અને નેશનલ કક્ષાએ પસંદગી.

આલેખન – રોશન સાવંત રાજપીપળા 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top