Vansda: વાંસદા તાલુકાની સરકારી પ્રાથમિક શાળા રંગપુરની રાષ્ટ્રીય સ્તરે પસંદગી થઈ.
નવસારી જિલ્લાના વિસ્તારમાં આવેલી રંગપુર પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય સ્તરનું સન્માન મળતા નવસારી જિલ્લાના ગૌરવમાં વધારો થયો છે. રાષ્ટ્રીય શૈક્ષણિક યોજના અને પ્રશાસન સંસ્થાન નવી દિલ્હીની રિસર્ચ ટીમે દેશની ૪૦૦ શાળાઓનો કેસ સ્ટડી કર્યા બાદ ગુજરાત રાજયમાંથી ત્રણ શાળાઓની પસંદગી કરવામાં આવી હતી.
જેમાં નવસારીની રંગપુર પ્રાથમિક શાળાની બીજી વખત પસંદગી થયેલ છે. જેને પગલે દિલ્હી મુકામે તારીખ ૨૯થી ૩૧ જાન્યુઆરી સુધી યોજાયેલ નેશનલ કોન્ફરન્સ કોર સેલેબ્રેટિંગ સ્કૂલ લીડરશીપ પ્રોગ્રામમાં શાળાના મુખ્ય શિક્ષક નીતિન પાઠકને આમંત્રિત કરી શાળાનું સન્માન કરવામાં આવ્યું.
રાષ્ટ્રીય શૈક્ષણિક યોજના અને પ્રશાસન સંસ્થાન નવી દિલ્હી (NIEPA ) દ્વારા સમગ્ર ભારતમાંથી સ્કૂલ લીડરશીપ માટે ૪૦૦ શાળાઓનો કેસ સ્ટડી કરવામાં આવ્યો. જેમા દેશભરમાંથી ૪૨ શાળાઓ અને ગુજરાતમાંથી ત્રણ શાળાઓની પસંદગી થઈ. જેમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળા, સુરતની શાળા નંબર ૩૩૪ અને પાટણની ગુમડા મસ્જિદ પ્રાથમિક શાળાનો સમાવેશ થયો છે. આ કેસ સ્ટડીમાં શાળાના આચાર્ય દ્વારા શાળાનો કઈ રીતે વિકાસ કરવામાં આવ્યો છે એનો NIEPA ની ટિમ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે. બાદમાં દેશની ૪૨ શાળાઓના આચાર્યો સાથે દિલ્હી NCERT અને NIEPA દ્વારા યુવા કેન્દ્ર દિલ્હી ખાતે સેમિનાર યોજાયો.જેમાં દિલ્હી યુનિવર્સિટી જવાહર નવોદય વિદ્યાલય જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, એક્લવ્ય સ્કુલ, કેન્દ્રિય વિદ્યાલય જેવી દેશની પ્રખ્યાત સંસ્થાઓના વાઇસ ચાન્સલર, ડાયરેક્ટર, પ્રોફેસર, રિસર્ચર અને નિષ્ણાતોએ શાળાના આચાર્યોને સાંભળ્યા હતા અને પ્રશ્નોતરી તથા સંવાદ પણ કર્યા હતા. બાદમાં NIEPA ના વાઈસ ચાન્સલર પ્રોફેસર શશિક્લા વનજારી દ્વારા દરેક શાળાના આચાર્યોને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ રીતે NIEPA દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ ૪૨ આચાર્યોની એક ટિમ તૈયાર કરવામાં આવી ભવિષ્યમાં શાળા વિકાસ માટે કામ કરશે. જેમાં રંગપુર શાળાના મુખ્ય શિક્ષકનું પણ સન્માન કરવામાં આવ્યું. નવસારીની રંગપુર પ્રાથમિક શાળામાં હાલ ૨૧૬ બાળકો અભ્યાસ કરે છે. શાળા આદિવાસી વિસ્તારમાં આવેલી હોવા છતાં દાતાઓના સહકાર થકી શાળાએ પોતાનો ભૌતિક વિકાસ કર્યો છે શાળાના મુખ્ય શિક્ષક અને શાળા શિક્ષકગણ દ્વારા કુલ ૧૮ જેટલા નવાચાર કરી શાળામાં બાળકો અને શાળા વિકાસ થાય એવા પ્રયાસ કરેલા છે.
જેમાં સૌથી મુખ્ય છે. શાળાની ન્યુઝ મેનલ RNEWS. જેનું સંચાલન શાળાની દીકરીઓ દ્વારા કરવામાં આવે છે. શાળામાં કરવામાં આવતી પ્રવૃતિઓની દીકરીઓ સ્ક્રિપ્ટ બનાવી શાળાના એક સ્ટુડિયો રૂમમાં એનું શૂટિંગ કરી એને એડિટિંગ બાદ સોસિયલ મીડિયામાં સમાચારો રજૂ જે કરવામાં આવે છે. શાળા દ્વારા જૂન ૨૦૧૮ થી આ રીતે સમાચારો બનાવવામાં આવે છે.
આ ઉપરાંત શાળામાં બાળકોને આપતા ટેકનિકલ જ્ઞાનની પણ પસંદગી થઈ. બાલવાટિકાથી જ બાળકો માટે કમ્પ્યુટર વર્ગો શરૂ કરવામાં આવેલ છે. ધોરણ ૧થી ૮ ના બાળકો માટે ગાળામાં મીની સાયન્સ સિટી બનાવેલ છે. આમ બાળકોના સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓના કારણે શાળાને રાષ્ટ્રીય સ્તરે બીજી વખત સન્માન મળ્યું છે.