ખેરગામ ખાતે જાહેર સુલભ શૌચાલય બાંધવા અંગે સામાજિક કાર્યકર ઈશ્વરભાઈ પટેલની માનનીય મુખ્યમંત્રીશ્રી અને અગ્રસચિવશ્રીને લેખિત રજૂઆત
ખેરગામ, તા. 16 ફેબ્રુઆરી 2026
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા મથકે જાહેર સુલભ શૌચાલયની તાત્કાલિક જરૂરિયાત અંગે સામાજિક કાર્યકરશ્રી ઇશ્વરલાલ બરજુલભાઈ પટેલ (રૂઝવણી) દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ અંગે તેમણે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પંચાયત અને ગ્રામગૃહ નિર્માણ વિભાગને લેખિત અરજી પાઠવી છે.
રજુઆતમાં જણાવાયું છે કે ખેરગામ તાલુકા મથકે દરરોજ સરકારી કચેરીઓ, બેંકો, બજાર અને ખાસ કરીને કેરી સીઝન દરમિયાન માર્કેટયાર્ડમાં ભારે જનસંખ્યાનો પ્રવાહ રહે છે. ખેરગામ ખાતે જિલ્લામાં સૌથી મોટું કેરી માર્કેટ હોવાથી દિલ્હી, રાજસ્થાન, નાશિક, મુંબઈ અને રાજકોટ સહિત વિવિધ વિસ્તારોમાંથી દરરોજ અંદાજે 500 જેટલા ટ્રક-ટેમ્પા દ્વારા વેપારીઓ કેરી ખરીદવા આવે છે. સાથે જ સંખ્યાબંધ ખેડૂતો પોતાનો કૃષિ ઉપજ વેચવા માટે અહીં આવે છે.
પરંતુ તાલુકા મથક અને માર્કેટયાર્ડ વિસ્તારમાં એકપણ જાહેર શૌચાલય ન હોવાના કારણે ખેડૂતો, વેપારીઓ અને બહારથી આવતા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સ્થિતિ સ્વચ્છતા અને જાહેર આરોગ્ય માટે પણ ગંભીર ચિંતા ઉભી કરે છે.
રજુઆતમાં દશેરા ટેકરી વિસ્તારમાં હાલ જર્જરિત અને બંધ પડેલ શૌચાલયને તાત્કાલિક નવીકરણ સાથે ફરી શરૂ કરવા તેમજ માર્કેટયાર્ડ ખાતે સુલભ શૌચાલય સુવિધા ઉભી કરવા માંગ કરવામાં આવી છે.
આ સુવિધા ઉપલબ્ધ થવાથી હજારો લોકો માટે રાહતદાયક પરિસ્થિતિ ઊભી થશે અને સ્વચ્છતા અભિયાનને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.



