બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025–26: આંતલિયામાં સર્જનાત્મકતાનો મહોત્સવ
નવસારી, 27 નવેમ્બર 2025
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – નવસારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ અસ્પી કન્યા વિદ્યાલય, આંતલિયા ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025–26 ઉત્સાહપૂર્ણ રીતે યોજાયું.
પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, નવીનતા પ્રત્યે રસજાગૃતિ અને સર્જનાત્મકતા વિકસાવવા તેમજ પ્રયોગાત્મક અભ્યાસને પ્રોત્સાહિત કરવાનો રહ્યો. નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક મોડેલો, પ્રયોગો અને પ્રેઝન્ટેશન્સ દ્વારા પોતાની પ્રતિભા ઉજાગર કરી.
પ્રદર્શનની મુખ્ય વિશેષતાઓમાં પર્યાવરણ સંરક્ષણ, પુનઃનવિકરણીય ઊર્જા, ટેક્નોલોજી, ગણિત, હસ્તકલા આધારિત મોડેલો સહિતના નવીન અને સર્જનાત્મક પ્રોજેક્ટોનો સમાવેશ થયો. વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સમસ્યા નિવારણ અને વૈજ્ઞાનિક વિચારધારાના ઉત્તમ ઉદાહરણો રજૂ કર્યા.





