Valsad : વલસાડ કોમર્સ કોલેજની વિદ્યાર્થિનીને પરીક્ષામાં સૌથી વધુ ગુણાંક બદલ સુવર્ણપદક પ્રાપ્ત થયું.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વર્ષ-૨૦૨૩માં લેવાયેલી પરીક્ષામાં સૌથી વધુ ગુણાંક મેળવવા બદલ વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજની ટી.વાય.બી.કોમ.ની વિદ્યાર્થિની કુ.ટંડેલ તન્વી ભરતભાઈને સુવર્ણચંદ્રક પારિતોષિક પ્રાપ્ત થયું છે. જે બદલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. દ્વારા તેણીને તા. ૨૬/૦૨/૨૦૨૪ ના રોજ યોજાનાર પદવીદાન સંભારંભમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. આ ગોલ્ડ મેડલ હેમલબેન સુંદરલાલ દેસાઈ ઇનામ તરીકે તેણીને એનાયત કરવામાં આવશે.
શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજમાં કોલેજના આચાર્ય ડૉ.ગિરીશકુમાર રાણાએ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ વતી વિદ્યાર્થિનીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. સ્ટાફ પરિવાર વતી પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. તેણી હાલ વલસાડની કોમર્સ કોલેજ માં એમ.કોમ કરી રહી છે. આવનાર દિવસોમાં એમ.કોમ.માં પણ ગોલ્ડ મેડલ મેળવે એવી ભાવના વ્યક્ત કરી છે.
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૨ ફેબ્રુઆરી