Navsari (Jamalpor school): જમાલપોર પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો.
નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી જમાલપોર પ્રાથમિક શાળામાં આજે ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઘરેથી અનેક વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી લાવ્યા હતા. જેમાં કુલ ૨૫ જેટલી વાનગીઓનો સમાવેશ થાય છે. અને શાળામાં પોતપોતાના સ્ટોલ લગાવ્યા હતા. બાળકોએ જાતે જ તેનું વેચાણ કર્યું હતું. બાળકોએ પોતે બનાવેલ વાનગીના ખર્ચનો તથા વાનગીના વેચાણ બાદ મળેલી રકમનો હિસાબ કરે, અને એના આધારે નફા-ખોટની ગણતરી કરે એ મુખ્ય હેતુ આ પ્રવૃત્તિ દ્વારા શાળામાં સિદ્ધ કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાગ લઈ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ શાળાનાં આચાર્યશ્રી ફુલચંદ ભગતાણી અને નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ અને શાળા પરિવાર સહિત બાળકોના સ્ટોલ પરથી જાતે નાસ્તાની ખરીદી કરી વાનગીઓની લિજ્જત માણી હતી.
શાળાના મુખ્ય શિક્ષકશ્રી ફુલચંદ ભગતાણીએ ભાગ લીધેલા બાળકોને, ઉપસ્થિત વાલીઓને અને આયોજન તથા માર્ગદર્શન આપનાર શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.