Dang: ડાંગના ડી.ડી.ઓશ્રીને અપાયું બદલી વિદાયમાન
રાજ્ય સરકારે તાજેતરમાં જ કેટલાક સનદી અધિકારીઓની જાહેર હિતમાં કરેલી બદલીના કારણે ડાંગમાંથી,જિલ્લા વિકાસ અધિકારી તરીકે માત્ર દસ માસની ફરજ બજાવ્યા બાદ વિદાય લઈ રહેલા શ્રી આર.એમ.ડામોરને, જિલ્લા વહીવટી તંત્રે ભાવભીનું વિદાયમાન આપ્યું હતું.
પોતાના ડાંગ જિલ્લાના કાર્યકાળ દરમિયાન સાથી અધિકારી, કર્મચારીઓના મળેલા સહકાર બદલ, આભારની લાગણી પ્રગટ કરતા શ્રી ડામોરે, ડાંગ જિલ્લાની ટૂંકી ફરજ, તેમના માટે કાયમી સંભારણું બની રહેશે તેમ જણાવ્યું હતું.
દરમિયાન ડાંગ જિલ્લા વહીવટી તંત્રના વડા એવા કલેક્ટર શ્રી મહેશ પટેલે, જિલ્લા વહીવટી તંત્ર વતી શ્રી ડામોરને તેમની નવી જવાબદારીઓ બદલ શુભકામનાઓ પાઠવી, શાલ ઓઢાડી સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતું.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના વિદાય સમારંભમાં પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણિયા, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી રવિ પ્રસાદ અને દિનેશ રબારી, નિવાસી અધિક કલેકટર શ્રી બી.બી.ચૌધરી સહિતના વરિષ્ઠ અધિકારીઓ, અને જુદી જુદી કચેરીઓના જિલ્લા અધિકારીઓ, જિલ્લાના પદાધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી, શ્રી આર.એમ.ડામોરને ભાવભરી વિદાય આપી હતી.
જ્યારે જિલ્લા પંચાયત ખાતે આયોજિત વિદાય સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્માળાબેન ગાઈન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબિયાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ સહિતના શાખા અધિકારી, અને કર્મચારીઓએ વિદાય લઈ રહેલા પંચાયતના વડાશ્રી સાથેના તેમના કાર્યાનુભવો વર્ણવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ડાંગમાંથી વિદાય લઈ રહેલા શ્રી આર.એમ.ડામોરની રાજ્ય સરકારે કૃષિ અને ખેડૂત કલ્યાણ, તથા સહકાર વિભાગના સંયુક્ત સચિવ તરીકે બદલી કરી, નવી જવાબદારીઓ સુપ્રત કરી છે.
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૦૮-૦૨-૨૦૨૪