વાત છે ખેરગામ તાલુકાનાં નડગધરી ગામની, આ ગામમાં કલ્પેશ મિશાલ(૧૮ વર્ષ), અનિલ મિશાલ(૧૨ વર્ષ) અને ક્રિષ્ના મિશાલ(૪ વર્ષ) નામના ત્રણ અનાથ બાળકો અતિ દારુણ ગરીબીમાં જીવન જીવી રહ્યા છે.તેમના પિતાજીનું ૨૦૨૨માં દેહાવસાન થતાં તેમના માતા બીજા જોડે ભાગી ગઈ હતી. જેથી ઘરની તમામ જવાબદારી કલ્પેશ મિશાલ ઉપર આવી પડી હતી. પિતાનું છત્રછાયા ગુમાવતા જ આ અનાથ બાળકો ઉપર આભ તુટી પડયું હતું. ભણવાની ઉંમરમાં કલ્પેશને માથે બંને ભાઈઓની તમામ જવાબદારી આવી પડી હતી.મળેલ માહિતી પ્રમાણે બે ટંક ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. દાળ વગરના કોરા ભાત સાથે પેટ ભરવા મજબુર બન્યા છે.
આ પરિસ્થિતિનો સાચો તાગ મેળવવા ખેરગામ વેણ ફળિયાનાં વતની નિતેશભાઈ પટેલ તેમના પુત્ર પરીન સાથે અને તેમનાં મિત્ર મંડળ સહિત નડગધરી ગામે તેમના ઘરની મુલાકાત લીધી હતી તે દરમ્યાન તેમના દીકરાએ આ દારુણ પરિસ્થિતિ જોઈ હતી. આ કુમળી વયના બાળકના મનમાં દયા અને કરૂણાનાં ભાવ પેદા થયા હતાં. જે તેમણે પોતાની ઈચ્છાની વાત નિતેશ પટેલને(પિતાને) જણાવતાં તેમણે પોતાના દીકરાની વાત માની હતી.
હાલ તેમનો પુત્ર ખેરગામની પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ - 3 માં અભ્યાસ કરે છે. જે આજે તારીખ 8 ફેબ્રુઆરી 2024 ના રોજ ખેરગામ પહાડ ફળિયા શાળામાંથી વિદ્યાર્થીઓને શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ લઈ જવામાં આવ્યા હતા.તેમાં તે જઈ શક્યો નહીં. જે નાણાં તેમણે આ ગરીબ અનાથ બાળકોના કપડાં માટે મદદ કરી હતી.
આપણા માટે કદાચ આ પ્રસંગ નાનો કે સામાન્ય કહેવાય પરંતુ જ્યારે નાના બાળકમાં એવા વિચારો આવે ત્યારે શિક્ષણની ઉપલબ્ધિ કહેવાય. એવા ગુણો વિકસાવવા માટે સરકારી શાળાઓમાં અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે. કરૂણા અને સેવાભાવનાનો ગુણ તેમનામાં નાનપણથી જ વિકસિત થયેલ જોવા મળે છે. જે બહુ ઓછા બાળકોમાં જોવા મળે છે.
બાળકોને નાનપણથી આપણે તેને જે રીતે કેળવીએ તેવા તેનામાં સંસ્કારનું સિંચન થાય છે. નીતેશભાઈ દ્વારા પણ પોતાના દીકરાને જરૂરતમંદને મદદરૂપ થવા માટે જે પ્રેરણા આપી તે પ્રશંસાપાત્ર છે. આપણા સમાજ માટે પણ પ્રેરણા સમાન છે.