Dang : ડાંગ જિલ્લાના સાવરખડી પ્રાથમિક શાળા ખાતે 'શાળા સ્થાપના દિન'ની ઉજવણી કરાઇ.
- ભૂતપુર્વ વિદ્યાર્થીઓને સન્માનપત્રો આપવામા આવ્યા.
(ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૧૬: તારીખ ૧૫મી ફેબ્રુઆરીના રોજ ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત, સાવરખડી પ્રાથમિક શાળા ખાતે “શાળા સ્થાપના દિન"ની ઉજવણી કરવામા આવી હતી.
કાર્યક્રમમા શાળાના મુખ્ય શિક્ષક શ્રી મનિષભાઇ. સી. પટેલ દ્વારા તમામ મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કરી ભૂતપુર્વ વિદ્યાર્થીઓને શાલ ઓઢાડી સન્માનપત્રો આપી સન્માનિત કરવામા આવ્યા હતા.
આ કાર્યક્રમના અધ્યક્ષ તેમજ નિવૃત અધિક કલેક્ટર શ્રી ઇશ્વરભાઇ માળી દ્વારા પોતાના જીવનની સંધર્ષ વિશેની વાતો કરી, પ્રાથમિક શાળા સાથેના સ્મરણો વાગોળ્યા હતા. કાર્યક્રમમા મુખ્ય મહેમાનશ્રી ડો.બી.એમ.રાઉત દ્વારા સરકારી શાળાની સુવિધાઓ, સ્કુલ ઓફ એક્સેલેન્સની જાણકારી આપી હતી. તેમજ દિકરીઓને મફત શિક્ષણ માટેની સહાય યોજનાઓ વિશેની જાણકારી આપી હતી.
સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજના પ્રાધ્યાપક અને અતિથિ વિશેષશ્રી ડો.દિલીપભાઇ ગાવિત દ્વારા ગ્રામજનોની એકતા અને સંગઠન બની રહે તેમજ શાળા ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધે તે માટેની પ્રેરણા પુરી પાડી હતી. શાળાના ભૂતપુર્વ વિદ્યાર્થી શ્રી ઇશ્વરભાઇ માળી (નિવૃત અધિક કલેક્ટર), શ્રી ફુલચંદભાઇ માળી, (નિવૃત જિલ્લા શિક્ષણાધિકારી), શ્રી દિલીપ ગાવિત, (પ્રાધ્યાપક, સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ) દ્વારા શાળાનો તમામ ખર્ચ પુરો પાડવામા આવ્યો હતો.
આ પ્રસંગે સરકારી સેવામા કાર્યરત અને નિવૃત શાળાના ભૂતપુર્વ વિદ્યાર્થીઓ, તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના શિક્ષકશ્રીઓ, સરપંચ શ્રી રાજેશભાઇ ગામિત, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
-