Dang (Ahwa): ‘નેશનલ રોડ સેફ્ટી’ કાર્યક્રમ અંતર્ગત આહવા એસ.ટી ડેપો ખાતે વર્ચુઅલ બેઠક યોજાઇ.
વલસાડના વિભાગીય નિયાયકશ્રી દ્વારા કર્મચારીઓને અપાયુ ઉપયોગી માર્ગદર્શન.
‘નેશનલ રોડ સેફ્ટી’ કાર્યક્રમ અંતર્ગત વલસાડ ડિવિઝનના વિભાગીય નિયામકશ્રી દ્વારા વિભાગમા સમાવિષ્ટ તમામ ડેપોના મેનેજરો, સુપરવાઇઝર, ડ્રાઇવર, કંડકટર, મેકેનિકો સાથે ગુગલમીટના માધ્યમથી એક વર્ચ્યુઅલ મિટિંગનું આયોજન કરવામા આવ્યુ હતુ.
વિભાગમાં સૌ પ્રથમવાર વિભાગીય નિયામક શ્રી એન.એસ.પટેલ દ્વારા ટેકનોલોજીના ઉપયોગ સાથે ગૂગલ મીટના માધ્યમથી, નિગમમાં ફરજ બજાવતા ડ્રાઇવર, કંડકટર, અને મિકેનિક જેવા પાયાના કર્મચારીઓને પોતાની ફરજ દરમિયાન પરસ્પર સંકલન સાથે, સૌને પોતાની ફરજ નિષ્ઠાથી બજાવવા, તેમજ સ્વયં પણ સાવધાન અને સલામત રહેવા અંગેનુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તેમણે ‘શ્રમયોગી કલ્યાણ યોજના’ નો લાભ લેવા પણ કરેકને અનુરોધ કર્યો હતો. ‘સલામત સવારી-એસ.ટી. અમારી’ સૂત્ર સાથે, ગુજરાત એસ.ટી. નિગમને દેશની સૌથી સલામત સવારી તરીકે કેન્દ્ર સરકાર દ્વારા ‘રોડ સેફટી એવોર્ડ’ એનાયત કરાયો છે, જે બદલ તેમણે સૌનો આભાર વ્યક્ત કરી, સૌને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમા નવસારી ડેપો ડેપો મેનેજર શ્રી કે.એસ.ગાંધીએ ‘રોડ સેફ્ટી’ અંતર્ગત કર્મચારીઓને વિશેષ સૂચનો સાથે વિસ્તૃત સમજ આપી હતી. આહવાના ડેપો મેનેજર શ્રી કિશોરસિંહ પરમારે ડ્રાઇવરોને શારીરિક અને માનસિક ફિટનેસ સાથે, પોતાનુ મન સ્વચ્છ રાખવા, અને ક્યારેય પણ ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા, હમેશા સલામત ડ્રાઇવિંગને પ્રાધાન્ય આપવા બાબતનું વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વલસાડ ડિવિઝનના અન્ય ડેપો વલસાડ, વાપી, ધરમપુર, બીલીમોરા ડેપોના મેનેજરશ્રીઓએ પણ ‘રોડ સેફ્ટી’ અંતર્ગત પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ ગુગલ મિટમાં વિભાગના તમામ ડેપોના ડ્રાઇવર, કંડકટર, મિકેનિક મિત્રો પૈકી દરેકે પોતાની ફરજ દરમિયાન થયેલા અનુભવો શેર કર્યા હતા. આ કાર્યક્રમમાં વિભાગના ૫૦૦ જેટલા કર્મચારીઓએ એક સાથે જોડાઈને ઉત્સાહભેર ભાગ લીધો હતો.
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૧-૦૨-૨૦૨૪