📖 નવસારીમાં શિક્ષણના મહોત્સવની ઉજવણી, ‘બોલેગા બચપન’ અભિયાન બનશે નવી ઓળખ

SB KHERGAM
0

  📖 નવસારીમાં શિક્ષણના મહોત્સવની ઉજવણી, ‘બોલેગા બચપન’ અભિયાન બનશે નવી ઓળખ

નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીની ઉપસ્થિતિમાં મીંઢાબારી અને બોરિયાછ ગામે શાળા પ્રવેશોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી

નવસારી, તા. 24 જૂન 2026: રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલા ‘શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬’ અંતર્ગત નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મીંઢાબારી તથા બોરિયાછ ગામે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીની ઉપસ્થિતિમાં ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે મીંઢાબારી અને બોરિયાછ ગામના બાલવાટિકાના 16, ધોરણ-1ના 19, આંગણવાડીના 4, ધોરણ-9ના 170 તથા ધોરણ-11ના 64 મળી કુલ 273 વિદ્યાર્થીઓને શાળાપ્રવેશ કરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માત્ર ઔપચારિકતા નહીં પરંતુ શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવવાનો એક મહોત્સવ છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત, વાલીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) વચ્ચે સકારાત્મક સમન્વય અને સહભાગિતા અત્યંત જરૂરી છે.


તેમણે સ્થાનિક સરપંચશ્રીઓને 15મા નાણાપંચ તેમજ વિવિધ સરકારી ગ્રાન્ટ હેઠળ શિક્ષણ, આરોગ્ય અને આંગણવાડી કેન્દ્રોની ભૌતિક સુવિધાઓના વિકાસ તેમજ ગ્રીનરી અને ગાર્ડનિંગની જાળવણી જેવા કાર્યોને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો હતો.


કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારી શાળાઓના બાળકોમાં રહેલી સંકોચની ભાવના દૂર કરી તેમના વ્યક્તિત્વ વિકાસ અને સંવાદ કૌશલ્યને મજબૂત બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘બોલેગા બચપન’ નામના નવતર અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રાર્થના સભા તેમજ વર્ગખંડમાં નિયમિત અને વારાફરતી મંચ પર પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવશે, જેથી તેમનો સ્ટેજ ફિયર દૂર થાય અને આત્મવિશ્વાસમાં વધારો થાય.


કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “બાળકો નિર્ભયતાથી અને આત્મવિશ્વાસપૂર્વક પોતાની વાત રજૂ કરી શકે તેવું સકારાત્મક વાતાવરણ ઉભું કરવું એ સમાજ અને શિક્ષણ જગતની સામૂહિક જવાબદારી છે.” તેમણે શિક્ષણને વ્યક્તિના સર્વાંગી વિકાસનું સૌથી સશક્ત સાધન ગણાવી દરેક બાળકને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ થાય અને કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોને સક્રિય સહભાગી બનવા આહ્વાન કર્યું હતું.


કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, ગ્રામજનો, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ પ્રેરણાદાયી અને હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top