TET પરીક્ષા મુક્તિ મુદ્દે નવસારી જિલ્લામાં શિક્ષકોનાં ધરણાં, 800થી વધુ શિક્ષકો જોડાયા.
નવસારી, તા. 20 જૂન 2026
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તથા ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ – ઘટક નવસારીના સંયુક્ત ઉપક્રમે આજે તા. 20 જૂન, 2026ના રોજ સમરોલી ક્રિકેટ મેદાન, મુ. સમરોલી, તા. ચીખલી, જિ. નવસારી ખાતે TET પરીક્ષા મુક્તિની માંગ સાથે જિલ્લા કક્ષાનો ધરણા અને આવેદન કાર્યક્રમ યોજાયો હતો.
બપોરે 1:00 થી 3:00 કલાક દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા અંદાજે 800થી વધુ શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન શિક્ષકોએ TET પરીક્ષા મુક્તિ અંગે પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી હતી અને શિક્ષકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી હતી.
આ ધરણા કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી જૈમિનભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્રભાઈ પટેલ અને મહામંત્રીશ્રી હિતેષભાઈ પટેલ દ્વારા TET મુક્તિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ ઘટક સંઘોના હોદ્દેદારો, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ – ઘટક નવસારીના પ્રમુખશ્રી નરેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં શિક્ષકમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
ધરણા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શિક્ષકોના પ્રતિનિધિમંડળ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી નવસારીને આવેદનપત્ર પાઠવી શિક્ષકોની લાગણીઓ અને માંગણીઓ રાજ્ય સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન શિક્ષક એકતા, શિક્ષક હિત અને શિક્ષણ ક્ષેત્રના પ્રશ્નોના નિરાકરણ માટે સૌએ એકજૂટ બની સંઘર્ષ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ – ઘટક નવસારી




