શાળા પ્રવેશોત્સવ–પ્રગતિનો ઉત્સવ 2026 : શિક્ષણ એ જ વિકાસનો સાચો પાયો

SB KHERGAM
0

 

શાળા પ્રવેશોત્સવ–પ્રગતિનો ઉત્સવ 2026 : શિક્ષણ એ જ વિકાસનો સાચો પાયો

આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે વિદ્યાર્થીઓનું કર્યું હર્ષભેર સ્વાગત

ગણદેવી, તા. 24 જૂન: રાજ્ય સરકારના "શાળા પ્રવેશોત્સવ–પ્રગતિનો ઉત્સવ 2026" અંતર્ગત ગણદેવી તાલુકાના શ્રી અસ્પી કન્યા વિદ્યાલયના પટાંગણ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વાણિયા મિલ હાઈસ્કૂલ, આંતલિયા, પ્રાથમિક વિદ્યામંદિર ઉંડાચ તથા વિવિધ આંગણવાડી કેન્દ્રોના અંદાજિત 203 નવપ્રવેશી બાળકોને આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામ ઉદ્યોગ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરી હર્ષોલ્લાસભેર આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નિરાલીબેન નાયક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


મંત્રીશ્રી નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલો શાળા પ્રવેશોત્સવ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજ પરિવર્તનનું મહાઅભિયાન છે. કન્યા સાક્ષરતા વધારવા અને દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવાના સંકલ્પ સાથે શરૂ થયેલી આ પહેલ આજે સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી મોડેલ બની છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે છેલ્લા બે દાયકામાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે. સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, આધુનિક શૈક્ષણિક માળખું અને ટેક્નોલોજી આધારિત શિક્ષણ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થવાથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પણ ગુણવત્તાસભર શિક્ષણ મળી રહ્યું છે.


વાલીઓને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણની સાથે બાળકોમાં સારા સંસ્કારો, શિસ્ત અને જવાબદારીની ભાવનાનું સિંચન કરવું પણ એટલું જ જરૂરી છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉત્તમ મૂલ્યો દ્વારા જ સશક્ત, સંવેદનશીલ અને જવાબદાર નાગરિકોનું નિર્માણ શક્ય બને છે. તેમણે સમાજના દરેક નાગરિકને અપીલ કરી હતી કે કોઈ પણ દીકરો કે દીકરી શિક્ષણથી વંચિત ન રહે તેની જવાબદારી સૌએ નિભાવવી જોઈએ.


કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેમજ વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું.


આ પ્રસંગે ગણદેવી તાલુકા વિકાસ અધિકારીશ્રી ચેતનભાઈ દેસાઈ, સંબંધિત શાળાઓના શિક્ષકો, વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો, અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top