Valsad (SNH Commerce College) : વલસાડની કોમર્સ કોલેજના ૮ વિદ્યાર્થીઓએ જાતિ આધારિત જનગણના તેમજ ચૂંટણી અનુલક્ષી ડેટા સર્વે કર્યો.
- દક્ષિણ ગુજરાતમાંથી એક માત્ર વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજની તમિલનાડુની રિસર્ચ સંસ્થા દ્વારા પસંદગી કરાઈ.
- વિદ્યાર્થીઓએ ૧૦૮ ઘરોમાં જઈ સર્વે કર્યો, વિદ્યાર્થી દીઠ રૂ. ૩૦૦૦નું મહેનતાણું પણ ચૂકવાયું.
- એક્ટિવિટીમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓને આવક થાય અને રિસર્ચના કાર્યમાં પણ આગળ વધી શકે.
દક્ષિણ ગુજરાતમાંથી એકમાત્ર વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજનો તમિલનાડુની એપ્ટ રિસર્ચ સંસ્થાએ ઓનલાઈન સંપર્ક કરી EXTENSION ACTIVITY અંતર્ગત પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓને મહેનતાણુ આપી તેમની પાસેથી વલસાડ જિલ્લાના ગામોમાં ડેટા સર્વે કરાવ્યો હતો.
વિદ્યાર્થીઓને આપવામાં આવેલી પ્રશ્નોત્તરીમાં જાતિ આધારિત જનગણનાથી સહમત છો? તેમજ અનેક બીજા સવાલો જેવા કે, એક રાષ્ટ્ર, એક ચૂંટણી હેઠળ લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી કરાવવી કે નહી? આ દેશના વડાપ્રધાન કોણ બનશે? મતદાર તરીકે કોને મત આપશો? તમારા મત મુજબ પસંદગી ધરાવતા ૩ પ્રધાનમંત્રી કોણ? ચૂંટણી દરમિયાન કયા કયા મુદ્દા અસર કરશે? અને ભારત સરકારની ૩ મહત્વપૂર્ણ યોજનાના નામ જણાવો એવા અનેક સવાલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ડેટા સંબધિત આ સર્વે માટે એમ.કોમના બીજા વર્ષના ૮ વિદ્યાર્થીઓ વિશાખા ટેમ્બેકર, વૈભવી પટેલ, દિશા સુરતી, સાહિલ શાહ, દિવ્યા શાહ, શ્વેતા કુર્મી, હર્ષ ગુપ્તા, દેવાંગ પટેલ, જય પટેલ, પ્રિયંકા પટેલ અને રિદ્ધિ મૈસુરિયાની EXTENSION ACTIVITY માટે પસંદગી કરવામાં આવી હતી. બે વિદ્યાર્થી મળી કુલ ચાર ટીમ બનાવવામાં આવી હતી. એક ટીમ દ્વારા ૨૭ ઘરોમાં જઈ સર્વે કરવામાં આવ્યો હતો. આમ ૮ વિદ્યાર્થીઓની કુલ ૪ ટીમે કુલ ૧૦૮ ઘરો સુધી પહોંચી લોકો પાસેથી જવાબ મેળવ્યા હતા. આ સર્વે માટે રૂ. ૩૦૦૦ જેટલી રકમ ૧ વિદ્યાર્થીને આપવામાં આવી હતી. કોલેજના આચાર્ય ડૉ.ગિરીશકુમાર રાણાએ વિદ્યાર્થીઓને EXTENSION ACTIVITY માટે પ્રોત્સાહિત કરી જણાવ્યું કે, આ રીતે એક્ટિવિટીમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓને પોતાની આવક થાય અને રિસર્ચના કાર્યમાં પણ આગળ વધી શકે છે. આ કાર્યમાં પ્રા.એમ.એ.મુલ્લાએ જહેમત ઉઠાવી હતી.
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૫ ફેબ્રુઆરી