Tapi (Uchchhal): ઉચ્છલ તાલુકાની વિવિધ શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અને ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો.
આપત્તિના સમયે પોતાનો અને બીજા લોકોનો જીવ કેવી રીતે બચાવી શકાય તે અંગે બાળકોએ શીખ મેળવી.
માહિતી બ્યુરો તાપી તા.૩૧ સમગ્ર રાજ્યમાં શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે તાપી જિલ્લાના છેવાડે આવેલા ઉચ્છલ તાલુકાની વિવિધ શાળાઓમા શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે ટોકરવા નેસુ અને કાટીસકુવા પ્રાથમિક શાળા,નારણપુરા મુખ્ય શાળા, કરોડ પ્રાથમિક શાળા ખાતે આગ, પુર,ભુકંપ,જેવી આપત્તિના સમયે કેવી રીતે પોતાનો અને બીજા લોકોનો જીવ બચાવી શકાય તે માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને સોનગઢ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા મેગા ઇવેન્ટ ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ફાયર વિભાગ દ્વારા તમામ શાળાઓમાં બાળકો,શિક્ષકો અને વાલીઓને આગ,પુર જેવી ઘટના બને ત્યારે કેવી રીતે એકબીજાને મદદરૂપ બનવુ તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ બચાવ કામગીરીના સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે બાકોળોને લાઇવ ડેમોટ્રેશન બતાવવામાં આવ્યું હતુ. આ સાથે આપત્તિને લગતા પોસ્ટરો પણ વિતરણ કરવામાં આવ્યા હતા.
ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ અધિકારીશ્રી કરન ગામીતે શાળા સલામતી કાર્યક્રમનો હેતુ, મહત્વ, ઈમરજન્સી સમયે કોના કોના ફોન નંબર પોતાની પાસે હોવા જોઈએ? તે અંગે વિસ્તૃત સમજ આપી હતી.
નોંધનિય છે કે, ઉચ્છલ તાલુકાના કેટલાક ગામો તાપી નદીના કિનારે વસેલા છે. આવા અંતરિયાળ વિસ્તારના ગામોમાં આગ લાગવાની તેમજ ચોમાસાની ઋતુમાં પુર આવવા જેવી ઘટનાઓ સમયાંતરે સર્જાતી હોય છે. ત્યારે શાળા સલામતી સપ્તાહ જેવા કાર્યક્રમો દ્વારા આપવામાં આવતી માહિતી અને ડેમોટ્રેશન આવા વિસ્તારો માટે ઘણા ઉપયોગી બની રહે છે.
શાળા સલામતી સપ્તાહ ૨૦૨૪ના કાર્યક્રમમાં જિલ્લા ડિઝાસ્ટરના અધિકારી કરન ગામીત, સોનગઢ નગરપાલિકા ફાયર વિભાગની સમગ્ર ટીમ અને વિવિધ શાળાના બાળકો,શિક્ષકો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.