Dang : ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૭: ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને, જિલ્લા સંકલન વ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
કલેકટરશ્રીએ જિલ્લામા ખુલ્લા બોરવેલ અંગેનો સર્વે કરવા સાથે, આગામી સમયમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા સંદર્ભે જરૂરી આયોજન કરવા, ઉપરાંત એસ્પીરેશનલ બ્લોક સુબીરમાં આંગણવાડી બાળકોના પોષણ સંદર્ભે તકેદારી રાખવા માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત જિલ્લામાં આગામી દિવસોમા યોજાનારા ગરીબ કલ્યાણ મેળા અંગેની તૈયારી સહિત પી.એમ.વિશ્વકર્મા યોજનામા દરેક પંચાયતોમા ઝુંબેસરૂપ રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવા પણ અપીલ કરી હતી.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમા, સમિતિના નિયમિત મુદ્દાઓ એવા સરકારી લેણાની બાકી વસુલાત, પડતર તુમાર, પેંશન કેસ, માહિતી અધિકાર અધિનિયમ, નાગરિક અધિકાર પત્ર, સ્વચ્છતા મિશન અંતર્ગત કંડમ વાહનો અને રદ્દી પસ્તીનો નિકાલ, જિલ્લાના જુદા જુદા વિભાગો વચ્ચેના પ્રશ્નો, પંચાયત ઈન્ડેક્સ, સરકારી વાહનોના નિકાલની કાર્યપદ્ધતિ, સી.એમ.ડેશબોર્ડ, ગ્રામસભા અને સ્વાગત કાર્યક્રમના પ્રશ્નો વિગેરેની પણ સૂક્ષ્મ સમીક્ષા હાથ ધરી, જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતુ.
બેઠકમા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગણીયા, નાયબ વન સંરક્ષક સર્વશ્રી રવિ પ્રસાદ, અને દિનેશ રબારી, પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, કાર્યપાલક ઇજનેર શ્રી એસ.આર.પટેલ સહિતના જિલ્લા અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.
બેઠકનું સંચાલન પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ તેમજ ચૂંટણી મામલતદાર શ્રી મેહુલ ભરવાડે કર્યું હતું.