Dang: ભારત સરકારના અધિકારીઓ ડાંગ જિલ્લામા ભૂમિ સન્માનિત પંચાયતોમા મુલ્યાંકન અભ્યાસ હાથ ધરાયો.
મીનીસ્ટ્રી ઓફ રૂરલ ડેવલોપમેન્ટ, ડીપાર્ટમેન્ડ ઓફ લેન્ડ રીસોર્સ, નિર્માણ ભવનના અધિકારી તેમજ કર્મચારીઓએ, ડાંગ જિલ્લાના આહવા અને વઘઇ તાલુકાની ભૂમિ સન્માનિત પંચાયતોમા મુલ્યાંકન અભ્યાસ હાથ ધર્યો હતો.
ડાંગ જિલ્લાના આહવા તાલુકાની ચિકટીયા અને પિંપરી ગ્રામ પંચાયત, તેમજ વઘઇ તાલુકાની કુડકસ અને ચિંચિનાગાવઠા ગ્રામ પંચાયતોમા, દિલ્હીના રિસર્ચ ઓફિસર શ્રી અરવિંદ સહાની અને તેઓની ટીમ દ્વારા, પંચાયતોમા જમીનના માલિકો અને ખેડુતો માટે પ્રશ્નાવલી, ઇન્ટરવ્યુ તેમજ માર્ગદર્શિકા વિગેરે સહિત ડેટા એકત્રિત કરવામા આવ્યા હતા.
જેમા છેલ્લા પાંચ વર્ષથી જમીનને લગતી બાબતોથી સંકળાયેલ ખેડુત ખાતેદારોને આવરી લેવામા આવ્યા હતા. જિલ્લાની ગ્રામ પંચાયતોમા ઇ ધારા પ્રોસેસ દ્વારા, હવે ખેડુત ખાતેદારોને ધરબેઠાં મોબાઇલ અથવા ગ્રામ પંચાયતોમા જ ૭-૧૨ અને ૮-અ ના દાખલાઓ મળી જાય છે. જેનાથી ખાતેદારોને મુખ્ય મથકે આવવુ પડતુ નથી.
આ પ્રસંગે ડાંગના પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ, આહવાના ઇન્ચાર્જ મામલતદાર શ્રી સુરેશભાઇ ચૌધરી, વઘઇ મામલતદાર શ્રી એમ.આર.ચૌધરી, ડી.આઇ.એલ.આર. શ્રી પ્રશાંત સોની, નાયબ મામલતદાર શ્રી હિરામણ ગવળી, શ્રી પ્રકાશ મહાલા સહિત, મહેસુલી કર્મચારીઓ તેમજ તલાટીઓએ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.
મીનીસ્ટ્રી ઓફ રૂરલ ડેવલોપમેન્ટ, ડીપાર્ટમેન્ડ ઓફ લેન્ડ રીસોર્સ, નિર્માણ ભવનના ઓફિસર શ્રી અરવિંદ સહાની, અને તેઓની ટીમ દ્વારા ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલની શુભેચ્છા મુલાકાત લેવામા આવી હતી.
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૩-૦૨-૨૦૨૪