Dang: ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા તા. ૧ થી ૮ ફેબ્રઆરી દરમિયાન "ડાંગ નેચર ફેસ્ટ" યોજાશે.
મહાલ કેમ્પ સાઇડ ખાતે પ્રકૃતિ શિક્ષણ નિષ્ણાતો વિદ્યાર્થીઓને વન વૈભવથી અવગત કરાવશે.
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૩૦: ગુજરાત રાજ્યનો સૌથી સમૃધ્ધ વન વારસો ધરાવતો ડાંગ જિલ્લો, જે પર્વતમાળામા આવેલો છે તે વનાચ્છાદિત સહ્યાદ્રિ પર્વતમાળાને, આંતરરાષ્ટ્રિય સ્તરે જૈવિક વિવિધતાનું કેન્દ્ર (બાયોડાઈવર્સિટી હોટસ્પોટ) ઘોષિત કરાયેલ છે.
સહ્યાદ્રિ પર્વતમાળામાના ઉત્તરી ભાગમાં ડાંગ જિલ્લાનુ ઘનિષ્ઠ જંગલ આવેલું છે. ડાંગના વનોની સુંદરતા, અહીંની અનોખી જૈવિક વૈવિધ્યતા, અને તેમા વસતા સ્થાનિક આદિવાસી પ્રજાનો વનો સાથેનો પ્રગાઢ સંબંધ. આ દરેક પાસાને જોવા, જાણવા, માણવા, સમજવા અને અનુભવવા માટેની અમૂલ્ય તક એટલે "ડાંગ નેચર ફેસ્ટ".
વન-ભ્રમણ અને નિવાસ દ્વારા આનંદમય અને રસપ્રદ પ્રવૃત્તિઓથી સ્થાનિક શાળા તથા કોલેજોના વિદ્યાર્થીઓનું વન-સૃષ્ટિ સાથે અર્થપૂર્ણ અને ઊંડું અનુસંધાન થાય એ હેતુથી, આગામી તારીખ ૧ થી ૮ ફેબ્રઆરી દરમ્યાન, મહાલ કેમ્પ સાઇટ ખાતે ચાર-ચાર દિવસના બે ભાગમા, શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા નવસારી, ડાંગ અને તાપી જિલ્લાના શાળા/કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેશે.
"ડાંગ નેચર ફેસ્ટ" ના અનુભવથી ભવિષ્યની પેઢીઓને પ્રકૃતિના અમૂલ્ય વારસાની ઝલક તથા એના સંરક્ષણમાં સામેલ થવાનું પ્રોત્સાહન મળશે, તેમ ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારીએ જણાવ્યુ છે.
'ડાંગ નેચર ફેસ્ટ' નું આયોજન આહવા સ્થિત ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી ડી. એન. રબારીના પ્રોત્સાહન અને માર્ગદર્શન હેઠળ, તથા પ્રકૃતિ શિક્ષણ નિષ્ણાત ડૉ. પ્રણવ ત્રિવેદી અને શ્રીમતી સંગીતા ત્રિવેદીના સંકલન/સંચાલન દ્વારા, મહાલ કેમ્પ સાઇટ ખાતે કરાયું છે. આ શિબિરમા વન વિભાગના સ્થાનિક કર્મચારીઓ, આમંત્રિત તજજ્ઞો/રીસોર્સ પર્સન તથા સ્થાનીક સ્વયંસેવકો પણ સહયોગી થશે.
-