અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ખેરગામ માર્કેટ યાર્ડની તમામ દુકાનો બંધ રાખવાનો સૌ વેપારીઓનો નિર્ણય.
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી માટે તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ખેરગામ માર્કેટ યાર્ડના વેપારીઓના ચેરમન કિશોરભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તા.22મીએ માર્કેટ યાર્ડમાં આવેલી તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
22મી જાન્યુઆરીએ અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવુ મંદિર જેના ભૂતળના ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરકમળથી થશે. જેમાં ખેરગામ તાલુકામાં દરેકના રામ, દરેકમાં રામની ભાવનાથી રામલલ્લાની સ્થાનિક કક્ષાએ જોરદાર ઉજવણી કરવાની તૈયારીમાં સૌ રામ ભક્તો તન,મન,ધનથી ભાગ લઈ સહકાર કરી રહ્યા છે. જે અંતર્ગત મંગળવારે ખેરગામમાં એપીએમસી સંચાલિત માર્કેટ યાર્ડમાં ચેરમેન કિશોરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.
જેમાં 22મીના રોજ માર્કેટ યાર્ડની તમામ દુકાનો બંધ રાખી ધાર્મિક કાર્યક્રમની ઉજવણી ધામધૂમથી કરવાનો નિર્ણય વેપારીઓ દ્વારા લેવાયો હતો. એપીએમસીના ચેરમેન કિશોરભાઈ પટેલે જણાવ્યું કે અયોધ્યામાં નિર્માણ થયેલ ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા હોય વેપારીઓ દ્વારા આ દિવસે માર્કેટની તમામ દુકાનો બંધ કરવાનું નક્કી કરાયું છે. જેથી ખેડૂતો અને વેપારીઓ સહિત તમામ લોકો આ પર્વને ભક્તિભાવની ઉજવણી કરશે.