ઓલપાડની કુદિયાણા શાળાની વિદ્યાર્થિની વાર્તાકથન સ્પર્ધામાં ઝોન કક્ષાએ પ્રથમ ક્રમે આવી.
- કુદિયાણા પ્રાથમિક શાળાની યસ્વી પટેલ આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ દક્ષિણ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે.
ગાંધીનગરની જી.સી.ઈ.આર. ટી. માર્ગદર્શિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચનાં સંયુક્ત ઉપક્રમે આયોજીત નિપુણ ભારત અંતર્ગત ઝોન કક્ષાની વાર્તા કથન, વાર્તાનિર્માણ સ્પર્ધા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ ખાતે યોજવામાં આવી હતી.
નિપુણ ભારત મિશન અંતર્ગત અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં વાર્તાઓનાં મહત્ત્વનો સ્વીકાર થયો છે. ત્યારે વાર્તા કથન આધારિત શિક્ષણશાસ્ત્રને એક માપદંડ આધારિત શિક્ષણશાસ્ત્ર તરીકે જોવામાં આવે છે. એવાં મૂળભૂત હેતુસર યોજાયેલી ઝોન કક્ષાની વિવિધ સ્ટેજની સ્પર્ધાઓ પૈકી પ્રિ-પેટરી સ્ટેજ (ધોરણ-૩ થી ૫)માં ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત કુદિયાણા પ્રાથમિક શાળાની યસ્વી કિરીટ પટેલે દક્ષિણ ઝોનનાં તમામ જિલ્લાઓનાં હરીફ સ્પર્ધકોને પાછળ છોડી પ્રથમ ક્રમ હાંસલ કરી શાળા, ગામ તથા ઓલપાડ તાલુકા સહિત સમગ્ર સુરત જિલ્લાનું નામ રોશન કર્યું છે.
તેણીને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે રોકડ ટ્રોફી તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.ઝોન કક્ષાએ પ્રથમ ક્રમાંકિત આ તેજસ્વી વિદ્યાર્થીની યસ્વી પટેલ હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં દક્ષિણ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે. તેણીની આ ઝળહળતી સિદ્ધિ બદલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલ તથા મહામંત્રી અરવિંદ ચૌધરી, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ તથા
મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, ઈન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીન પટેલ તેમજ બી.આર.સી.કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ સહિત સમસ્ત કુદિયાણા અભિનંદન પાઠવ્યા હતાં.