રૂપાલની પલ્લીનો જગવિખ્યાત લોકઉત્સવ માણવા લાખો લોકો ઉમટી પડે છે.

SB KHERGAM
0

 


રૂપાલની પલ્લીનો જગવિખ્યાત લોકઉત્સવ માણવા  લાખો લોકો ઉમટી પડે છે.

વારસોઃ વિવેકયુક્ત ઉત્સવ ધર્મરક્ષક, ભાવનાપોષક અને સંસ્કૃતિનું પ્રતીક છે

માનવ જીવનને આનંદ અને ઉલ્લાસથી મધમધતું બનાવે તેનું નામ ઉત્સવ. માનવીના અંતરમાં આનંદનો અભિષેક કરે તેનું નામ ઉત્સવ. મહાકવિ કાલિદાસે શાકુંતલમાં સાચું જ કહ્યું છે કે, ‘ઉત્સવ પ્રિયાઃ ખલુ જનાઃ” માનવીને ઉત્સવ અતિ વણલો છે. વિવેકયુક્ત ઉત્સવ ધર્મરક્ષક, ભાવનાપોષક અને સંસ્કૃતિનું પ્રતીક છે. દુનિયાની કોઈપણ પ્રજા ઉત્સવવિહોણી નથી. લોકજીવનનું દૈવત એના સાંસ્કૃતિક ઉત્સવોમાં દૃષ્ટિગોચર થાય છે. ગુજરાતની સાંસ્કૃતિક એકતાના મૂળ આ લોકઉત્સવોમાં પડેલા જોઈ શકાય છે. આજે મારે વાત કરવી છે. આપણી લોકજાતીયોની શ્રદ્ધા, માન્યતાઓ, ભાવનાઓ અને રીતરિવાજોના તાણાવાણાથી ગૂંથાયેલ, જાનયદી સંસ્કૃતિની ઝાંખી કરાવતા રૂપાલની પલ્લીના લોકઉત્સવની.

નવરાત્રિ એટલે શક્તિની ભક્તિનું પર્વ. આ પર્વ પ્રસંગો શક્તિનાં તીર્થધામોમાં અવનવા ઉત્સવો ઊજવાય છે. આ બધા ઉત્સવોમાં આસો સુદ નોમના રોજ ઊજવાતો વરદાયિની માતાનો રૂપાલની પલ્લીનો ઉત્સવ આગવી ભાત ઉપસાવે છે. ગુજરાત તો શું પણ ભારત ભરમાં આ લોકઉત્સવનો જોટો જડવો મુશ્કેલ છે. રૂપાલમાં ઘીની નદીઓ રેલાવતી માતાજીની પલ્લીનો ઉત્સવ એ આલમની અઢારે વર્ણનો લોકઉત્સવ છે. ઉમંગ અને લોકશ્રદ્ધાનું પ્રતીક છે.

અમદાવાદથી અઢાર માઈલના અંતરે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં રૂપાળું એવું રૂપાલ ગામ આવેલું છે. આ ગામ જૂના કાળે રૂપાવટી નગરી તરીકે ઓળખાતું. રૂપાલ ગામની દક્ષિણે મા વરદાયિનીનું મંદિર આવેલું છે. વરદાયિની માતાને બોકબોલીમાં વડેચીમાં તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રિમાં રૂપાલમાં માતાજીની પલ્લીનો મોટો ઉત્સવ થાય છે. ગાંધીનગર જિલ્લાના રબારી, વાણિયા, બ્રાહ્મણ, ઠાકોર અને અન્ય ઈતર વર્ણના લોકો માને છે કે વરદાયિનીમાં ઈચ્છિત કાર્ય પૂર્ણ કરે છે. કોઈનો દીકરો- દીકરી સાજાંમાંદા થાય, વહુને સાસરિયા તેડતા ન હોય, વહુનો પગ સાસરિયામાં ટકતો ન હોય ત્યારે બાધારૂપે વરદાયિમાતાને માનેલું સવા શેર થી સાચે જ ચમત્કાર સર્જે છે. પલ્લીના ઉત્સવમાં નાતજાતના અને ઊંચનીચના ભેદભાવ વિના શ્રદ્ધાળુ લોકો પલ્લીના દર્શન કરવા રૂપાલમાં લાખોની સંખ્યામાં ઊમટી પડે છે.


રૂપાલની પલ્લીનો ઉત્સવ આસો સુદ નોમની રાતે ભવ્ય રીતે ઊજવાય છે. પલ્લીના ઇતિહાસ ભણી નજર કરી એ તો દ્વાપરયુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાનાં શસ્ત્રો ખીજડાના એક વૃક્ષની નીચે સંતાડ્યા હતા. આ શસ્ત્રોની રક્ષા માટે તેઓએ વરદાયિની માતાને પ્રાર્થના કરી હતી. જંગલોની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના વૃક્ષ નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરી પાંડવો વિરાટનગર (ધોળકા) માંથી પરત ફરી શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા ત્યારે શસ્ત્રોની પૂજા કરી તેમણે પાંચ દીવાની જયોતવાળી પલ્લી બનાવી માતાજી પાસે મૂકી હતી. ત્યારબાદ હસ્તીપુરના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ શ્રીકૃષ્ણ સાથે પાંડવો અહીં આવ્યા હતા અને સોનાની પલ્લી બનાવી ગામમાં યાત્રા કાઢી હતી. ત્યારથી અહીં નવરાત્રિની નોમની મધરાત બાદ પલ્લી નિકાળવાની પરંપરા શરૂ થઈ હોવાની કિંવદંતી છે.

પલ્લીની તૈયારી નવરાત્રિના પ્રથમ દિવસથી જ આરંભાય છે. આ દિવસે રાતના હરિજનો શમીવૃક્ષ ખીજડાનું લાકડું લાવે છે. ગામના સુથારો પલ્લી ઘડવાનું અને લુહારો-પંચાલો પલ્લીનો ખીલીઓ મારવાનું કામ કરે છે. આ કામ દામથી નહીં પણ માતાજી તરફના અનન્ય ભક્તિભાવથી થાય છે. 


આ પલ્લી એક પ્રકારનો રથ જ છે. તેના પર પાંચ કૂડાં મૂકી શકાય તેવી વ્યવસ્થા હોય છે. પલ્લીનું ઘડતર અને જડતર કામ પૂરું થાય ન થાય વાળંદ વરખડીના સોટા લાવીને બાંધે છે. કુંભાર આવીને કૂંડા છાદે છે પિંજારો આવીને કૂંડામાં કપાસિયા પૂરે છે. લોકો તેમાંથી પૂરે છે. માળી આવીને ફુલગજરા ચડાવે છે. પંચોળી બાહ્મણો પ્રસાદનો ખીચડો રાંધે છે. ગામનો ચાવડા રાજપૂત માતાનો પ્રસાદ મૂકવાની છાબ લાવે છે. બ્રાહ્મણો નવચંડી યજ્ઞ આરંભે છે. નોમની રાતે પલ્લીને શણગારીને પંચદીપ પ્રગટાવવામાં આવે છે. 

પૂજારી માતાજીની આરતી ઉતારે છે. પ્રસાદમાં ખીચડો પિરસાય છે. જય અંબે....જય અંબેના નાદથી વાતાવરણ ભર્યું ભર્યું બની જાય છે. વાળંદ હાથમાં મશાલ પ્રગટાવીને પલ્લીની મોર્ય ચાલે છે. ડોલી ઢોલ ઉપર દાંડી રમાડે છે; ત્યારે વાતાવ૨ણ આનંદ અને ઉલ્લાસમય બની જાય છે. માતાજીના દર્શન કરીને પૂજારી ચાવડો પલ્લી ઉપાડવાની આજ્ઞા આપે છે. 

સૌ પ્રથમ ગામના પટેલો પલ્લી ઉપાડવાની કામગીરી બજાવે છે. પલ્લી ગામના ૨૪ ચૌટે ઊભી રહે છે. એ વખતે દિવસ દરમિયાન ભેગું થયેલું થી અભિષેકરૂપે ઘડે ઘડે ઠાલવવામાં આવે છે. પંચદીપમાં કેટલું થી સમાય? કુંડામાંથી ઘીનો પ્રવાહ ધરતી માથે વહેવા માંડે છે. રસ્તા ઉપર ઘીની નદીઓ વહે છે. પંચદીપની જ્વાળાઓ લબકારા લેવા માંડે છે. ત્યારે એમાં ઘી હોમનારાનાં અગનજવાળા વચ્ચે ફરકે છે, છતાં તેમના દેહ કે વસ્ત્રોને ઉની આંચ આવતી નથી. શ્રદ્ધાળુ લોકો આને માતાજીનો ચમત્કાર માને છે.

પલ્લી ગામના ચોકમાં જ્યાં ઊભી વહે ત્યાં ઉપાડનારા ભક્તો પલ્લી ઉપર ચડીને મુખ્ય દીપની આરતી લે છે. આ પ્રસંગે લોકો પલ્લીના રથ ઉપર શ્રીફળ વધેરે છે. ચોખા ચડાવે છે. એ વખતે બહેનો પોતાના નવજાત બાળકોને પલ્લીના મુખ્ય દીપનો પ્રસાદ પામવા માટે પૂજારીના હાથમાં આપે છે. પૂજારી ફૂલને ફેરવે એમ બાળકને મુખ્ય દીપ માથે ફેરવીને માતાને પાછું સોંપે છે.

એક પછી એક ચૌટામાં ફરતી ફરતી પલ્લી રામજીમંદિરે આવે છે ત્યારે પટેલો પલ્લીના રથથી અળગા થઈ જાય છે. અહીંથી પલ્લી ઉપાડવાનો વારો વાણિયાઓનો આવે છે. બાહુબળ કરતાં બુદ્ધિમાં બળવાન એવા વાણિયાઓ માતાજીની કૃપા પામવા માટે સાંઠ સિત્તેર મળની પલ્લી ઉપાડીને ચાલે છે. આ પ્રસંગે ત્રિવેદી બાહ્મણો સાને પાણી પીરસે છે. દરજી કાપડના કકડા આપે છે. માર્ગમાં ગોગદેવના દેવળ આગળ સવામણનો ખીચડો નૈવેદ્યરૂપે લઈ લેવામાં આવે છે. આમ ગામના મૂળ સ્થાનકેથી નીકળીને પલ્લી ગામના પાદરે આવેલા વરદાયિની માતાના મંદિરે વાજતેગાજતે પહોંચે છે. માતાજીની ભવ્ય મૂર્તિ સમક્ષ પલ્લીનો રથ મૂકવામાં આવે છે ત્યારે પરોઢિયાના પાંચેક વાગવા આવે છે ત્યારે મંદિરના ચોકમાં માતાજીના ગરબા ગવાય છે.

 "જય આદ્ય વરદાયિની 

માડી તારો રૂપાલ ગામે વાસ રે 

તને ખમ્મા ખમ્મા માવલડી. 

ધમક ધમક તારો હીચકો ધમકે 

ગાયે નર ને નારી 

ચમક ચમક ત્યાં ચાંદની ચમકે 

રાત બની રઢિયાળી સખી, 

જોને રાત બની રઢિયાળી."


છેલ્લે આરતી પછી માતાજીનાં દર્શન કરીને ધન્ય બનેલો માનવ મહેરામણ સવારના વિખરાવા માંડે છે. ઉગમણી દિશામાં સૂરજનારાયણ પોતાની યાત્રા આરંભી દે છે. એ પછી પલ્લીની જ્યોત પાંચ દિવસ સુધી દર્શન માટે રાખવામાં આવે છે. પલ્લીના દર્શન માટે દેશવિદેશમાંથી મોટી સંખ્યામાં દર્શનાથીઓ ઊમટી પડે છે. આ દિવસે રૂપાલમાં મોટો મેળો ભરાય છે. જાણે કે શ્રદ્ધાનો મહાસાગર છલકાયો હોય તેવું દેશ્ય ખડું થાય છે. ગયે વર્ષે ૧૧ લાખથી વધુ લોકોએ પલ્લીના દર્શનનો લાભ લીધો હતો. શક્તિપૂજાનો આવો અનેરો છે લોકઉત્સવ. આવો લોકઉત્સવ ગુજરાત સિવાય બીજે ભાગ્યે જ જોવા મળે છે.


 Credit : Sandesh news 

( sanskruti Post : Joravarsinh jadav )

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top