ઈદુલ ફિત્ર પર્વે ખેરગામમાં ભાઈચારાનો અનોખું દ્રશ્ય
ખેરગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા ઈદુલ ફિત્ર પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રમઝાનના છેલ્લા દિવસે સાંજે ઈદનો ચાંદ દેખાતા શનિવારે વહેલી સવારે ખેરગામ સહિત ધરમપુર, વાડ, પીઠા અને આસપાસના ગામોમાંથી મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં દાદરી ફળીયા ખાતે આવેલી ઈદગાહમાં એકત્રિત થઈ ઈદની નમાઝ અદા કરી હતી.
આ પ્રસંગે કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે ખેરગામ પોલીસ મથકના પીઆઈ પીનલ ચૌધરી તથા તેમની સમગ્ર ટીમે ખડેપગે રહી સેવા આપી હતી. સુન્નત જમાતના કમિટી સભ્ય ઐયુબભાઈ ઈંડાવાળાએ પોલીસ વિભાગની કામગીરીને બિરદાવતા તમામ જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રસંગે સમાજના પ્રમુખ ગુલાબભાઈ શેખ, જમીરબાપુ, અઝીઝભાઈ ક્વોરીવાળા, નઝીરભાઈ શેખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઈદગાહમાં નમાઝ બાદ ખાસ દુઆ કરવામાં આવી હતી. ખેરગામ રિફાઇ કમિટી દ્વારા શિસ્તબદ્ધ રીતે ભવ્ય જુલૂસ પણ કાઢવામાં આવ્યો હતો.
ઈદના આ પવિત્ર પ્રસંગે દિવસભર હિન્દુ-મુસ્લિમ સમાજના લોકોએ પરસ્પર મળીને એકબીજાને ઈદની મુબારકબાદ પાઠવી સૌહાર્દ અને એકતાનો અનોખો સંદેશ આપ્યો હતો.





