સાવર ફળિયા પ્રા. શાળા ખેરગામમાં મુખ્ય શિક્ષિકા રમીલાબહેન પરમારનો ભાવભર્યો વિદાય સમારંભ.
નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સાવર ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામ ખાતે મુખ્ય શિક્ષિકા શ્રીમતી રમીલાબહેન ભીખુભાઈ પરમારના સ્વૈચ્છિક નિવૃત્તિ પ્રસંગે ભાવભર્યો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. શિક્ષણક્ષેત્રે લાંબા સમયથી નિષ્ઠા, સમર્પણ અને શિસ્તબદ્ધ સેવાઓ આપ્યા બાદ તેઓ તા. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ નિવૃત્ત થયા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કર્યા હતા અને શાળાના શૈક્ષણિક તથા સંસ્થાકીય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આ પ્રસંગે શિક્ષિકા શ્રીમતી ભારતીબેન પટેલ દ્વારા પ્રશસ્તિપત્ર પાઠવી રમીલાબહેન પરમારના કાર્યની પ્રશંસા કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન શિક્ષકો, વિદ્યાર્થીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો તેમજ ગામના આગેવાનો દ્વારા તેમના લાંબા શૈક્ષણિક કાર્યકાળને યાદ કરીને તેમની શિસ્તબદ્ધ કાર્યપદ્ધતિ, સહકારભાવ અને વિદ્યાર્થીઓ પ્રત્યેના સમર્પણને બિરદાવવામાં આવ્યા.
સમારંભ દરમિયાન રમીલાબહેનને શાલ-શ્રીફળ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સહકર્મીઓ, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોએ ભાવભીની વિદાય આપી અને તેમના નિવૃત્ત જીવન સુખમય, સ્વસ્થ અને આનંદમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી.
આ કાર્યક્રમમાં તાલુકા કેળવણી નિરીક્ષક પ્રશાંતભાઈ પટેલ, શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ, નવસારી જિલ્લા સંઘના સહમંત્રી ધર્મેશકુમાર પટેલ, ખેરગામ ભાજપના મહામંત્રી ચેતનભાઈ પટેલ, ચીખલી ટીચર્સ સોસાયટીના ઉપપ્રમુખ મનોજભાઈ પટેલ, જનતા કેળવણી મંડળના પ્રમુખ અરવિંદભાઈ પટેલ તથા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ફતેહસિંહ સોલંકી સહિત અનેક આગેવાનો, નિવૃત્ત શિક્ષકો, ગ્રામજનો, સગાસંબંધીઓ અને મિત્રમંડળ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



