જનતા માધ્યમિક શાળા, ખેરગામ ખાતે વિજ્ઞાન પ્રદર્શનનું સફળ આયોજન કરાયું.
ખેરગામ, તા. 05/02/2026
જનતા માધ્યમિક શાળા, ખેરગામ ખાતે નાયક ચેરિટેબલ ટ્રસ્ટ એજ્યુકેશન સોસાયટી, લાર્સન એન્ડ ટુબ્રો તથા અગસ્ત્ય ફાઉન્ડેશનના સહયોગથી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ વીરાણી સાહેબના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટિકરણ અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી ચેતનભાઈ કે. પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મુખ્ય મહેમાન તરીકે ખેરગામના સરપંચશ્રી શ્રીમતી ઝરણાબેન પટેલ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ અને ખેરગામના શૈક્ષણિક ન્યૂઝને પ્રથમ પ્રાધાન્ય આપનાર વત્સલ્યમ ન્યૂઝના પત્રકારશ્રી દિપકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અધ્યક્ષસ્થાનેથી તાલુકા વિકાસ અધિકારીશ્રીએ પોતાના માર્ગદર્શક વક્તવ્યમાં વૈજ્ઞાનિક અભિગમ માનવ જીવનને વધુ સરળ, સુલભ અને ઉપયોગી બનાવે છે તે બાબતે વિસ્તૃત માહિતી આપી હતી. આ વિજ્ઞાન પ્રદર્શનમાં 30 જેટલી વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને ખેરગામ તાલુકાની 12 જેટલી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક નિહાળી સહભાગિતા નોંધાવી હતી.
કાર્યક્રમનું સંચાલન શિક્ષિકાશ્રી ડો. ઉર્વશી હંજનલાલ દવે અને શિક્ષકશ્રી વિપુલ રામચંદ્ર પવાર દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે શિક્ષકશ્રી યોગેશભાઈ લાડ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. શાળાના તમામ શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક કર્મચારીઓના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.




