Valsad : વલસાડ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ૬૩ મેડિકલ ઓફિસરો માટે સર્પદંશની સારવાર અંગે સેમિનાર યોજાયો.
- જિલ્લામાં વર્ષ દરમિયાન અંદાજે ૧૨૦૦ જેટલા કેસ સર્પદંશના હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે.
- સર્પદંશની સારવાર કેવી રીતે કરવી અને સાપની ઓળખ કેવી રીતે કરવી તે અંગેની સમજણ અપાઈ.
વલસાડ જિલ્લામાં ખાસ કરીને ધરમપુર અને કપરાડા તાલુકાનો વિસ્તાર જંગલોથી ઘેરાયેલો હોવાથી વર્ષ દરમિયાન સર્પદંશના ૧૨૦૦ જેટલા કેસ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે આવા સમયે દર્દીને યોગ્ય સારવાર મળી રહે અને જીવ બચી શકે તે માટે વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને મેડિકલ કોલેજના કુલ ૬૩ મેડિકલ ઓફિસરોને સર્પદંશની સારવાર કેવી રીતે કરવી અને ઝેરી તેમજ બિનઝેરી સાપની ઓળખ કેવી રીતે કરી શકાય તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલના તબીબ અને સ્ટેટ લેવલ સ્નેક બાઈટ મેનેજમેન્ટ ટ્રેનર કમ સ્નેક રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન ડો. ડી.સી.પટેલે જિલ્લાના મેડિકલ ઓફિસરોને તાલીમ આપી હતી.
આરોગ્ય શાખાના હોલમાં યોજાયેલા આ સેમિનારમાં ડો. ડી.સી.પટેલે સર્પદંશથી ઝેર લાગે ત્યારે દર્દીને કેવી રીતે સારવાર આપવી, લક્ષણો પરથી કેવી રીતે નિદાન કરવું, એન્ટી વેનમ ઈન્જેક્શન કેટલા અને કેટલા સમયાંતરે આપવા, આ દરમિયાન શું કાળજી રાખવી, કૃત્રિમ શ્વાસ નળી નાંખી કેવી રીતે શ્વાસ લેવો સહિતની બાબતો પીપીટી દ્વારા મેડિકલ ઓફિસરોને સમજાવી હતી. તેમણે વધુમાં દરેક સાપની ઓળખ કેવી રીતે કરવી તે અંગે સમજણ આપતા જણાવ્યું કે, કોઈપણ સાપ મનુષ્યને કરડવા માટે પૃથ્વી પર પેદા થતા નથી. સાપને જ્યારે બીક લાગે ત્યારે તે પોતાના રક્ષણ માટે ડંખ મારે છે. જો કે સાપ ડંખ મારે તે પહેલા અવાજ કાઢી ચેતવે પણ છે. વધુમાં ડો. પટેલે સર્પદંશથી કેવી રીતે બચી શકાય તેની પણ જાણકારી આપી હતી. આ સેમિનારમાં ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામીત અને જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. મનોજ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૬ ફેબ્રુઆરી