Valsad: વલસાડના ભદેલી ગામમાં કોમર્સ કોલેજની સાત દિવસીય એનએસએસ શિબિરનો પ્રારંભ, વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અને ટ્રાફિક સમસ્યા અંગે જાગૃત કરાયા.

SB KHERGAM
0

 

Valsad: વલસાડના ભદેલી ગામમાં કોમર્સ કોલેજની સાત દિવસીય એનએસએસ શિબિરનો પ્રારંભ, વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અને ટ્રાફિક સમસ્યા અંગે જાગૃત કરાયા. 

  •  એનએસએસ શિબિરમાં સમાજ સેવા થકી વિદ્યાર્થીઓ પોતાના જીવનના ઘડતરના મૂલ્યો શીખી ચારિત્ર્યને ઉજાગર કરશે.
  •  વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર વ્યાખ્યાનો આપવામાં આવશે, મેડિકલ કેમ્પ અને ગામની સફાઈ પણ કરાશે.

વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના(NSS)નો વાર્ષિક શિયાળુ કેમ્પનો દેશના ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી મોરારજી દેસાઈના ગામ ભદેલીમાં આજથી પ્રારંભ કરાયો છે. જે તા. ૦૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ કેમ્પમાં વિવિધ વક્તાઓ સહિત વિવિધ વિષયો પર વ્યાખ્યાનો તેમજ મેડિકલ કેમ્પ અને વિવિધ વિષયો પર માહિતી આપવામાં આવશે. 

    ભદેલી ખાતે ઉદઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે નૂતન કેળવણી મંડળના મંત્રી કિર્તીભાઈ દેસાઈએ એનએસએસની શિબિરની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. કેમ્પસ ડાયરેક્ટર ડૉ.નિર્મલ શર્માએ આંનદની લાગણી વ્યક્ત કરી આવા કેમ્પો સમાજ માટે અને વિદ્યાર્થીઓના ઘડતર માટે ખુબ ઉપયોગી જણાવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ.ગિરીશકુમાર એન. રાણાએ રાષ્ટ્રીય સેવા યોજના વિશે માહિતી આપી સામાજિક સેવા માટે વિદ્યાર્થીને સમાજ સેવા થકી સાત દિવસમાં પોતાના જીવનના ઘડતરના મુલ્યો શીખવાના હોય ચારિત્ર્યને ઉજાગર રાખવાનો આગવો પ્રયત્ન કરવો જોઈએ એવુ જણાવ્યું હતું. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને ટ્રાફિક સમસ્યાનું નિવારણ કેવી રીતે કરવું એ અંગે નિવૃત્ત ટ્રાફિક ઈન્સ્પેકટર રાજેન્દ્રભાઈ કાપસેએ અને પ્રાકૃતિક ખેતી વિષય ઉપર આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી ડાયરેકટર ધીરેન એન.પટેલે માર્ગદર્શન આપ્યું હતું. પ્રાથમિક શાળાનાં આચાર્ય અલ્પેશભાઈ લાડે વિદ્યાર્થીઓને ભદેલી ગામમાં રહી અલગ અલગ સેવા માટે કાર્ય કરી એક આગવું ઉદાહરણ પૂરું પાડવા પહેલ કરી હતી. ભદેલી ગામના ઉપસરપંચ કેવિન આહિરે મોરારજીભાઈ દેસાઈ આ પ્રાથમિક શાળામાં ભણ્યા હોવાથી આ ગામમાં આવેલા સર્વનું સ્વાગત કરી દરેક પ્રકારના કાર્યમાં સહાય કરવા ખાતરી આપી હતી. ભદેલી ગામના શિક્ષક અને લેખક મંગુભાઇએ પ્રસંગોચિત આવકાર અને વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા.

આગામી દિવસોમાં કેમ્પ દરમ્યાન આયુર્વેદિક ટ્રીટમેન્ટ કેમ્પ અને ગામની સફાઈનો કાર્યક્રમ પણ યોજાશે. તા. ૩ ફેબ્રુ.એ ધરમપુર વનરાજ કોલેજના અધ્યાપક પ્રો.શૈલેષભાઈ રાઠોડ એન એસ એસ વિશે વાત કરશે અને ભીડભંજન મહાદેવ મંદિરના ટ્રસ્ટીશ્રી શિવજી મહારાજ ડી એડીક્શન અને સોશિયલ રીફોર્મ વિશે વાત કરશે. તા. ૪ ફેબ્રુ.એ યોગ બોર્ડના વલસાડના કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે યોગ અને મેડિટેશન વિશે માહિતી આપશે. તા. ૫ ફેબ્રુ.ના રોજ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વીર નર્મદ યુનિ.ના એનએસએસના કો-ઓર્ડિનેટર પ્રકાશ ચંદ્રા અને ભદેલી પ્રાથમિક શાળાના આચાર્ય અલ્પેશ લાડ અને ગામના સરપંચ અજય રાઠોડ માહિતી આપશે.         

  એનએસએસ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર એમ.જી.પટેલે સ્વાગત અને આભારવિધિ કરી હતી. એનએસએસના પ્રોગ્રામ ઓફિસર સર્વ ડૉ.આર જી.પવાર, પ્રો.એમ.એમ .જરીવાલા તેમજ પ્રો. ચિરાગ રાણા કાર્યક્રમ માટે તેમજ સાત દિવસના કેમ્પ માટે પરિશ્રમ કરી રહ્યા છે. આ સાત દિવસમાં વિદ્યાર્થીઓના સર્વાંગિક વિકાસ, સામાજિક ઘડતર તેમજ વ્યવસ્થિત વ્યવહારનો અનોખો સંગમ, ચારિત્ર્ય ઘડતર, શ્રમદાન તેમજ અનેક પ્રકારના વ્યાખ્યાનોનો વિદ્યાર્થીઓને લાભ મળશે.    

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ફેબ્રુઆરી 


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top