Navsari : ગણદેવી તાલુકાની વાઘરેચ પ્રા. શાળાની શિક્ષિકા ‘નેશનલ ઈનોવેટિવ એજ્યુકેશન રત્ન એવોર્ડ' માટે પસંદગી પામી.
દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતા ઈનોવેટિવ એક્ટિવિટીઝ ગ્રુપ ઓફ ઇન્ડિયાની છત્તીસગઢની ટીમ દ્વારા આયોજીત નેશનલ ઈનોવેટિવ એજ્યુકેશન રત્ન એવોર્ડ- ૨૦૨૪ ગણદેવી તાલુકાના વાઘરેચ ગામની બુનિયાદી મિશ્ર શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા કીર્તિબેન ઓજસકુમાર પટેલને મળતાં શિક્ષક સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઇ હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ એવોર્ડ માટે અનેક તબકકામાંથી પસાર થવું પડે છે અને ગૃપની ઉચ્ચસ્તરીય પસંદગી સમિતિમાં પસંદ થયા બાદ જ એવોર્ડ મળતો હોય છે. આ એવોર્ડ આપતી રાષ્ટ્રીય કક્ષાના ઇનોવેટિવ એક્ટિવિટિઝ ગૃપ ઓફ ઇન્ડિયાના વડા સંજીવકુમાર સૂર્યવંશી છે. જેઓ બાળકોના સર્વાંગ વિકાસ અને નવીનત્તમ કાર્યો માટે સમગ્ર દેશમાં ઉત્તમ શિક્ષક તરીકેની નામના ધરાવે છે. કીર્તિબહેન પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે રાષ્ટ્રીય કક્ષાએ લગભગ ૭૦૦થી વધુની પસંદગી થઈ હતી. આ તમામના શોર્ટલિસ્ટ કર્યા બાદ પસંદગી સમિતિએ ૧૧૫ શિક્ષિકોને એવોર્ડ માટે પસંદ કર્યા હતા. ગુજરાત રાજ્યમાંથી આશરે દશેક શિક્ષકોની પસંદગી થઈ હતી.. તેમાંથી ત્રણેક શિક્ષકોને એવોર્ડ માટે પસંદ કરાયા હતા.
જો કે, નવસારી જિલ્લામાંથી કીર્તિબેન એકમાત્ર શિક્ષક હતા. કીર્તિબેન પટેલ બાળકોના વિકાસ માટે શિક્ષણ ક્ષેત્રના ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ તેઓને અનેક એવોર્ડ મળી ચૂકયાં છે. આ નેશનલ ઈનોવેટિવ શિક્ષારત્ન એવોર્ડ માટે પણ કીર્તિબહેન પટેલની કામગીરીની ચકાસણી, પુરાવા રૂપે દસ્તાવેજોની ચકાસણી અને ઉચ્ચસ્તરીય પસંદગી સમિતિના ઈન્ટરવ્યૂમાંથી પસાર થવું પડયું હતું. સંસ્થાના દરેક તબક્કામાંથી પસાર થઈ કીર્તિબહેન પટેલે નેશનલ ઈનોવેટિવ શિક્ષારત્ન એવોર્ડ-૨૦૨૩ પ્રાપ્ત કર્યો છે. જે બદલ તેમની શાળાના આચાર્ય અને સાથી શિક્ષકોએ ગૌરવની લાગણી સાથે અભિનંદન આપ્યા હતા.