વલસાડના સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ ખાતે ફિલ્ડ ડે અન્વયે કપરાડા તાલુકાના ખેડૂતોનું સેન્ટર પર નિદર્શન.
વલસાડના સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ ખાતે ફિલ્ડ ડે અન્વયે કપરાડા તાલુકાના ૬૦ જેટલા ખેડૂતોએ સેન્ટર પર નિદર્શન કરવામાં આવ્યું. છુટા ફૂલોની ખેતી જેમાં ગલગોટા, દેશી ગુલાબ, ગ્લેડીયોલ્સ, રજનીગંધા, સેવતી, ગોલ્ડન રોડ વગેરેની તેમજ રક્ષિત ખેતીમાં ઓર્કિડ, એન્થુરીયમ, જીપ્સોફીલા, સોંગ ઓફ ઇન્ડિયા, ડચ રોઝ, જર્બેરા, હાઈબ્રીડ સેવંતી વગેરેના નિદર્શન પ્લોટની મુલાકત લઈ પ્રત્યક્ષ ખેતીનું માર્ગદર્શન, માહિતી તેમજ તેની વેચાણ વ્યવસ્થા વિશે જાણકારી મેળવી હતી.
તેમજ આ સેન્ટર ખાતે છેલ્લા ૩૦ દિવસથી અસ્પી કોલેજ ઓફ હોર્ટીકલ્ચર નવસારીનાં ૭૦ જેટલા વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. એ તાલીમ પૂર્ણ થયાના અનુલક્ષે એમનો વિદાય સમારંભની યાદગીરી માટે ખેડૂતો, વિદ્યાર્થીઓ અને બાગાયત ખાતાના તમામ અધિકારી મિત્રો સાથે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાગાયત ખાતાના વડા ડૉ. પી. એમ. વઘાસીયા કૃષિ ભવન, ગાંધીનગર ખાતેથી ઓનલાઈન માધ્યમથી જોડાઈ વિદ્યાર્થીઓને બાગાયત ક્ષેત્રે ઉભી થનારી તકો અને એ તકોને અવસરમાં બદલી ઉચ્ચ કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા તેમજ ઉપસ્થિત ખેડૂતોને બાગાયતી ખેતી થકી આત્મનિર્ભર થાય, એમની આવક બમણી થાય અને અન્ય ખેડૂતોને દાખલારૂપ ખેતીથી બાગાયત ખેતી તરફ વળે એ માટે બાગાયત ખેતીની માહિતી આપી અને ખેડૂતો સાથે સંવાદ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં નવસારી અને સુરત જીલ્લાનાં નાયબ બાગાયત નિયામક શ્રી ડી.કે.પડાળીયા દ્વારા વિદ્યાર્થીઓને બાગાયત ક્ષેત્રને એ ઉદ્યોગ તરીકે કારકિર્દીમાં આગળ વધવા અપીલ કરી તેમજ જિલ્લાનાં નાયબ બાગાયત નિયામકશ્રી એન. એન. પટેલ દ્વારા ખેડૂત મિત્રોને બાગાયત ખાતાની યોજનાઓ વિશે માહિતગાર કરી લાભ લેવા જણાવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લાનાં બાગાયત ખાતાના તમામ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો.