સક્સેસ સ્ટોરી : PMJAY યોજના ગરીબ બાળકોને તંદુરસ્ત સ્વાસ્થ્ય બક્ષી રહી છે.

SB KHERGAM
0

 


સક્સેસ સ્ટોરી : PMJAY યોજના ગરીબ બાળકોને તંદુરસ્ત સ્વાસ્થ્ય બક્ષી રહી છે.

મિતેષના ફાટેલા હોઠની જન્મજાત બીમારીનું વિનામુલ્યે ઓપરેશન થતાં કાલીઘેલી બોલી સંભળાશે.

કપરાડાના વાવર ગામના અત્યંત ગરીબ પરિવારના બાળકનું ૫૦ હજારના ખર્ચે થતું ઓપરેશન PMJAY યોજના હેઠળ વિનામુલ્યે કરાયું.

આરબીએસકેની ટીમે હોમ વિઝિટ દરમિયાન બાળકની તપાસ કરી, પરિવારને સમજાવટ બાદ ઓપરેશન માટે મનાવ્યો .

છૂટક મજૂરી કામ કરીને જીવન ગુજારો કરતા પરિવારમાં બાળકને જ્યારે જન્મજાત બીમારી કે શારિરીક ખામી આવે ત્યારે પરિવારના માથે આભ તૂટી પડે છે. આટલી ટૂંકી આવકમાં માત્ર ઘર ચાલતું હોય ત્યારે બાળકનો ઈલાજ કેવી રીતે કરાવવો? બાળક સારૂ થશે કે કેમ? એવા અનેક પ્રશ્નો ઘેરી વળે છે. પરંતુ ભારત સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આ દરેક પ્રશ્નોના વંટોળમાંથી મુક્તિ અપાવી બાળકને સ્વસ્થ અને તંદૂરસ્ત ભવિષ્ય પણ પ્રદાન કરે છે.  


આવો જ એક કિસ્સો વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકાના વાવર ગામનો છે. વાવર ગામના રીથમાળ ફળિયાના અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલા બાળક મિતેષ માધવ વાઘલાને જન્મથી જ યુનિલેટરલ ક્લેફ્ટ લીપ(ફાટેલા હોઠ)ની તકલીફ હતી. ત્યારે આરબીએસકેની ટીમ ૨૭૫ને આ બાળકની બીમારી વિશે તેના જન્મના થોડા દિવસો બાદ તા. ૧૬-૩-૨૦૨૩ના રોજ હોમ વિઝિટ દરમિયાન જાણ થઈ. સંપૂર્ણ મેડિકલ તપાસ કર્યા બાદ પરિવારને આ તકલીફ આરોગ્ય સારવાર દ્વારા દૂર થઈ શકે છે તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સરકાર વિના મૂલ્યે આ ઓપરેશન કરાવી આપે છે એમ જાણાવ્યું હતું. ડો. કિંજલ પટેલ અને એમની ટીમના ડો. ડિમ્પી પટેલ દ્વારા સારવારની પ્રક્રિયા વિશે સમજાવટ અને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઘણી સમજાવટ બાદ તા.૨૦-૦૩-૨૦૨૩ના રોજ બાળકનો પરિવાર વાપીની હરિયા એલ. જી. હોસ્પિટલમાં બાળકને સારવાર અંગે લઈ જવા તૈયાર થયો હતો. 


બાળકને વાપીની હરિયા એલ. જી. રોટરી હોસ્પિટલમાં ઓપરેશન માટે માટે રિફર કર્યો હતો. પરંતુ તે સમયે બાળકનું વજન સામાન્ય કરતા ઓછું હોવાથી આરબીએસકેની ટીમે બાળકને સતત ઓબઝર્વેશનમાં રાખ્યો હતો અને માતાને જરૂરી પોષણયુક્ત ખોરાક વિશે માહિતી આપી જેથી બાળકનું વજન થોડા જ સમયમાં સામાન્ય થઈ ગયું હતું. ત્યારબાદ આયુષય્માન કાર્ડના લાભ હેઠળ તા. ૨૮-૧૦-૨૦૨૩ના રોજ હરિયા એલ. જી. રોટરી હોસ્પિટલમાં બાળક મિતેષના ક્લેફ્ટ લીપનું વિના મૂલ્યે સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું.

હાલમાં મિતેષ સંપૂર્ણ સ્વસ્થ અને તંદૂરસ્ત છે, આરબીએસકેની ટીમ સમયાંતરે તેમના ઘરની વિઝિટ લઈ બાળકના વજન અને આરોગ્યની તપાસ કરતી રહે છે. તેમજ બાળકની ઉંમર છ મહિનાથી વધુ થતાં તેને જરૂરી પોષકતત્વો ધરાવતો ખોરાક આપવો જેથી તેની તંદુરસ્તી જળવાઈ રહે તેનું પણ સતત માર્ગદર્શન આપી રહી છે.    


આરબીએસકે ટીમના ડો. કિંજલ પટેલેએ જણાવ્યું હતું કે, મિતેષ વિશે હોમ વિઝિટ દરમિયાન જાણ થઈ હતી. જરૂરી મેડિકલ તપાસ કરી હતી અને પરિવારને બાળકની સારવાર કરાવવા સમજાવ્યો હતો. આ ઓપરેશન આશરે રૂ. ૫૦ હજારના ખર્ચે થાય છે પરંતુ બાળકના પરિવારની આર્થિક પરિસ્થિતિને જોતા આયુષ્યમાન કાર્ડ હેઠળ વિના મુલ્યે ઓપરેશન કરાવવા માટે રિફર કર્યો હતો. ટીમે સતત વિઝિટ દ્વારા ઓપરેશન બાદ રાખવી પડતી કાળજી વિશે માર્ગદર્શન અને મેડિકલ તપાસ માટે હોમ વિઝિટ કરી છે. હવે બાળક એકદમ સ્વસ્થ છે તેથી સરકારની આ યોજના જરૂરિયાતમંદો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

મિતેષની માતાએ સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી છે, મિતેષને જન્મ સમયથી જ આ તકલીફ હતી. આરબીએસકેના ડોક્ટરોએ એની તપાસ કરીને હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા કહ્યું હતું. સરકાર આયુષ્યમાન કાર્ડથી તમામ ખર્ચ આપશે અને ઓપરેશનથી બાળકને સારૂ થઈ જશે એમ સમજાવ્યું હતું. તેથી વાપીની હોસ્પિટલમાં વિનામુલ્યે ઓપરેશન થયું અને હવે બાળકને એકદમ સારૂ છે. ડોક્ટરો પણ ઘરે આવીને બાળકની તપાસ કરે છે તેથી હું દરેકનો આભાર માનું છું.

સંકલન – સલોની પટેલ

માહિતી સ્રોત : માહિતી બ્યુરો. વલસાડ 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top