પુસ્તક મેળો 2025: નવસારીમાં જ્ઞાન અને સાહિત્યનો મહોત્સવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જ્ઞાન, વાંચન અને પુસ્તકપ્રેમની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા હેતુસર “પુસ્તક મેળો 2025”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ મેળાનું લોકાર્પણ દિનદયાળ ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લુંસીકુઇ ખાતે ધારાસભ્યશ્રી તથા મ્યુનિસિપલ કમિશનરશ્રીના વરદહસ્તે થયું.
૭ થી ૧૦ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન દરરોજ સવારે ૧૧ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી મેળો જનતા માટે ખુલ્લો રહેશે. મેળામાં વિવિધ પ્રકાશકો, લેખકો, શૈક્ષણિક સંસ્થાઓ અને પુસ્તકપ્રેમીઓ માટે વિવિધ વિષયોના પુસ્તકોનું પ્રદર્શન તથા વેચાણ યોજાયું છે. ધારાસભ્યશ્રીએ વાંચનને જ્ઞાનનો મૂળ સ્ત્રોત ગણાવ્યો અને બુદ્ધિપ્રધાન વાતાવરણ નિર્માણમાં આવા કાર્યક્રમોની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી.
કમિશનરશ્રીએ પુસ્તકોને વ્યક્તિત્વ ઘડવાની શક્તિ ગણાવી અને નવી પેઢીમાં વાંચનની ટેવ વિકસાવવાની જરૂરિયાત વ્યક્ત કરી. નાગરિકો, વિદ્યાર્થીઓ અને અધિકારીઓની ઉત્સાહી હાજરી વચ્ચે મેળામાં બાળ સાહિત્યથી લઈને આધુનિક વિચારસરણી સુધીના પુસ્તકો ઉપલબ્ધ રહ્યા, જેના કારણે વાંચનપ્રેમીઓમાં ઉત્સાહની લહેર જોવા મળી.



