મિત્ર સોલી આદમના નવા બંગલાનું ઉદ્ઘાટન કરવા સુનિલ ગાવસ્કર સિમલક ગામે આવ્યા.

SB KHERGAM
0


image courtesy: Instragram 

મિત્ર સોલી આદમના નવા બંગલાનું ઉદ્ઘાટન કરવા સુનિલ ગાવસ્કર સિમલક ગામે આવ્યા.

નવાબને કારણે સચીન રેલવે સ્ટેશન નામ અપાયું

રેલવે દ્વારા કોઇ પણ રેલવે સ્ટેશનનું નામ નક્કી કરવામાં આવે તો રેવન્યુ રેકર્ડ પર તે જમીનની નોંધણી કયા વિસ્તાર તરીકે થયેલી છે તેના આધારે નામકરણ કરવામાં આવતું હોય છે. તેવી જ રીતે સચિન રેલવે સ્ટેશનનો વિસ્તાર રેવન્યુ રેકર્ડ પર કનસાડના નામે નોંધાયેલો હોવાથી રેલવેએ કનસાડ રેલવે સ્ટેશન નામ આપવાનું નક્કી કર્યું હતું પરંતુ સચીનના નવાબે તે રેલવે સ્ટેશનનું નામ સચીન આપવાની વાત કરતા આખરે રેલવે તંત્રએ સચીન રેલવે સ્ટેશન નામ આપ્યું હતું.

વર્ષ1983ના ક્રિકેટ વર્લ્ડ કપની વિજેતા ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર, વર્લ્ડ ક્રિકેટના દિગ્ગજ બેટસમેન સુનિલ ગાવસ્કર ગઈકાલે નવસારી જલાલપોર તાલુકાના સિમલક ગામના વતની અને લંડનના મિત્રના ઘરનું ઉદ્ઘાટન કરવા સિમલક પહોંચ્યા હતા. લંડનમાં વર્ષોથી રહેતા મૂળ સિમલકના ક્રિકેટ પ્રેમી સોલી ઉર્ફે સુલેમાન આદમ, સુનિલ ગાવસ્કર સાથે 1971 થી મિત્રતા ધરાવે છે.

ક્રિકેટર સુનિલ ગાવસ્કરે સિમલક ગામ અને શાળાની મુલાકાત લીધી મિત્રના ગુજરાતી સાત્વિક ભોજન જમ્યા બાદ મુંબઈ જવા રવાના થયા હતા. પૂર્વ દિગ્ગજ બેટસમેન સુનિલ ગાવસ્કર સીમલક ગામે મિત્રના ઘરે પહોંચતા સમગ્ર ગ્રામજનો તેમને જોવા ઉમટી પડયા હતા.

ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત વર્ષ 1983 માં કપિલ દેવની કેપ્ટનશીપમાં વર્લ્ડ કપ જીત્યું હતું.

અગાઉ યુકેમાં સ્થાયી થયેલા સુલેમાન ઉર્ફે સોલી સઈદ આદમ ક્રિકેટ પ્રત્યેના લગાવ કારણે વર્ષોથી વિશ્વના ક્રિકેટરોના સંપર્કમાં આવ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ સોલી આદમ સાથે વર્ષોથી ઘરોબો ધરાવે છે, જેમાં 1971થી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર સાથે સંપર્ક થયો અને ત્યારથી બંધાયેલી મિત્રતા આજે પણ અકબંધ રહી છે.

ગાવસ્કર સાથે સોલી આદમની મિત્રતા 52 વર્ષે આજે ભાઈ - ભાઈ જેવી છે. ત્યારે હાલમાં સોલીએ સીમલક ગામનું તેમનું પૈતૃક મકાન તોડીને નવું બનાવડાવ્યું છે, જેમાં ગૃહપ્રવેશ કરતા પૂર્વે તેમણે ભારતના પ્રથમ લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરને આમંત્રણ આપ્યું હતું. 

પરંતુ વિશ્વ કપ ચાલતો હોઈ સુનીલ ગાવસ્કર અતિવ્યસ્ત હોવાને કારણે આવી શક્યા નહોતા. જોકે વિશ્વ કપ બાદ આવવાનો મિત્ર સોલીને વાયદો આપ્યો હતો, એ ગત રોજ ગાવસ્કરે પૂરો કર્યો હતો.

બેંગલુરુથી ફ્લાઇટ લઈને સુરત -અને ત્યાંથી સીમલક પહોંચતાં જ સોલી આદમના નવા ઘરમાં રિબન કાપીને સુનીલ ગાવસ્કરે મિત્ર સોલી અને તેના પરિવારને ગૃહપ્રવેશ કરાવ્યો હતો. ગામમાં સુનીલ ગાવસ્કર આવ્યા હોવાનું જાણતાં જ ગામ આગેવાનોએ એક સન્માન સમારોહ યોજી તેમને ઉત્સાહ સાથે સન્માનિત કર્યા હતા. 

જયાં ગામના લોકો વચ્ચે સુનીલ ગાવસ્કરે તેમને ગુજરાતી આવડતી હોવાની વાત કરી તેમનો ભાષાપ્રેમ વ્યક્ત કર્યો હતો. એક રાત રોકાઈ આજે સવારે ગાવસ્કરે ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો, જેમાં કડી ખીચડી, રીંગણ-બટાટાનું શાક, રોટલી, રાઈતું અને મીઠો ભાતનું સાચું ભોજન જમ્યા હતા. 

ત્યાર બાદ મુંબઈ માટે રવાના થયા હતા, પરંતુ એ પૂર્વે તેમના ક્રિકેટ ચાહકોને નાની મુલાકાત આપી હતી, જેમાં નાનાં બાળકોએ તેમના બેટ ઉપર સુનીલ ગાવસ્કરના ઓટોગ્રાફ મેળવી જીવનભરની યાદો બનાવી હતી. 

મૂળ નવસારીના ક્રિકેટર અને યુકેમાં ક્રિકેટમાં મોટું નામ ધરાવતા સોલી આદમના ઘરે ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ રહ્યા પણ છે અને તેમની સાથે સોલીનો પારિવારિક ધરોબો પણ છે. સોલીને ત્યાં સચિન તેંડુલકર તેના ક્રિકેટ કેરિયર શરૂઆતી વર્ષોમાં 4 મહિના રહ્યો હતો. જ્યાં ઈંગ્લેન્ડના યોકશાયર ક્લબમાં વિદેશી ક્રિકેટરોને એન્ટ્રી ન હતી, ત્યાં સોલીના પ્રયાસોથી પ્રથમ વખત સચિન તેંડુલકરને ક્રિકેટ રમવા માટે સાઈન કરવામાં આવ્યો હતો. 

ભારતીય ક્રિકેટના કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, બ્રિજેશ પટેલ, સ્વ. બિશન સિંહ બેદી, અશોક માંકડ, વીવીએસ લક્ષ્મણ, વિનોદ કાંબળી તેમજ પાકિસ્તાન અને વિશ્વના અન્ય દેશોના અનેક નામી ક્રિકેટરો સોલી આદમના ઘરે રહી ચુક્યા છે અને તેમનાં પત્ની મરિયમ આદમના હાથની રસોઈ જમ્યા છે.

Video courtesy: sandesh news

સુનિલ ગાવસ્કરે સુરત અને વલસાડની મુલાકાતો વાગોળી.

માસ્ટર બ્લાસ્ટરનું બિરુદ મેળવનાર સુનિલ ગાવસ્કરે સુરત અને વલસાડની મુલાકાતો રસ લઈને વાગોળી હતી. તેમણે ગામમાં ભેગા થયેલા ક્રિકેટ પ્રેમીઓને કહ્યું હતું કે 'હું બરાબર 40 વર્ષ પહેલા સુરત આવ્યો હતો. 35 વર્ષ થયાં હશે ક્યારેક વલસાડમાં રણજી ટ્રોફી મેચ રમવા આવ્યો હતો. ઘણા વર્ષો પછી હું આ બેલ્ટમાં આવ્યો છું, મોકો મળતો ન હતો. સોલીભાઈએ બોલાવ્યો એટલે આવ્યો.

સોલીના પત્નીની કાળજી લેવા ગાવસ્કરે ડોક્ટરને વિડીયો કોલ કર્યો હતો.

સોલી આદમ કહે છે કે ગાવસ્કર મારા મિત્ર છે. અને એ દોસ્તી ભાઈની છે. તેઓ મને મોટાભાઈ તરીકે માન આપે છે. અને મારુ કોઇપણ કામ હોય તેઓ તે પૂર્ણ કરે છે. એક સમય એવો હતો જ્યારે મારા પત્ની બિમાર હતા ત્યારે એ સમયે તેઓ આફ્રિકા હતા. ત્યારે વીડિયો કોલથી ડોક્ટરને મારા ભાભીની કાળજી રાખજો એવું વીડિયો કોલથી કહ્યું અને ઈંગ્લેન્ડ આવે ત્યારે ચોક્કસ મુલાકાત કરશે એવી બાંહેધરી આપી મનને હળવું કર્યું હતું. હું ક્રિકેટનો ચાહક છું ઈંગ્લેન્ડમાં હું માઇનર કાઉન્ટી રમ્યો છું.

સુનિલ ગાવસ્કર સચિન રેલવે સ્ટેશને કેમ ગયા?

નવસારીના જલાલપોર તાલુકાના સિમલક ગામની મુલાકાતે આવેલા અને રમુજી સ્વભાવ ધરાવતા સુનિલ ગાવસ્કર સાથે રમૂજ કરવામાં આવી કે અમારે ત્યાં એક રેલવે સ્ટેશનનું નામ સચિન છે. ત્યારે તેઓ આશ્ચર્યચકિત થયા હતા. તેમણે સચિન રેલવે સ્ટેશનજોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પણ સચિન સ્ટેશનનું નામ સચિન તેંડુલકરનાં જન્મ પૂર્વેથી છે. એ જાણી ખડખડાટ હસ્યાં હતા. તેમણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સચિન રેલવે સ્ટેશનની મુલાકાતનો ફોટો શેર કરી લખ્યું હતું કે, છેલ્લી સદીમાં સુરત નજીકના રેલ્વે સ્ટેશનનું નામ આપણી રમતના સર્વકાલીન મહાન ખેલાડીઓમાંના એક અને મારા ફેવરિટ ક્રિકેટરનું નામ રાખનારાઓની શું દૂરંદેશી છે, પરંતુ સૌથી અગત્યની બાબત એ છે કે તે મારી પ્રિય વ્યક્તિ છે.

બાળકોને પ્રેમથી બેટ પર ઓટોગ્રાફ આપી કહ્યું: 'ખૂબ ભણજો'

સુનિલ ગાવસ્કરે સિમલક ગામની શાળાની મુલાકાત લીધી હતી. અહીં એમના માનમાં સન્માન સમારોહ યોજાયો હતો. અહીં ટૂંકું વક્તવ્ય આપતા કહ્યું હતું કે, ‘બચ્ચાં પાર્ટી ખૂબ ભણજો, શિક્ષણ ભવિષ્યમાં ખૂબ કામ આવશે'. બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યાં બાળકોએ તેમની બેટ ઉપર સુનિલ ગાવસ્કરનો ઓટોગ્રાફ મેળવ્યો હતો.

ભાભીના હાથના બનેલા ગુજરાતી ભોજનની વાત જ જુદી હોય છે : સુનિલ ગાવસ્કર

સુનિલ ગાવસ્કરનો આગ્રહ હતો કે, ભારે ભરખમ ભોજન બનાવવાની કે લાવવાની જરૂર નથી. ભાભીના હાથનું બનેલું સાત્વિક ગુજરાતી ભોજન આરોગવાની વાત જ જુદી હોય છે. સુલેમાન ઉર્ફે સોલીના ઘરે તેમની પત્નીના હાથથી બનાવેલું સાત્વિક ગુજરાતી ભોજન જેમાં રીંગણ બટાકાનું શાક, રોટલી, કાઢી-ખીચડી, રાયતું અને મીઠો ભાત જમ્યા હતા. ત્યારબાદ તેઓ મુંબઈ જવા રવાના થયા હતા.
Post credit: Gujaratmitra newspaper





Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top