રામાયણકાળથી જોડાયેલું ધરમપુરનું પૌરાણિક ગામ – મૃગમાળ(મરઘમાળ)
દક્ષિણ ગુજરાતના ધરમપુર તાલુકામાં આવેલું મૃગમાળ (અથવા મરઘમાળ) ગામ ઐતિહાસિક અને પૌરાણિક વારસાથી સમૃદ્ધ છે. માન અને તાન નદીના સંગમસ્થળે વસેલું આ ગામ, જ્યાંથી ઔરંગા નદીની શરૂઆત થાય છે, લગભગ ૩,૦૦૦ વસ્તી ધરાવે છે. અહીં ધોડિયા, નાયકા અને કોળચા જ્ઞાતિઓના લોકો મુખ્યત્વે વસે છે.
સ્વ. ચંદ્રકાંત પંડ્યાની આત્મકથા ‘બાનો ભિખ્ખુ’ મુજબ, “મૃગમાળ” શબ્દ ‘મૃગમાર’નો અપભ્રંશ છે. કહેવાય છે કે રામાયણકાળમાં ભગવાન શ્રીરામે અહીં માયાવી મૃગને તીર વડે મર્યો હતો, જેના સ્મરણરૂપે આ સ્થાનનું નામ “મૃગમાર” પડ્યું, જે પછી “મૃગમાળ” બન્યું. આજેય ગામમાં “રામકુંડ ફળિયું” એ ઐતિહાસિક સંસ્મરણને જીવંત રાખે છે.
ગામના મુખ્ય મંદિરોમાં રામ-સીતા અને રામરામેશ્વર મહાદેવ મંદિર, જલારામ મંદિર, તથા મા અંબા ભવાની મંદિરનું ધાર્મિક મહત્વ છે. રામનવમી, મહાશિવરાત્રિ અને નવરાત્રિ પ્રસંગે અહીં લોકમેળા ભરાય છે.
ગામમાં નામની વિરુદ્ધતા (મૃગમાળ–મરઘમાળ)ને કારણે વહીવટી મુશ્કેલીઓ ઉભી થાય છે. ૨૦૦૩માં ગ્રામસભાએ મૂળ “મૃગમાળ” નામ પુનઃસ્થાપિત કરવાનો ઠરાવ કર્યો હોવા છતાં તે અમલમાં આવ્યો નથી. કૃષિ આધારિત આ ગામ પ્રાચીન સંસ્કૃતિ અને રામાયણકાળની પરંપરાનો જીવંત સાક્ષી છે.

