Dang news: ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો સેવા સેતુ કાર્યક્રમ :
સેવા સેતુ કાર્યક્રમ : દસમો તબક્કો, જિલ્લો ડાંગ
આહવા તાલુકાના ચિકટીયા અને વઘઈ તાલુકાના નડગચોંડ ખાતે યોજાયા સેવા સેતુના કાર્યક્રમો :
(ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૪: રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે, તથા વહીવટમા કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા અને જવાબદારીપણાની બાબત રાજ્ય સરકાર માટે હાર્દ સમાન ગણાય છે. જેને ધ્યાને લઈ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણ નજીકના સ્થળે તે જ દિવસે ઉકેલાય શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ, ગત તારીખ ૧૭મી સપ્ટેમ્બરથી, ડાંગ જિલ્લામા સેવા સેતુના દસમા તબક્કાનો પ્રાંરભ કરવામા આવ્યો છે.
આ કાર્યક્રમના અનુસંધાને વઘઈ તાલુકાના નડગચોંડ પ્રાથમિક શાળા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે બીજો કાર્યક્રમ આહવા તાલુકાના ચિકટીયા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો. આ સેવા સેતુના કાર્યક્રમમા સરકારના જુદાં જુદાં કુલ ૧૩ વિભાગની કુલ પચાસથી વધુ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આપવામા આવી રહ્યો છે.
આ પ્રસંગે શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતું કે, છેવાડાના લોકો સુધી જન કલ્યાણકારી યોજનાઓ પહોચાડવા સરકારશ્રીએ સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે. સેવા સેતુના કાર્યક્રમમા લોકોને એક જ સ્થળે સરકારી જન કલ્યાણકારી યોજનાઓના સરળતાથી લાભો મળે છે, અને આ કાર્યક્રમમા લોકો આશાઓ લઇને આવતા હોય છે ત્યારે તેઓની આશા પુરી કરવા અને યોજનાઓનો લાભ આપવા સરકારી અધિકારી/કર્મચારીઓને શ્રી પટેલે આહવાન કર્યુ હતુ.
તેમજ મહિલાઓ માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, રોજગારલક્ષી પી.એમ.વિશ્વકર્મા યોજના, તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના આયુષ્માન કાર્ડ હેઠળ ઉપલબ્ધ રૂપિયા ૧૦ લાખ સુધીની તબીબી સારવાર માટેના કાર્ડ મેળવી લેવા પણ સ્થાનિક લોકોને ખાસ અપીલ કરી હતી. આ યોજનાઓના લાભ માટેના આનુસંગિક પ્રમાણપત્રો, દસ્તાવેજો પણ, આ સેવા સેતુ કાર્યક્રમમા ઉપલબ્ધ હોવાથી, અરજદારોને એક જ સ્થળે વિવિધ સેવાઓ મળી રહેશે. આથી સરકારના આ હકારાત્મક કાર્યક્રમોનો વધુમા વધુ લાભ લેવા માટે શ્રી વિજયભાઇ પટેલે અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત ડાંગ જિલ્લાના ખેડુતો જેઓને વિજ કનેક્શન માટે થાંભલો કે તાર ખેતર સુધી લઇ જવા માટે હવે, સરકાર દ્વારા ફક્ત ડાંગ જિલ્લામા, વિનામુલ્યે વીજ વિભાગ દ્વારા સેવાઓ અપાશે, તેમ પણ શ્રી વિજયભાઇ પટેલે વધુમા જણાવ્યું હતુ.
સરકાર અને પ્રજા વચ્ચે સેતુ બાંધવાનો કાર્યક્રમ, જે સેવા સેતુ કાર્યક્રમ છે. સરકાર હમેંશા પ્રજાહિતને પ્રથમ રાખે છે. સરકાર જ્યારે સેવા સેતુ કાર્યક્રમ મારફત આપણા દ્વારે આવે છે ત્યારે, સરકારની વ્યક્તિગત સેવાનો મહત્તમ લાભ લેવા, તેમજ ગામના અન્ય લોકોને પણ સેવા સેતુ અંગે જાણ કરવા વધઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિતે લોકોને અનુરોધ કર્યો હતો.
લોકોને આધાર કાર્ડ કે.વાય.સી કરવામા ખુબ જ તકલીફો પડતી હોય છે ત્યારે, આજના સેવા સેતુના કાર્યક્રમમા ત્રણ કિટ લાવી આધારની સેવાઓ પુરી પાડવામા આવશે. તેમજ આગામી સમયમા પંચાયત કક્ષાએ જ સરકારની સેવાઓનો લાભ પુરો પાડવામા આવશે તેમ, વઘઇ તાલુકાના મામલતદાર શ્રી એમ.આર.ચૌધરીએ પોતાના પ્રાસંગિક વકતવ્યમા જણાવ્યુ હતુ.
આ કાર્યક્રમમા વઘઇ તાલુકા પંચાયત માજી પ્રમુખ શ્રીમતી શકુંતલાબેન પવાર, નડગચોન્ડ ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી અરુણાબેન ભોયે, માનમોડી ગૃપ ગ્રામ પંચાયતના માજી સરપંચ શ્રી નગીનભાઇ ગાવિત, ભાજપા મહામંત્રી શ્રી દિનેશભાઇ ભોયે, સહિત વઘઈ તાલુકા વિકાસ અધિકારી શ્રી મીનાબેન પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સીતારામ ભોયે, તાલુકા આરોગ્ય અધિકારી શ્રીમતી સ્વાતિબેન, નાયબ મામલતદાર શ્રી પ્રકાશભાઇ મહાલા સહિતનાં અધિકારી, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Courtesy: info Dang gog