Dang::ડાંગ જિલ્લા ખાતે "રાષ્ટ્રીય સુરક્ષા સલામતી" અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

SB KHERGAM
0

Dang::ડાંગ જિલ્લા ખાતે  "રાષ્ટ્રીય સુરક્ષા સલામતી" અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય તથા નાગરીકોમાં રોડ સેફટી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ કેળવાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજાયા.

ચાલુ વર્ષે તા.૧૫ જાન્યુઆરીથી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસની ઉજવણી કરાઇ.

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૩: દરેક વ્યક્તિઓ પોતે અને પોતાનો પરિવાર સુરક્ષિત રહે એવી ઇચ્છા રાખતો હોય છે. લોકોની આત્મરક્ષા અને રાષ્ટ્રની સુરક્ષાને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે ૪ માર્ચને 'રાષ્ટ્રીય સુરક્ષા દિવસ' (National Safety Day) તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ “દુર્ઘટનાઓથી પ્રજાજનોને રોકવા માટે કરવામાં આવતા સુરક્ષા ઉપાયો અંગે જાગૃતિ ફેલાવાનો છે”.  

માર્ગ અકસ્માત નિવારણ માટે ભારત સરકાર દ્વારા નાગરીકોમાં રોડ સેફટી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ કેળવાય તે માટે વિવિધ કામગીરી તથા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે તા.૧૫ જાન્યુઆરી થી તા.૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન “રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસ-૨૦૨૪” ની ઉજવણી કરવાનું નક્કી કરવામા આવ્યુ હતુ. જે અંતર્ગત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ડાંગ દ્રારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. 

જિલ્લામા સૌ પ્રથમ એ.આર.ટી.ઓ. કચેરી ખાતે “માર્ગ સલામતી માસ-૨૦૨૪” નો પ્રારંભ કરવામા આવ્યો હતો. જેમાં એ.આર.ટી.ઓ. કચેરીના અધીકારીઓ તથા કર્મચારીઓ, જિલ્લા ટ્રાફિક પોલીસ, વઘઇ તાલુકા પોલીસ, શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો, ડ્રાયવરો, ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો વગેરે હાજર રહ્યા હતા. 

કાર્યક્રમમા રોડ સેફટી નોડલશ્રી દ્રારા વાહન ચાલાકોને દ્રિચકી વાહન ચલાવતી વખતે હંમેશા હેલ્મેટનો ઉપયોગ કરવા તેમજ ફોર વ્હીલ વાહન ચલાવતી વખતે હંમેશા સીટબેલ્ટનો ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો. તેમજ સરકારની ‘ગુડ સમરીટન સ્કીમ’ વિશે વિસ્તારથી માહિતી આપવામા આવી હતી. આ ઉપરાંત માર્ગ અકસ્માતગ્રસ્તોની મદદમાં લોકો આગળ આવે અને ગુડ સમરીટન બને તે માટે દરેકને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. 

“રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસ-૨૦૨૪” ની ઉજવણી સંદર્ભે સમગ્ર માસ દરમિયાન જિલ્લાની સરકારી ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, પોલિટેકનિક કોલેજ-વઘઇ, ITI કોલેજ વગેરે શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વન રક્ષક તાલીમ કેન્દ્ર-ડુંગરડા, જાહર રસ્તાઓ, હાટ બજાર, બોટાનીકલ ગાર્ડન વગેરે જગ્યાઓએ ટ્રાફિકના નિયમો, મોટર વાહન ડ્રાઇવિંગ રેગ્યુલેશન અને માર્ગ સલામતિનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ ટ્રાફિક સંજ્ઞાઓ અંગે પત્રકો અને પુસ્તિકાની વહેંચણી કરવામા આવી હતી. 

આ ઉપરાંત એ.આર.ટી.ઓ. ના ઇન્સ્પેકટરશ્રીઓ દ્વારા વલ્નરેબલ રોડ વપરાશકર્તાઓ જેવા કે હાથલારી, ફેરિયા, એગ્રીકલચરલ ટ્રેલર, શિરડી જતા પદયાત્રીઓ વગેરે માટે રેડિયમ લગાવવા અંગેની ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સાથે જ બજારમાં આવતા ટેક્સી/પિક અપ વાનના ચાલકોને સલામત ડ્રાઇવિંગ અંગે સમજ આપવામા આવી હતી. જેમાં ટ્રાફીક નિયમોનું પાલન, વાહનને યાંત્રિક રીતે ફિટ રાખવું, ઢાળ વાળા રસ્તા પર સાવચેતી રાખવી, ગુડ સમરીટન યોજના વિશે માહિતી આપવામાં આવી તેમજ પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવ્યું.

આ ઉપરાંત, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ડાંગ દ્વારા જિલ્લા ટ્રાફિક પોલીસ અને વઘઈ પોલીસના સંકલનમાં રહી વઘઈ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લાના વાહન ચાલકો અને પોલીસ સ્ટાફને માર્ગ સલામતી અંગે સમજણ આપવામા આવી હતી. આ સાથે જ તમામ ડ્રાઇવરોને ટ્રાફીક નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમજ ડ્રાઇવરો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરી આંખોની તપાસ કરવામાં આવી હતી.

આમ, જિલ્લાના નાગરીકોની સુરક્ષા માટે કટ્ટીબધ્ધ “સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી-ડાંગ” દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસ-૨૦૨૪ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજી જિલ્લાની જનતાને રોડ સેફ્ટી અંગે જાગૃત કરાયા હતા. 

-

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top