Tapi : યુવાજંક્શન સ્કિલ ટ્રેનિંગ સેન્ટર, વ્યારા તથા રોજગાર કચેરી તાપીના સહયોગથી જોબફેર યોજાયો.
વિભિન્ન સેક્ટરની 7 કંપનીઓને 160 થી વધારે ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપ્યા.
માહિતી બ્યુરો, તાપી. તા.૨૦: આગાખાન સંસ્થા હેઠળ સાઈ મોલ વ્યારા સ્થિત યુવાજંક્શન સ્કિલ ટ્રેનિંગ સેન્ટર અને તાપી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તાપી જિલ્લાના યુવાનો માટે તાજેતરમાં જોબફેરનું આયોજન કરાયું હતું. આ જોબફેરમાં વિભિન્ન સેક્ટરની 7 કંપનીઓએ ભાગ લીધો હતો તથા 160 થી વધારે ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. રોજગાર કચેરી તાપી, કવેસ્ટ એલાયન્સ, એક્સિસ બેંક, તેમજ આગાખાન સંસ્થાના અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહી યુવાનોને ઉજ્જ્વળ કારકિર્દી બનાવી આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ જોબફેયરના માધ્યમથી, યુવાનોને અનેક રોજગારલક્ષી સુવર્ણમય અવસરો મળ્યા તથા તેમને વિવિધ ક્ષેત્રના 7 પ્રમુખ કંપનીઓએ અનેક રોજગારીની અવસરો આપી હતી.
આ સાથે કાર્યક્રમમાં તાપી જિલ્લાના રોજગાર અધિકારીશ્રી વિનોદ મરાઠે દ્વારા બેરોજગાર યુવાન યુવતીઓને રોજગારી મળી રહે તે માટે રોજગાર પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત વ્યારા ખાતે આવેલ એક્સિસ બેંક બ્રાન્ચ મેનેજરશ્રી દ્વારા યુવા જંકશન જેવા તાલિમ કેન્દ્રોના માધ્યમથી જિલ્લાના યુવાઓ અલગ અલગ તાલીમ લઈ કૌશલ્ય પ્રાપ્ત કરી રોજગારી મેળવે જેનાં માટે યુવાઓને પ્રેરિત કર્યા હતા.
યુવા જંક્શન સ્કિલ ટ્રેનિંગ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને પ્રોફેશનલ તાલીમ અને સ્કિલ આપવાનો છે. આ જોબફેયરના માધ્યમથી તેમના પરિશ્રમને સફળતા સુધી મૂકવાનો એક અવસર પ્રદાન કર્યો હતો.