જલિયાવાલા બાગથી મોટો નરસંહાર માનગઢ ખાતે 17 નવેમ્બર 1913ના દિને થયો હતો.

SB KHERGAM
0

 


  જલિયાવાલા બાગથી મોટો નરસંહાર  માનગઢ  ખાતે 17 નવેમ્બર 1913ના દિને થયો હતો.


માનગઢ સંતરામપુરથી આશરે ૨૩ કિ.મી.નાં અંતરે રાજસ્થાન સરહદ પર આવેલુ છે.

જયારે દક્ષિણે ગુજરાત રાજય આવેલુ છે, તેમજ રાજસ્થાન રાજયની સરહદ પર અંબાદરા ગામ આવેલુ છે. ગુજરાત રાજયની સરહદ ઉપર કૂંડા અને ભમરી ગામ આવેલા છે. આ વિસ્તાર પૂરેપૂરો આદિવાસી ભીલની વસ્તીથી ભરપૂર છે.

જેમાં ભમરી અને કૂંડા ગામની સરહદ પાસે એક વોકળો બારે માસ વહે છે. તેને પાટનો વહેળો તરીકે ઓળખવામાં આવે છે. તથા માનગઢમાં સ્થાપિત હિતો તથા દેશી રજવાડાઓ, અને અંગ્રેજોના સયુંકત દળોથી ભીલો ગોવિંદગુરૂના આમંત્રણથી માનગઢ હિલ ખાતે ભેગા થયા હતા. તેના સ્થળ તરીકે માનગઢ જ પસંદ કરવાનું કારણ એ હતું કે ૧૯૦૩માં ગોવિંદગુરૂએ અહીં મોટી ધુણીની સ્થાપના કરી હતી.

ઈ.સ.૧૯૦૩ થી ૧૯૦૭ એમ પાંચ વર્ષ સુધી તેમણે માગશર માસની પૂનમના દિવસે મેળાઓનું આયોજન કર્યું હતું. સાથે અહીં તેમણે અવાર-નવા૨ સંપ સભાનું આયોજન પણ કર્યુ હતું. આમ માનગઢ ભીલો માટે અતિ પવિત્ર સ્થળ હતું. ભૌગોલિક રીતે તેઓ સ્થાપિત હિતોને અહીંથી મકકમપણે પડકાર આપી શકે તેમ હતાં તે ઉપરાંત સ્થાનિક લોકવાયકા મુજબ માનસિંહ ચૌહાણ નામનો ભીલ સરદાર અહીં શાસન કરતો હતો.

માનગઢ પરના પથ્થરો માનસિંહ મહેલના હોવાનું અને માનસિંહના નામ પરથી માનગઢ નામ પડયુ હોવાનું પણ લોકમુખે ચર્ચાય છે. તેમજ વર્તમાન સમયે રાજસ્થાન સરકાર દ્વારા શહીદ સ્મારક પણ બનાવવામાં આવ્યું છે. આ માનગઢ ડુંગર ઉપર અંગ્રેજ શાસકો તેમજ દેશી રાજવાડાઓના સયુંકત લશ્કરે સેંકડો ભીલ આદિવાસીઓને તોપને ગોળે ઉડાવી દીધા હતા. તેમજ તેમના ધાર્મિક નેતા ગોવિંદગુરૂને કારાવાસમાં પૂરી દીધા હતા.

ઈ.સ.૧૯૦૩માં ગોવિંદગુરૂએ માનગઢમાં મોટી ધુણીની સ્થાપના કરી હતી. તેમજ ૧૯૦૩ થી ૧૯૦૭ સુધી સળંગ પાંચ વર્ષ સુધી તેમણે મેળાઓનું આયોજન કર્યુ હતું. ત્યારબાદ પણ સમ્યાંતરે મેળાઓનું આયોજન થતું જ રહ્યું હતું. આજે પણ ભગત ભીલોની ગોવિંદગુરૂના ઉપદેશો અને ધુણીઓમાં શ્રદ્ધા ઓછી થઈ નથી. ઈ.સ.૧૯૧૩ માનગઢ હત્યાકાંડ બાદ ભીલોને માનગઢ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. પરંતુ ભગત ભીલોના હૃદયમાંથી ગોવિંદગુરૂ નાબૂદ થયા ન હતા. નાથુરામના પ્રયત્નોથી ઈ.સ.૧૯૫૨માં ભગત ભીલોએ માનગઢ જવાનું શરૂ કર્યુ. જેથી આદિવાસીઓ માટે માનગઢ ધામ બન્યું છે. આ માનગઢમાં સ્થિત ધુણી ભીલો માટે પવિત્ર આસ્થા સમાન હતી. આથી અંગ્રેજો અને સ્થાપિત હિતોના પ્રયત્નોથી ધુણીને અભડાવવા માટે માંસના ટુકડા નાંખવામાં આવ્યા હતા. જેથી ભીલોની ધાર્મિક લાગણી દુભાઈ અને ૧૭ નવેમ્બર ૧૯૧૩માં માનગઢમાં મોટો હત્યાકાંડ સર્જાયો અને તેમાં ૧૫૦૭ લોકોના મૃત્યુના આંકડા સરકારી દફતરે નોંધાયા હતા.

ગુજરાત,રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભીલ ગામોમાં બહોળા પ્રમાણમાં વિસ્તર્યો હતો. તેમાં ગુજરાતના ભીલ વસ્તી ધરાવતા પંચમહાલ દાહોદ, ઝાલોદ,સંતરામપુર તાલુકાના ગામડાઓમાં ભીલોની મોટી મેદનીને સંબોધવી શરૂ કરી હતી. તેમજ ગામે ગામ પોતાના સંપ્રદાયની ધુણીઓ (Fire Pits) સ્થાપી, નેજાઓ રોપીને ભીલોને ભગત બનાવ્યા હતા. આ ભગત સંપ્રદાયીઓ તેમની આગવી ઓળખ તરીકે સફેદ કપડાં, કેસરી સાફા અને ગળામાં રૂદ્રાક્ષની માળા ધારણ કરતા હતા. તેઓ પોતાના અનુયાયીઓનું સંગઠન કરવાના હેતુથી ઈ.સ.૧૯૦૫માં માનગઢ ખાતે ‘સંપસભા’ નામની સંસ્થાની સ્થાપના વાગડ પ્રદેશમાં કરી હતી. તેના ઉદ્દેશ્યો આ પ્રમાણે હતા.

(૧) ભીલોને ધર્મપ્રચાર દ્વારા સંગઠિત.

(૨) પંચાયતી રાજયની સ્થાપના.

(૩) વેઠ અને મજુરી કરવી નહી.

(૪) ભીલોમાં એકતાની સાથે નેક બનાવવા.

માનગઢ સંપસભાને બે ભાગમાં વહેંચી નાંખવામાં આવી હતી જેમ કે, (૧) સંગઠનશાખા, (૨) લોકકલ્યાણ શાખા ગોવિંદગુરૂએ પોતાના સંગઠન કામને બે ભાગમાં વિભાજન કર્યુ હતું. પહેલા સંગઠન શાખાના વડા તરીકે પારગી પૂજાભાઈ ધીરાભાઈની નિમણૂંક કરવામાં આવી હતી. જયારે લોક કલ્યાણ શાખાના રક્ષણ માટે સિક્યોરીટી /પોલીસની રચના કરી એના સભ્યો પાસે ગણવેશ અને હથિયારો હતા. તેઓની પાસે લાલ રંગનો ધ્વજ હતો. એ વખતે લાલ રંગને શાંતિ તથા હનુમાનજીનું પ્રતિક માનવામાં આવતુ હતું.


માનગઢમાં ગોવિંદગુરૂની ભીલરાજ સ્થાપવાની માંગણી માટેનો પત્ર અંગ્રેજ અધિકારીઓના પ્રતિનિધી મંડળે વાંચ્યો હતો. તેથી અંગ્રેજોએ માનગઢ ડુંગર ઉપર હથિયાર સાથે લઈને આવવાથી વિદ્રોહ થઈ શકે માટે તમામે વિખેરાઈને પોતાના ઘરોમાં ચાલ્યા જવુ જોઈએ. તેઓ વિખરાઈ ગયા પછી જે કંઈ વાત હોય તે થઈ શકે તેમ છે. પરંતુ લોકોએ આ વાતમાં વિશ્વાસ માન્યો નહીં. તેમજ ગોવિંદગુરૂને સમજાવવામાં અંગ્રેજો સફળ થયા નહીં જેના લીધે તેમણે કાવતરુ રચ્યું. તેનો ઉલ્લેખ કોઈ જગ્યાએ મળતો નથી. પરંતુ લોકવાયકા ચર્ચાય છે.

અંગ્રેજ અધિકારીઓ માનગઢ ડુંગર ઉપર ભીલોની સંગઠિત તાકાત જોઈને ચિંતામાં પડી ગયા હતા. તેમણે મનોમન નકકી કર્યું કે ગોવિંદગુરૂની ધૂણીને અપવિત્ર કરવામાં આવે તો ગોવિંદગુરૂ અને તેમના શિષ્યોનું આત્મસમર્પણ થઈ શકે તેમ છે. અંગ્રેજો દ્વારા નારિયેળમાં ગાયનું લોહી ભરી સાધુના વેશમાં માનગઢ ધુણી ઉપર એક વ્યકિતને મોકલવામાં આવ્યો જેને ગોવિંદગુરૂની સુરક્ષા કરતા ભકતોએ અટકાવ્યો એટલે તેણે કહ્યું કે હું માળવાનો સાધુ છું. મારે હવનમાં નારિયેળની આહુતી આપી ગુરૂના આર્શીવાદ લેવા છે. એટલે ભક્તોએ તેને જવા દીધો. આ સમયે યક્ષ સ્થળ ઉપર ખૂનના ટીપા વેરાયા આ જોઈ ગોવિંદગુરૂએ સમજી લીધું કે તેઓની સાથે દગો થયો છે. જેથી ગોવિંદગુરૂએ ભકતોને વિખરાઈ જવા માટે સૂચના આપી હતી. તેમ છતાં ગુરૂની આસ્થા સામે ભીલો વિખેરાયા ન હતા.

માનગઢમાં આદિવાસી ભીલોનું હજારોની સંખ્યામાં ભેગા થવું અને ભીલરાજનું સપનું માનગઢ અને તેના સરહદી વિસ્તારમાં ભીલોનું રાજય સ્થાપવાની ગોવિંદગુરૂની નેમ હતી. ગોવિંદગુરૂ અને પૂજા ધીરજીની પૂર્વયોજના પ્રમાણે ૧૭ નવેમ્બર ૧૯૧૩ના રોજ માનગઢ ખાતે ભીલોના એક મોટા ધાર્મિક મેળાનું આયોજન થયું હતું. આ મેળામાં પ્રતિભાવરૂપે ઘી,નાળિયેર અને એક આનો રોકડો લઈ ૩૦૦૦ જેટલા ભીલો માનગઢની ટેકરી પર એકઠા થયા. એકબાજુ ગોવિંદગુરૂ ભીલરાજ સ્થાપનાની યોજનામાં પ્રવૃત હતા. ત્યારે દેશી રાજયોની વિનંતીથી ઉત્તર વિભાગના કમિશ્નરે ગોવિંદગુરૂને ૧૨ નવેમ્બર ૧૯૧૩ના રોજ રેવાકાંઠા પોલિટિકલ એજન્ટને એક આવેદન પત્રમાં સુંથ અને ડુંગરપુરના રાજયો તરફથી પોતાના અનુયાયીઓને વેઠવી પડતી યાતનાઓ રજૂ કરી તેમાં પોતાના ઉપદેશકોને આવતા અવરોધો, સંપ્રદાયના પ્રચાર માટે જગ્યા ફાળવવા તથા દેશી રાજયોના અધિકારીઓને સંપ્રદાય વિશે અસભ્ય ભાષા ન વાપરવી વગેરે મુદ્દાઓ સાંકળ્યા હતા. પ્રત્યુત્તરમાં પોલીટિકલ એજન્ટે ગોવિંદગુરૂના સંપ્રદાય પ્રત્યે સહાનુભૂતિ વ્યકત કરી જે ગોવિંદગુરૂ અને તેમના શિષ્યોને મંજૂર ન હતું.

માનગઢમાં સંગઠિત ગોવિંદગુરૂના હજારો શિષ્યોને અંગ્રેજ પોલિટીકલ એજન્ટની વારંવારની વિનંતીઓ અને ચેતવણીઓ છતાં ભીલો માનગઢ પરથી વિખેરાયા નહી આ પ્રશ્ન બ્રિટિશ સત્તાધીશો માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવાનો બન્યો આખરે કેળવાયેલુ બ્રિટિશ લશ્કર મેવાડ ભીલ કોર્પ્સ અને સંથ તથા ડુંગરપુરના દેશી રાજયોના સયુંકત લશ્કરોએ ૧૭ નવેમ્બર ૧૯૧૩ના રોજ માનગઢની ટેકરી પર હુમલો કર્યો. એમ કહેવાય છે કે ‘કીડી ઉપર કટક દોડાવવા' જેવી આ ઘટના હતી એકથી દોઢ કલાકના ગાળામાં ગોવિંદગુરૂના ચમત્કારની આશાએ લડતાં ભગત ભીલો તિતર બિતર થઈ ગયા.સ્થાનિક લોકવાયકા અને સરકારી ગેઝેટના આંકડાનો અત્યારે સ્વીકાર થયો તે મુજબ ૧૫૦૭ જેટલા ભીલો સૈનિકો માર્યા ગયા હોવાનું કહેવાય છે.

૧૭ નવેમ્બર ૧૯૧૩ની માનગઢ ઘટના પૂર્વે ગોવિંદગુરૂના શિષ્યોએ ૩૦ ઓકટોબર૧૯૧૩ના રોજ ગડરા પોલીસ સ્ટેશન ઉપર હુમલો કર્યો હતો. જેમાં બે ભીલ માર્યા ગયા અને બીજા દિવસે પ્રતાપગઢ થાણા ઉપર હુમલો કર્યો તેમાં ૧૭ ભીલ માર્યા ગયા માનગઢ ઉપર ૫૦,૦૦૦/-થી વધારે લોકોને અંગ્રેજ અધિકારીઓ તથા દેશી રાજયોના સૈનિકોએ ઘેરી લીધા હતા. સારથી (ગોધર) તા.સંતરામપુરના પુસ્તકમાં માનગઢ હત્યાકાંડમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૧૫૦૭ છે. આ વખતના વર્તમાન સરકારી આંકડાઓમાં પણ ૧૫૦૦ ભીલો માર્યા ગયાનો સ્વીકાર કરવામાં આવેલ છે.

ઈ.સ.૧૯૧૩માં ૧૭ નવેમ્બર માનગઢ હત્યાકાંડ બાદ ગોવિંદગુરૂએ આત્મસમર્પણ કરી લીધુ જેમાં પૂજા પારગી સહિત ૯૦૦ માણસોને કૈદ કરવામાં આવ્યા હતા. તેમને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા. જેમાંથી ૮૦૦ માણસોને પૂછપરછ કરી એક સપ્તાહમાં છોડી મૂકવામાં આવ્યા હતાં. ૭૦ વ્યકિતઓ જેમાં મુખી હતા તેમને સ્થાનિક દેશી રજવાડાઓને સોંપી દેવામાં આવ્યા તે ઉપરાંત બ્રિટિશ કાર્યવાહી તથા દેશી રજવાડાઓના કાયદાઓ પણ ભીલો ૫૨ લાગુ પાડવામાં હતા. માનગઢ ઘટના પછી ત્રણ વર્ષની સજા પામેલા ક્રાંતિકારીઓની યાદી નીચે મુજબ છે.

(૧) કાળુ રાવજી (૨) કલજી બાલજી (૩) ધારજી કોયલા (૪) સુરજી જેઠા (૫) હલીયા ધનીયા (૬) રાજહંગ જીતા (૭) કોદર વ્હાલજીદાર (૮) ખુમા નાગજીડા (૯) રામલા નારજીડા (૧૦) બાબરીયા નાથીઆ (૧૧) વહાલા ભુડીયા (૧૨) કાલીયા ધના (૧૩) મેહા હમજીડા (૧૪) પ્રતાપીયા બાબરા (૧૫) ભુરા જોદા (૧૬) ગજહંગ દોલા (૧૭) ચમના ગલીયા (૧૮) કાનજી નાગજીડા (૧૯) વિજીયા ફુલજીડા (૨૦) હરજી ભડીયા (૨૧) કુરા વાગજી (૨૨) રંગા માવજી

ગોવિંદગુરૂ અને પૂંજા ધીરજી સિવાય ૨૧ આરોપીઓને ૩ વર્ષની કેદની સજા કરવામાં આવી હતી. જે પાછળથી ઘટાડી ૬ મહિના કરાઈ હતી. ગોવિંદગુરૂ દ્વારા ભીલરાજ સ્થાપવાનો પ્રયત્ન અને ફાંસીની સુનાવણી માનગઢમાં ભીલરાજ સ્થાપવાના આરોપસર ગોવિંદગુરૂ અને તેમના શિષ્યો ઉપર સંતરામપુર તળાવ ખાતે કેસ ચલાવવામાં આવ્યો.


આ કેસની વિગતોમાં ગડરા પોલીસ ચોકીના ફોજદારને મારી નાંખવામાં આવેલ તેના વિશે સરકાર દ્વારા પૂંજા પારગીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે, ગોવિંદગુરૂએ મને ગાંજો પીવડાવેલો અને મેં ગાંજો પીને મારી નાંખેલો. આવો જૂઠો કેસ થયો તેના સાક્ષીઓને બોલાવવામાં આવ્યા. તેઓ પણ જૂઠા હતા. તેમને જયારે વકીલે પૂછ્યુ કે આ માણસે ગાંજો પીધો હતો કે કેમ ? ત્યારે સાક્ષીઓએ જવાબ આપ્યો કે હા ગુરૂએ ગાંજો કે પીવડાવ્યો અને ગાંડો થયો. જેથી ગોવિંદગુરૂ ઉપર ગુન્હો સાબિત થયો હતો.

પરંતુ વાસ્તવિકતા કંઈક જૂદી હતી. ગઢરા ચોકીના ફોજદા૨ બહેન-બેટીઓની ઈજજત લેતો અને તેમને રંજાડતો હતો. જેના લીધે પૂંજા પારગીએ તેને મારી નાંખ્યો આ વાતથી તેઓ વાકેફ હતા. ગોવિંદગુરૂ ઉપર ગાંજાનો આરોપ ખોટી રીતે ઠોકી બેસાડવામાં આવ્યો હતો. આ કેસ આગળ ચાલ્યો જેમાં સુનાવણી હાથ ધરવામાં આવી અને ગોવિંદગુરૂ તથા તેમના દશ સાથીદારોને ફાંસીની સજા કરવામાં આવી જે પાછળથી માફ કરી દેવામાં આવી ત્યાર બાદ ગોવિંદગુરૂ અને તેના સાથીદારોને અમદાવાદની સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા હતા.


૧૭ નવેમ્બર ૧૯૧૩ માનગઢ હત્યાકાંડ બાદ ગોવિંદગુરૂએ આત્મસમર્પણ કરી લીધું જેમાં પારગી પૂંજાભાઈ ધીરજીભાઈ સહિત ૯૦૦ માણસોને કેદ કરવામાં આવ્યા. તેમને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા. જેમાંથી ૮૦૦ માણસોને પૂછપરછ કરી એક સપ્તાહમાં છોડી મૂકવામાં આવ્યા હતાં. ૭૦ વ્યકિતઓ જેમાં પોલીસ પટેલ હતા. તેમને સ્થાનિક દેશી રજવાડાઓને સોંપી દેવામાં આવ્યા. તેઓ ઉપર સ્થાનિક કોર્ટમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી તેમજ બાકીના ૩૦ માણસો ઉપર સંતરામપુર તથા વાંસવાડાની સહમતીથી ભારત સરકાર દ્વારા ૨ ફેબ્રુઆરી ૧૯૧૪ના રોજ કેસ કરવામાં આવ્યો. તેમાં અંગ્રેજ અધિકારી મેજર ગોહ એફ.ડબ્લ્યુ એલીશન આ ન્યાય માટેના સભ્ય હતા. તે મુજબ કોર્ટમાં ગોવિંદગુરૂ અને પૂંજા પારગી સહિત ત્રીસ માણસો ઉપર કાર્યવાહી કરવામાં આવી.

આ ત્રીસ લોકો ઉપર સંતરામપુર તથા વાંસવાડામાં ગુન્હો નોંધાયો હતો. જેની કલમ-૧૨૧ તથા ૩૦૩ની કલમ લાગુ પાડવામાં આવી હતી. આ રીતે માનગઢમાં આદિવાસીઓનું નેતૃત્વ લઈને ગોવિંદગુરૂએ ભીલોને એકત્ર કરીને સંગઠન દ્વારા અંગ્રેજ સરકાર સામે આંદોલન ચલાવીને આ આદિવાસી મૂલકમાં ભીલરાજ સ્થાપવાની ચળવળને વેગ આપ્યો હતો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top