મનગમતું કામ કરતાં કરતાં મૃત્યુ પામવા માટે પણ નસીબ જોઈએ...

SB KHERGAM
0

  મનગમતું કામ કરતાં કરતાં મૃત્યુ પામવા માટે પણ નસીબ જોઈએ...

મનગમતું જીવન મળે તે માટે કેટલા જન્મોનું પુણ્ય જોઈએ? અને મનગમતું મૃત્યુ મેળવવા માટે? એ માણસો ખરેખર ખુશનસીબ છે જેમના જોબ (કામ, કારકિર્દી) અને જોય (આનંદ, પ્રેમ) વચ્ચે કોઈ ભેદરેખા નથી. તેમના માટે “બસ, બહુ થઈ ગયું’ જેવું કશું હોતું નથી. 

તેમની કરીઅરમાં સિદ્ધિઓ માત્ર અલ્પવિરામ બનીને આવે છે. પૂર્ણવિરામે જો આવવું હોય તો તેણે મૃત્યુનો વેશ ધારણ કરવો પડે છે. દુનિયાભરના કેટલાય નિષ્ઠાવાન અભિનેતાઓનું આ સ્વપ્ર હોય છેઃ હું જીવનના છેલ્લા શ્વાસ સુધી અભિનય કરતો રહું, મારા દેહમાંથી જીવ ત્યારે જ નીકળે જ્યારે મારા ચહેરા પર મેકઅપ હોય...

               Image credit : dewiki de (steave Irvin Crocodile hunter)

ઓસ્ટ્રેલિયામાં સ્ટીવ ઇરિવન નામનો એક પાગલ માણસ થઈ ગયો. ધ ક્રોકોડાઇલ હન્ટર'ના નામે વિશ્વપ્રસિદ્ધ બનેલા આ માણસ આખું જીવન જળચર જીવોના સંવર્ધનમાં હસતાં હસતાં ખર્ચી નાખ્યું. પોતાના મોત માટે એક જળચર જીવ જ કારણભૂત બને તે સ્ટીવ માટે કરુણતા નહીં, પણ એક ઇચ્છનીય સ્થિતિ હતી! ૪ સપ્ટેમ્બર ૨૦૦૬નો એ દિવસ. 

સ્ટીવ માટે આમ તો એ બીજા કોઈ પણ દિવસ જેવો જ રુટિન દિવસ હતો. આજે તેમણે ડિસ્કવરી ચેનલ માટે ‘ઓશન્સ ડેડલીએસ્ટ’ નામની ડોક્યુમેન્ટરી માટે એક શાર્ક માછલીનું અન્ડરવોટર શૂટિંગ કરવાનું હતું. સ્ટીવની સાથે જસ્ટિનલિઓન્સ નામનો કેમેરામેન પણ દરિયાની અંદર ઉતરવાનો હતો. એક રીસર્ચ બોટ બન્નેને ઓસ્ટ્રેલિયાના વિશ્વપ્રસિદ્ધ ગ્રેટ બેરિયર રીફ નામના દરિયાઇ વિસ્તારમાં એક એવી જગ્યાએ લઈ ગઈ જ્યાં કાચબાથી માંડીને વ્હેલ જેવાં કંઈકેટલીય જાતના દરિયાઈ પ્રાણીઓ વસે છે.

સ્ટીવ અને એમનો કેમેરામેન ડાઇવિંગ ગિઅર પહેરીને પાણીમાં ઉતર્યા, આજે કોણ જાણે કેમ, પાણી રોજ કરતાં વધારે ડહોળું હતું, તેથી જ્યાં શાર્ક માછલીની રાહ જોતાં બેસી શકાય એવી સલામત જગ્યા શોધવામાં તકલીફ પડી રહી હતી. બન્ને શૂટ કેન્સલ કરવાના નિર્ણય પર પહોંચે તે પહેલાં જ સ્ટીવે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોઈ. એ હતી સ્ટિંગે નામની કમાલની માછલી. પહોળી પાંખો જેવા પડખા, લાંબી પૂછડી. આ પૂંછડી સ્વબચાવ માટેનું તેનું મુખ્ય હથિયાર છે. સ્ટિંગે માછલીની કુલ લંબાઈ પાંચથી લઈને ૧૬ ફૂટ જેટલી હોઈ શકે છે. 

સ્ટીવે તો આખી જિંદગી દરિયાઈ પ્રાણીઓ સાથે ગાળી હતી. એ બરાબર જાણતા હતા કે જ્યાં સુધી માણસ છંછેડે નહીં, ભૂલથી એની પૂછડી પર પગ ન મૂકી દે કે પછી પોતાના પર જોખમ છે એવું લાગે નહીં ત્યાં સુધી સ્ટિંગે માછલી સામેથી હુમલો કરતી નથી. સ્ટીવે નક્કી કર્યું કે અત્યારે સ્પ્રિંગે માછલી દેખાઈ જ ગઈ છે તો એનું શૂટિંગ કરી લઈએ. તે વખતે એમના મનમાં એમની નાનકડી દીકરી બિંડી હતી. બિડી ‘જંગલ ગર્લ' નામના એક વાઇલ્ડલાઇફ શોનું એન્કરિંગ કરતી હતી. સ્ટીવે વિચાર્યું કે આ સ્ટિંગ્રે માછલીનું ફૂટેજ મારી દીકરીના શો માટે ઉપયોગી બનશે.

       Image credit: ABC NEWS (STEAVE IRVIN'S DAUGHTER 'BINDI')

સ્ટીવે કેમેરામેનને ઇશારો કર્યો કે તું કેમેરા ચાલુ કરી દે. સ્ટીવે સ્ટિંગ્રે માછલીની ઉપર સમાંતરે તરવાનું શરૂ કર્યું, કેમેરામેન થોડે દૂરથી શૂટ કરી રહ્યો હતો. દરિયાના 

મેઘધનુષી બેકગ્રાઉન્ડ વચ્ચે સરકી રહેલી સ્ટિચ્ચે માછલી બહુ સુંદર દેખાઈ રહી હતી. સામાન્યપણે સ્ટિંગી માછલી માણસોને પોતાની નજીક આવવા દેતી નથી. માણસને જોઈને કાં તો એ દૂર નાસી જાય અથવા તો નીચે રેતીમાં ઘૂસીમાં જાય. બન્યું એવું કે સ્ટીવ અને કેમેરામેન તરતાં તરતાં સ્ટિંગ્રે માછલીની વધારે પડતા નજીક આવી ગયા. માછલી ભડકી. તેણે સ્ટીવની છાતી પર જોરથી પોતાની પૂંછડી વીંઝી, શરૂઆતની થોડી ક્ષણો તો સમજાયું જ નહીં કે શું થઈ ગયું. સ્ટીવ સુન્ન થઈ ગયા. આવી હાલતમાંય સ્ટીવે કેમેરામેનને ઈશારો કર્યોઃ કેમેરા ચાલુ રાખજે... રેકોર્ડિંગ બંધ ન કરતો!

પણ થોડી પળોમાં જ પરિસ્થિતિની ગંભીરતા સ્પષ્ટ થઈ ગઈ. 

 માછલીની પૂંછડીના તીવ્ર પ્રહારથી સ્ટીવની છાતીમાં બે ઇંચ જેટલો ઊંડો કાપો પડી ગયો હતો. એમાંથી ધડ ધડ કરતું લોહી વહેવા લાવ્યું હતું ને પાણી રીતસર લાલ થવા માંડ્યું હતું. આ તો ઔર જોખમી હતું, કારણ કે લોહીથી શાર્ક તરત આકર્ષાઈને નજીક આવી શકે.

બોટમાં હાજર રહેલા ક્રૂ મેમ્બરે બન્નેને અંદર ખેંચી લીધા. ભયાનક પીડાથી સ્ટીવની હાલત ખરાબ થઈ ગઈ હતી. સ્ટિંગ્રે માછલીએ પોતાની કરવત જેવી પૂંછડીથી જે ફટકો માર્યો હતો તેનાથી બે વસ્તુ થઈ હતી – એક તો સ્ટીવના ફેંફસામાં છિદ્ર પડી ગયું હતું અને બીજું, છાતીને આરપાર ચીરીને છેક હૃદયમાં કાપો પડી ગયો હતો. લોહી પુષ્કળ વહી ચૂક્યું હતું. સ્ટીવને ઇન્ક્વેટેબલ સ્પીડ બોટમાં મારતી ઝડપે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સ્ટીવે ખૂબ તાકાત દેખાડી, એ બેહોશ ન થઈ જાય તે માટે પેરામેડિક્સ ભરપૂર પ્રયાસ કરતા રહ્યા, પણ સ્ટીવનો ચહેરો નીલો પડવા લાગ્યો હતો. એમણે ચહેરો ઢાળી દીધો. એમની આંખો સમુદ્ર તરફ હતી, એ સમુદ્ર કે જે એમનું બીજું ઘર હતું. હોસ્પિટલ સુધી પહોંચી શકાય તે પહેલાં સ્પીડબોટમાં જ સ્ટીવનો જીવ ઊડી ગયો. જે દરિયાઇ સૃષ્ટિના સંવર્ધન માટે સ્ટીવે આખી જિંદગી મહેનત કરી હતી એજ દરિયાઈ સૃષ્ટિ વચ્ચે એમણે અંતિમ શ્વાસ લીધા.

ફૌજી પરિવારોમાં શહીદનાં સંતાન મોતથી ડરી જતાં નથી. દુશ્મનો સાથે લડતાં લડતાં વીરગતિ પામેલા પિતા, કાકા કે દાદાની જેમ તેઓ પણ ગર્વપૂર્વક સૈન્ય જોઈન કરે છે. સ્ટીવનાં સંતાનોની પ્રતિક્રિયા પણ આ જ સ્તરની હતી. સ્ટીવની અંતિમવિધિ થઈ ત્યારે એમનાં નાનકડાં સંતાનોએ પ્રતિજ્ઞા લીધી

અમે પણ અમારા ફાધરની જેમ આખી જિંદગી પ્રાણીઓની સેવામાં ગાળીશું, અમે પણ એમની જેમ ઝૂ કીપર બનીશું!


     Image credit: Wikipedia (Harmann bulh mountaineer)

અતલ સમુદ્રમાં, વિરાટ પર્વતોમાં પ્રકૃતિની એવીતે કેવી લીલા છૂપાયેલી હોય છે કે સાહસવીરો એનો સાથ છોડવા માગતા નથી? કુદરતનાં આ વિવિધ સ્વરૂપમોમાં એવી તો કેવી ચેતના હોય છે જેના રસ સામે જીવનું જોખમ પણ વામણું બની જાય છે? આ સંદર્ભમાં બે પર્વતવીરોને યાદ કરવા જેવા છે- એક છે, હર્મન બુલ નામના ઓસ્ટ્રિયન પર્વતારોહક અને બીજો છે, રશિયાના એનાટિલોબુર્કરીવ.

          Image credit: Russianclimb.com (anatoli burkreev)

હર્મનનું નાનપણ અનાથાશ્રમમાં વીત્યું હતું. તરુણ વયથી તેઓ આલ્પ્સ પવર્ત ખૂંદવા લાગ્યા હતા. પછી તો એમણે રેસ્ક્યુઅર તરીકે નોકરી કરવા માંડી હતી અને માઉન્ટન ગાઇડ બનવાની તાલીમ લીધી હતી. એમણે પહેલી સિદ્ધિ મેળવી ૧૯૫૩માં, હિમાલયમાં નંગા પર્વત તરીકે ઓળખાતા પહાડનું આરોહણ કરીને. દુનિયાનું એ નવમા નંબરનો સૌથી ઊંચો પહાડ છે. 

આજ સુધીમાં હર્મન બુલ સિવાય ૨૬,૬૬૦ ફૂટ ઊંચો એવો આ ખતરનાક પહાડ તદ્ન એકલા બીજો કોઈ પર્વતારોહક ચડી શક્યો નથી. હર્મનનું સોલો ક્લાઇમ્બિંગ જોઈને ઇવન અનુભવી પર્વતારોહકો પણ મોંમાં આંગળા નાખી ગયા હતા. આ સિદ્ધિને કારણે હર્મન બુલ પર્વતારોહકોના જગતમાં એક લેજન્ડ તરીકે યાદ કરાય છે.

નંગા પહાડ પર એકલપંડે મૃત્યુ-તુલ્ય આરોહણ કર્યા બાદ હર્મન બુલ શું ડાહ્યાડમરા થઈને પહાડી ગાઇડની નોકરી કરતા રહ્યા? હોતું હશે! ચાર વર્ષ પછી, ૧૯૫૭માં, એમણે પાકિસ્તાન અને ચીન વચ્ચે ફેલાયેલા તેમજ ૨૬,૪૧૪ ફૂટ ઊંચા બ્રોડ પીકનું આરોહણ કર્યું – ઓક્સિજનની ટાંકી વગર, સરસામાન ઊંચકતા પોર્ટર વગર. જોકે આ વખતે તેઓ એકલા નહોતા. હજુય તેમને સંતોષ નહોતો. 

બ્રોડ પીક આરોહણના એક જ અઠવાડિયા પછી તેઓ ઔર એક દુર્ગમ પહાડ ખૂંદવા નીકળી ગયા. આ વખતે ચોગોલિસા પીક પર. ૭૬૬૫ મીટર ઊંચો આ પહાડ પણ પાકિસ્તાનના ગિલગિટ-બાલિસ્તાન રિજનમાં આવેલો છે. આ આરોહણ એમના માટે ઘાતક સાબિત થયું. બરફનું અણધાર્યું તોફાન ઉઠ્યું. હર્મન રસ્તો ભૂલી ગયા, હિમપ્રપાત થયો અને હર્મન ૯૦૦ મીટર નીચે ફેંકાઈને મૃત્યુ પામ્યા. એમના મૃત શરીરનો અંશ સુધ્ધાં જડ્યો નહીં. 

એનાટિલો બુર્કરીવ નામના અતિ સાહસિક રશિયન પર્વતારોહક ખાસ કરીને ૧૯૯૬માં થયેલા માઉન્ટ એવરેસ્ટ ડિઝાસ્ટરના સંદર્ભમાં વિશેષ જાણીતા છે. તે વખતે એમણે કેટલાય પર્વતારોહકોનો જીવ બચાવ્યો હતો. આઠ હજાર મીટર (અથવા ૨૬,૨૪૭ફૂટ)ઊંચાદુનિયાના ૧૪ પૈકીનાં ૧૦ પહાડ એમણે સર કર્યા હતા. તે પણ એક નહીં, અનેક વખત. જેમ કે, માઉન્ટ એવરેસ્ટ તેમણે ચાર વખત સર કર્યો હતો.

એમનું મૃત્યુ પણ પહાડો વચ્ચે જ થયું.૧૯૯૮માં તેઓ અન્નપૂર્ણા શિખરનું આરોહણ કરવા નીકળ્યા હતા. પહાડની ટોચ પર ઘણી વાર બરફ જમા થઈને એક અલગ અને છેતરામણું સમતલ બનાવી દેતો હોય છે. 

એનાટિલો બુર્કરીવ આવી જ એક છેતરામણી સપાટી પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તે તૂટી પડી, બુર્કવીર ૨૬૦૦ ફૂટની ઊંચાઈની નીચે ફેંકાયા ને એમનો જીવ ઉડી ગયો. મૃત્યુના નવ મહિના પહેલાં એમણે આગાહી કરી હતી કે જોજો, અન્નપૂર્ણાનું આરોહણ કરતી વખતે આવું કશુંક થશે નેં એમાં મારો જીવ પણ જઈ શકે એમના પરિવારજનો-દોસ્તારો કહેતાઃ તું બધું જાણે છે તો શું કામ બીજી કોઈ લાઈન પકડતો નથી? 

બુર્કરીવ કહેલું, “પહાડો તો મારું જીવનછે, મારો ધર્મ છે. હવે લાઇફમાં બીજું કોઈ કામ કરવા માટે બહુ મોડું થઈ ગયું છે...’ એક વાર એમણે કહેલું, “પર્વત કંઈ સ્ટેડિયમ નથી કે જેના ગ્રાઉન્ડ પર તમે મેચ રમો ને સિદ્ધિઓ મેળવો. મારા માટે પહાડ મંદિર છે કે જ્યાં જઈને હું મારા ધર્મનું પાલન કરું છું...!' ફરી એ જ પ્રશ્નઃ મનગમતું મૃત્યુ મેળવવા માટે કેટલાં જન્મોનું પુણ્ય જોઈએ?

સૌજન્ય: ગુજરાત સમાચારપત્ર, કોલમ -વાત વિચાર (શિશિર રામાવત)

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top