Valsad: વલસાડ જિલ્લાની વિવિધ સ્કૂલના શિક્ષકોને તમાકુ પ્રતિબંધ અંગે તાલીમ આપવામાં આવી.

SB KHERGAM
0

 


વલસાડ જિલ્લાની વિવિધ સ્કૂલના શિક્ષકોને તમાકુ પ્રતિબંધ અંગે તાલીમ આપવામાં આવી.

  • તમાકુને કારણે દર વર્ષે વિશ્વમાં ૬૦ લાખ અને ભારતમાં ૧૦ લાખ લોકો મોતને ભેટે છેઃ ડો. મનોજ પટેલ 
  • COTPA – ૨૦૦૩ના ભંગ બદલ ૧૦૧ કેસ કરી રૂ. ૨૦,૦૪૦ નો દંડ વસૂલવામાં આવ્યો 


વલસાડ જિલ્લાની સ્કૂલો તેમજ આસપાસના વિસ્તારમાં તમાકુ પ્રતિબંધ અંગે જાગૃતિ ફેલાઈ તેવા આશય સાથે વલસાડ જિલ્લા આરોગ્ય ખાતા દ્વારા હેલ્થ બ્રાંચ હોલમાં જિલ્લાના ૬૦ શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી. 

 વલસાડ જિલ્લા ટોબેકો કંટ્રોલના નોડલ ઓફિસર અને જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. મનોજભાઈ પટેલે શિક્ષકોને તાલીમ શિબિરમાં જણાવ્યું કે, સ્કૂલથી ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુનું વેચાણ ન થાય અને સ્કૂલ કેમ્પસમાં ધ્રુમપાન ન થાય તે માટે શિક્ષકોએ સઘન વોચ રાખવી જરૂરી છે. તમાકુના સેવનથી કેન્સર, લકવો, હ્રદયરોગ, ટીબી, નપુંસકતા જેવા રોગ થાય છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૬૦ લાખ લોકો અને ભારતમાં ૧૦ લાખથી વધુ લોકો તમાકુ સેવનના કારણે વિવિધ બિમારીથી મોતને ભેટે છે. ભારતમાં કેન્સરના ૧૦૦ પૈકી ૪૦ કેસો તમાકુ સાથે સંકળાયેલા હોય છે. મોઢાના કેન્સર લગભગ ૯૫ ટકા જેટલા કેસો તમાકુના કારણે થાય છે. સિગારેટમાં ૪૦૦૦થી પણ વધુ કેમિકલ્સ હોય છે જેમાં ૨૦૦ જેટલા ઝેરી હોય છે અને ૭૦ જેટલા કેન્સરજન્ય હોય છે. તમાકુ સેવનથી આરોગ્ય પર થતી ભયાનક અસરોથી લોકોને બચાવવા માટે ભારત સરકારે સિગારેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડકટ્સ એક્ટ ૨૦૦૩ (COTPA) નામનો રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અધિનિયમ ઘડ્યો છે. 

COTPA – ૨૦૦૩ની કલમ ૪ મુજબ જાહેર સ્થળે ધુમ્રપાન કરવા અંગે પ્રતિબંધના ભંગ બદલ વ્યકિતગત અપરાધીને રૂ. ૨૦૦ સુધીનો દંડ, કલમ ૫ મુજબ સિગરેટ અને તમાકુની અન્ય બનાવટોની જાહેરાત આપવા પર પ્રતિબંધ અંગેના ગુનામાં ૧ લી વાર ગુનો થાય તો ૨ વર્ષની જેલની સજા અને રૂ. ૧૦૦૦નો દંડ અને બીજીવાર ગુનો થાય તો ૫ વર્ષની જેલ અને રૂ. ૫૦૦૦નો દંડ, કલમ ૬ મુજબ સગીર વયની વ્યકિતને તેમજ શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ વેચાણ કરવા પર પ્રતિબંધના ભંગ અંગેના ગુનામાં રૂ. ૨૦૦ સુધી દંડ અને કલમ ૭, ૮ અને ૯ મુજબ આરોગ્ય વિષયક ચેતવણી વિના સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ અંગે ઉત્પાદકને પહેલા ગુનામાં ૨ વર્ષની જેલ અને રૂ. ૫ હજારનો દંડ, બીજા ગુનામાં ૫ વર્ષની જેલ અને રૂ. ૧૦ હજારનો દંડ તેમજ વેચાણ/છુટક વેચાણ કરનારને પહેલા ગુનામાં ૧ વર્ષની જેલ અને રૂ. ૧૦૦૦નો દંડ અને બીજા ગુનામાં ૨ વર્ષની જેલ અને રૂ. ૩૦૦૦નો દંડની જોગવાઈ છે. વલસાડ જિલ્લામાં સ્કવોડ દ્વારા એપ્રિલ ૨૦૨૩ થી અત્યાર સુધીમાં વિવિધ કલમ હેઠળ કુલ ૧૦૧ કેસ કરી રૂ. ૨૦,૦૪૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. 

વધુમાં ડો. મનોજ પટેલે જણાવ્યું કે, તમાકુ વ્યસન છોડવા માંગતા વ્યકિતઓ ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર ૧૮૦૦૧૧૨૩૫૬ પરથી મદદ મેળવી શકે છે.    

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૮ જાન્યુઆરી 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top